Western Times News

Gujarati News

વર્ષ૧૯૭૨થી બંધ થયેલી રેલવે સેવા શરૂ કરવા માંગ

Western Railway Ahmedabad

બોટાદ, લાખો લોકોના આસ્થાના કેન્દ્ર અને સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થ ધામ એવા બોટાદના ગઢડા શહેરમાં રેલવેની સુવિધા શરૂ કરવાની માંગ ઉઠી છે. ગઢડા શહેરમાં વર્ષો પહેલા ધમધમતું રેલવે સ્ટેશન હાલ બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યું છે. ૧૯૭૨માં આ સ્ટેશન પર ટ્રેન આવતી હતી. પરંતુ હાલ તે બંધ હાલતમાં છે જેને ફરી શરૂ કરવાની લોકોમાંથી માંગ ઉઠી છે.ધાર્મિક ક્ષેત્રે વિશ્વ ફલક પર મોટુ સ્થાન ધરાવતું ગઢડા શહેર રેલ્વે સહિતની સુવિધાઓથી વંચિત છે.

ગઢડાથી ઢસા જંકશન માત્ર ૨૧ કિલોમીટર થાય છે ત્યાં રેલવે સ્ટેશન આવેલું છે અને ગઢડાથી બોટાદ પણ ૨૦ કિલોમીટર થાય છે ત્યાં પણ રેલેવ જંકશન છે. આથી વર્ષોથી વિકાસ ઝંખતા ગઢડા શહેરમાં બંધ પડેલું રેલવે સ્ટેશન ફરી ધમધમતું થાય તે જરૂરી હોવાનું લોકો જણાવી રહ્યા છે.નોંધનિય છે કે, ૧૯૭૨ સુધી ગઢડા શહેરમાં રેલવે સેવા શરૂ હતી. જે સુવિધામાં કોઇ કારણસર રોક લગાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ રેલવે બંધ થતાં આજદિન સુધી શરૂ કરવામાં આવી નથી.

આથી વર્ષોથી મુસાફરો પરેશાનીનો સામનો કરી રહ્યા હતા. જે મામલે સ્થાનીક આગેવાનો દ્વારા કેન્દ્ર સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા માંગને ગણકારવામાં ન આવી હોવાની પણ રાવ ઉઠી છે.ગઢડા શહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય બે મંદિર આવેલા છે અને સંપ્રદાયનું મુખ્ય તીર્થ ધામ એટલે ગઢડા શહેર.

ત્યારે લોકોની માંગણીને ધ્યાને લઇને આ રજૂઆત અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો દર્શને જતા સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો અને સ્થાનિક મુસાફરો સહિતનાઓને મોટો ફાયદો થઇ શકે તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે. બીજી તરફ લોકોએ સ્થાનિક અગ્રણીઓને રજૂઆત કરી આગામી સમયમાં કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરવાની તૈયારી દર્શાવી છે.આગામી સમયમાં વેપારી આગેવાનો, સામાજિક સંસ્થાઓ સહિતના એક સૂર થઇ રજૂઆત કરશે તેવી ખાતરી આપવામાં આવી છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.