Western Times News

Gujarati News

સેનિટાઈઝરની માંગ ઘટતાં ૯૦ ટકા ઉત્પાદકોએ ઉત્પાદન બંધ કરી દીધું

અમદાવાદ, કોરોનાકાળની શરુઆત થઈ તે સમયે હેન્ડ સેનિટાઈઝરની માંગ એટવી વધી ગઈ હતી કે ઉત્પાદકોએ મોટા પ્રમાણમાં તેને બનાવવાની શરુઆત કરી હતી. એક સમય એવો હતો જ્યારે દેશમાં સેનિટાઈઝર બનાવવા બાબતે ગુજરાત સૌથી આગળ હતું.

એટલે કે આખા દેશમાં સૌથી વધારે સેનિટાઈઝર ગુજરાતમાં બનતુ હતું. પરંતુ સમયની સાથે કોરોનાના કેસ ઓછા થતા ગયા, સ્થિતિ સામાન્ય બની અને હેન્ડ સેનિટાઈઝરની માંગમાં પણ નોંધપાત્ર ઘટાડો જાેવા મળ્યો.

હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે રાજ્યના ૯૦ ટકા ઉત્પાદકોએ પ્રોડક્શનનું કામ બંધ કરી દીધું છે. ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન તરફથી મળેલી જાણકારી અનુસાર, ડિસેમ્બર ૨૦૨૦માં રાજ્યમાં ૭૪૨ હેન્ડ સેનિટાઈઝરના ઉત્પાદકો હતા જે દરરોજ ૨ કરોડ લીટર જેટલા સેનિટાઈઝરનું ઉત્પાદન કરતા હતા.

પરંતુ હવે એક અનુમાન અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે, ૯૦ ટકા ઉત્પાદકોએ સેનિટાઈઝર બનાવવાનું બંધ કરી દીધું છે. ગુજરાત FDCA™ના કમિશનર એચ.જી.કોશિયા જણાવે છે કે, કોરોનાની શરુઆત થતાંની સાથે જ અમે નિયમો હળવા કરી દીધા હતા જેથી સુનિશ્ચિત કરી શકાય કે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં હેન્ડ સેનિટાઈઝરનું ઉત્પાદન થઈ શકે.

ઝડપી લાયસન્સ આપવા માટે પણ અમે એક સિસ્ટમ તૈયાર કરી હતી. ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં તો અમારી પાસે ૭૪૨ ઉત્પાદકો હતા અને દરરોજ ૨ કરોડ લીટરથી વધારે હેન્ડ સેનિટાઈઝરનું પ્રોડક્શન થતુ હતું. દેશમાં સૌથી વધારે ઉત્પાદન ગુજરાતમાં થતુ હતું.

પરંતુ હવે માંગમાં ઘટાડો થયો તો મોટાભાગના યુનિટે પ્રોડક્શન અટકાવી દીધું. તેઓ પાંચ વર્ષ સુધી તે લાઈસન્સનો ઉપયોગ કરી શકશે. ઈન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર્સ અસોસિએશનના ગુજરાત રાજ્યના ચેરમેન શ્રેણિક શાહ જણાવે છે કે, હેન્ડ સેનિટાઈઝરની માંગ ઘણી ઓછી છે. હરિફાઈ વધારે અને સામે માંગ ઓછી હોવાને કારણે કોરોના સમયે ઉત્પાદન શરુ કરનારા ૯૦ ટકા યુનિટમાં હવે કામ બંધ થઈ ગયું છે.

કોરોનાકાળ પહેલાથી જ જે કંપનીઓ સેનિટાઈઝર બનાવતી હતી, તેઓ હજી પણ ઉત્પાદન કરી રહ્યા છે. કોરોના મહામારીની શરુઆત થઈ તે સમયે માંગ ઘણી વધારે હતી અને સ્ટોક ઘણો ઓછો હતો. તે સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતની ઘણી કંપનીઓએ સેનિટાઈઝરનું ઉત્પાદન શરુ કર્યુ હતું.

વેસ્ટકોસ્ટ ફાર્માના ચેરમેન કમલેશ પટેલ જણાવે છે કે, ભારતમાં કોરોનાના કેસ શરુ થયા ત્યારે અમે સેનિટાઈઝરનું ઉત્પાદન શરુ કર્યુ હતું. દરરોજના ૧૦,૦૦૦ લીટરના ઉત્પાદનની અમારી ક્ષમતા હતી. બીજી લહેર પછી માંગમાં મોટો ઘટાડો થયો હતો.

હરિફાઈ પણ વધારે છે. માટે અમે હવે સેનિટાઈઝર બનાવવાનું છોડી દીધું છે. MSME ક્ષેત્રના પણ જે લોકોએ હેન્ડ સેનિટાઈઝરના બિઝનેસમાં ઝંપાલાવ્યુ હતુ તેમણે પણ ઓછી માંગને કારણે પ્રોડક્શન બંધ કરી દીધું છે.

નિકોલ ફોર્મ્યુલેશન પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર જયેશ પંડ્યા જણાવે છે કે, જુલાઈ ૨૦૨૦માં અમને લાઈસન્સ મળ્યુ હતું અને અમે આ પ્રોડક્ટથી ૩ કરોડનો ટર્નઓવર મેળવ્યો. જાે કે હવે માંગ ઘટી ગઈ છે તો નવેમ્બર મહિનાથી અમે ઉત્પાદન બંધ કરી દીધું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.