Western Times News

Gujarati News

હજ યાત્રા માટે દિલ્હીથી પહેલો જથ્થો રવાના થયો

પ્રતિકાત્મક

આ વર્ષે ભારતમાંથી કુલ ૭૯ હજાર ૨૩૭ હજ યાત્રી જઈ રહ્યા છે અને આમાં ૫૦ ટકા સંખ્યા મહિલાઓનીે

નવી દિલ્હી,કોરોના મહામારીમાં પ્રતિબંધ બાદ સાઉદી સરકારે આ વર્ષે વિદેશી લોકોને હજ યાત્રાની પરવાનગી આપી દીધી છે. સમગ્ર દુનિયામાંથી હજ યાત્રી સાઉદી પહોંચવાના શરૂ થઈ ગયા છે. ભારતમાંથી પણ ફ્લાઈટ્‌સ ઉડવા લાગી છે. દિલ્હીથી આજે પહેલો જથ્થો રવાના થઈ ગયો છે. લખનૌમાંથી પહેલી ફ્લાઈટ આજે જ જઈ રહી છે.

આ વર્ષે ભારતમાંથી કુલ ૭૯ હજાર ૨૩૭ હજ યાત્રી જઈ રહ્યા છે અને આમાં ૫૦ ટકા સંખ્યા મહિલાઓની છે. આ વખતે હજ યાત્રા ગયા વખતની તુલનામાં મોંઘી છે.કેન્દ્રીય લઘુમતી કલ્યાણ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી રવિવારે દિલ્હી સ્ટેટ હજ કમિટી દ્વારા બનાવવામાં આવેલા કેમ્પોમાં પહોંચ્યા.

હજ કમિટીના ચેરમેન મુખ્તાર અહમદની સાથે નકવીએ હજ યાત્રા પર જનારા લોકોની પરિસ્થિતિ જાણી. આ દરમિયાન નકવી અને મુખ્તાર અહમદે જ્યાં હજ યાત્રીઓને શુભકામનાઓ આપી, ત્યાં નકવીએ હજ યાત્રાના ખર્ચ પર પણ વાત કરી છે.

અહીં નકવીએ મહિલા હજ યાત્રીઓ સાથે ખાસ મુલાકાત કરી અને જણાવ્યુ કે આ વખતે હજ યાત્રા પર ૫૦ ટકા મહિલાઓ જઈ રહી છે. મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ કે હજ યાત્રાની સબ્સિડીના નામે દાયકાઓથી રાજકારણ ચાલી રહ્યુ હતુ, જે હવે પૂરુ કરી દેવાયુ છે.

નકવીએ કહ્યુ કે હજ યાત્રાને મોદી સરકારમાં ખૂબ જ ટ્રાન્સપેરેન્ટ બનાવાઈ છે અને સબ્સિડી ખતમ થયા છતાં યાત્રીઓ પર કોઈ વધારે આર્થિક ભારણ પડી રહ્યુ નથી. જાેકે, યાત્રા પર વધારે ખર્ચ થવાના પ્રશ્ન પર તેમણે કહ્યુ કે આ વખતે સાઉદી અરબ સરકારે કેટલાક ટેક્સ વધાર્યા છે. તેમ છતાં અમે પ્રયત્ન કર્યો કે હજ યાત્રા ઓછામાં ઓછા રેટમાં કરાવવામાં આવે.

છેલ્લીવાર ૨૦૧૯માં ભારતમાંથી હજ યાત્રી ગયા હતા. તે સમયે અજીજિયા કેટેગરી માટે ૨.૩૬ લાખ રુપિયા અને ગ્રીન કેટેગરી માટે એક યાત્રીને ૨.૮૨ લાખ રુપિયા સુધી ખર્ચ કરવો પડ્યો હતો પરંતુ ૨૦૨૨ની વર્તમાન યાત્રા માટે ભારતીયોને ૩.૩૫ લાખથી લઈને ૪.૦૭ લાખ રુપિયા સુધી ખર્ચ કરવા પડી રહ્યા છે.

આ રેટ તે મુસાફર માટે છે જે સરકાર તરફથી મોકલવામાં આવી રહ્યા છે જ્યારે પ્રાઈવેટ ઓપરેટર્સની વાત કરવામાં આવે તો એક હજ યાત્રીને ૬ લાખ રુપિયા સુધી ખર્ચ કરવા પડી રહ્યા છે. કોરોનાએ સમગ્ર દુનિયાની સામે આર્થિક પડકાર ઉભો કર્યો છે.

સાઉદી પર પણ આની અસર પડી છે જેના કારણે ત્યાં પણ કેટલાક પ્રકારના નવા પરિવર્તન કરવામાં આવ્યા છે. સાઉદીમાં હોટલ્સ પર ટેક્સ વધારવામાં આવ્યો છે. સાથે જ હવે ત્યાં વેટ પણ લગાવવા આવ્યો છે જે લગભગ ૧૫ ટકા છે. આ સિવાય ફ્લાઈટ ટિકિટ રેટ પણ પહેલાની તુલનામાં ઘણા મોંઘા થયા છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, વિઝા ના રેટ પણ ૨૦૧૯ની તુલનામાં ચાર ગણા વધી ગયા છે. આ તમામ કારણોના કારણે પણ આ વખતે હજ યાત્રા પર વધારે ખર્ચ આવી રહ્યો છે. સાઉદી અરબ સરકારે આ વર્ષે ભારત માટે ૭૯,૨૩૭ હજ યાત્રીઓનો કોઠો નક્કી કર્યો છે.

જેમાંથી ૫૬,૬૦૧ બેઠક હજ કમિટી ઓફ ઈન્ડિયા માટે છે જ્યારે બાકી ૨૨,૬૩૬ બેઠક પ્રાઈવેટ ટૂર ઓપરેટર્સ માટે છે. હજ કમિટી ઓફ ઈન્ડિયા રાજ્યોના હિસાબે નક્કી કરે છે કે ક્યાંથી કેટલા હજ યાત્રી જઈ શકે છે. અમદાવાદ, બેંગલુરુ, કોચ્ચિ, દિલ્હી, ગુવાહાટી, હૈદરાબાદ, કલકત્તા, લખનૌ, મુંબઈ અને શ્રીનગર એવા ૧૦ પોઈન્ટ છે, જ્યાંથી હજ યાત્રીઓ માટે ફ્લાઈટ્‌સ રવાના થાય છે.

દિલ્હીથી કુલ ૨૦ ફ્લાઈટ્‌સ રવાના થશે, જેમાં ૮,૨૫૬ યાત્રીઓનુ જવુ પ્રસ્તાવિત છે. દિલ્હીથી પહેલી ફ્લાઈટ સોમવારે રવાના થઈ. ઉલ્લેખનીય છે કે દિલ્હી જ આ રાજ્યના હજ યાત્રી જતા નથી, પરંતુ ઉત્તર ભારત ના ૯ રાજ્યોના લોકો અહીંથી યાત્રા પર રવાના થાય છે.

જેમાં યુપી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર સામેલ છે. આ રાજ્યોમાંતી હજ યાત્રી દિલ્હી આવે છે જ્યાં સ્ટેટ હજ કમિટી તેમના રહેવા-જમવાની વ્યવસ્થા કરે છે. યુપીમાંથી આ વર્ષે ૭૫૦૦ હજ યાત્રી જઈ રહ્યા છે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.