Western Times News

Gujarati News

પાત્રતા યોગ્ય લાભાર્થીઓને લાભ આપનાર  ગ્રામપંચાયતોને 1 લાખનું ઇનામ 

સોલાર રૂફટોપ નાખવા જીલ્લા પંચાયત તરફથી વધારાની ૪૦% સબસીડી

અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે યોજાયેલી અમદાવાદ જિલ્લા પંચાયતની કારોબારી સમિતી  બેઠકમાં જિલ્લા પંચાયતના વર્ષ ૨૦૨૨-૨૦૨૩ના બજેટમાં સ્વ ભંડોળમાંથી અમલમાં મૂકવામાં આવેલી નવી યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે.

આ યોજનાઓની વિગતવાર વાત કરતાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલીયાએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં જે નવી યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે

તેમાં અમદાવાદ જિલ્લામાં સ્વચ્છતા અને સફાઈ અને વેગ આપવા માટે ‘સ્વચ્છ અમદાવાદ મિશન યોજના’, તેમજ ગામ પંચાયત-તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના પદાધિકારીઓના મૃત્યુના કિસ્સામાં રૂપિયા ૧ લાખની સહાય આપતી ‘પંચાયતોના પદાધિકારીઓ માટે સદગત સન્માન’ યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યું કે, આ ઉપરાંત સરકારની વિવિધ ૧૭ જેટલી વ્યક્તિલક્ષી યોજનાઓમાં તમામ પાત્રતા ધરાવતાં લાભાર્થીઓને લાભ આપનાર ગ્રામ પંચાયતને રૂપિયા ૧ લાખનું ઇનામ આપવા માટે ‘વ્યક્તિલક્ષી યોજનાઓમાં સંતૃપ્તિ અભિગમ’ યોજના, ગ્રામ પંચાયત ઘર પર સોલાર રૂફટોપ નાખવા માટે રાજ્ય સરકારની ૨૦% સહાય ઉપરાંત જિલ્લા પંચાયત તરફથી વધારાની ૪૦% સબસીડી માટેની “સોલાર રૂફટોપ સબસીડી યોજનાને પણ આ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.

આ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સૂચન અનુસાર દરેક ગ્રામપંચાયતને પોતાનો જન્મદિવસ ઉજવવા માટે રૂ.૫૦૦૦નું સહાયક અનુદાન આપવા માટેની “ગ્રામજન્મોત્સવ યોજના”, રાજ્ય સરકારની વતનપ્રેમ યોજનાને વેગ આપવા માટે કામની રકમના ર૦% (૧.૫૦ લાખ સુધી) સહાય આપવા માટેની “વતનપ્રેમ સહાયક યોજના”  તેમજ જિલ્લા પંચાયત હસ્તકના કર્મચારીઓના ચાલુ ફરજે મૃત્યુના કિસ્સામાં રૂા.૨.૦૦ લાખની સહાય આપવા માટેની “જિલ્લા પંચાયત હસ્તકના કર્મચારીઓ માટે સદ્દગત સન્માન યોજના” જેવી યોજનાઓને બહાલી આપવામાં આવી છે એમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.