Western Times News

Gujarati News

વર્ષોથી કૂવાનાં પાણી પીને જીવતા ગામલોકોને મળી ‘નલ સે જલ’ની ભેટ

water supply

જલજીવન મિશન અંતર્ગત વૈવિધ્યસભર વારસો ધરાવતા સુરત જિલ્લામાં પાણીની સમસ્યાઓ થઈ કાયમી દૂર-નવી પારડી ગામે તમામ ૧,૩૧૫ ઘરોને ‘નલ સે જલ’ યોજના અંતર્ગત પાણી પૂરું પાડી ૧૦૦ ટકા સિદ્ધિ હાંસલ

·         સુરત ઝોનમાં બીજા નંબરે આવેલાં નવી પારડી ગામને ૫૦ હજાર રૂપિયાનું ઈનામ મળ્યું.

જે જિલ્લાના વડામથકને વિશ્વનું સૌથી મોટું હીરા ઉત્પાદન કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ, જે જિલ્લાની કલા અને સંસ્કૃતિ વૈવિધ્યપૂર્ણ છે, તેવા સુરત જિલ્લાનાં મુખ્ય શહેર સુરતની ઓળખ છે, ડાયમંડ સિટી, રેશમ સિટી અને ધ ગ્રીન સિટી… સુરત શહેર વૈવિધ્યસભર વારસાને સાચવીને અડીખમ વિકસી રહ્યું છે,

ત્યારે આ જિલ્લાનાં ગામો પણ કેમ પાછળ રહી જાય, સુરતમાં આવેલા કામરેજ તાલુકાનાં નવી પારડી ગામમાં જળક્રાંતિ થઈ છે. વર્ષો જૂની પાણીની સમસ્યાઓનું ‘જલ જીવન મિશન’ અંતર્ગત નિરાકરણ આવ્યું છે અને વિકાસની હરોળમાં આગળ વધી રહ્યું છે.

જન જનને નળથી જળ આપવા કટિબદ્ધ છે ગુજરાત સરકાર

જળ વગરનું જીવન અશક્ય છે, માટે જ આપણે કહીએ છીએ કે, જળ એ જ જીવન છે. માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જલ જીવન મિશનની શરૂઆત કરવામાં આવી હતી. તેમનો સંકલ્પ છે કે, સમગ્ર ભારત દેશમાં ઘરે ઘરે નળથી શુદ્ધ જળ મળે.

પ્રધાનમંત્રીશ્રીના આ સંકલ્પને સિદ્ધ કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે, તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, સુરતમાં આવેલું નવી પારડી ગામ. આ ગામની કુલ વસતી ૫,૬૫૦ છે, જેમાં ૧,૩૧૫ ઘરો આવેલાં છે. ગામલોકો પોતાનો જીવન નિર્વાહ માટે મુખ્યત્વે ખેતી અને ખાનગી નોકરી પર નિર્ભર છે. અહીં વર્ષોથી લોકો કૂવાનાં પાણી પીને જીવન પસાર કરતાં હતાં,

જેમાં કેટલાય કલાકો માત્ર પાણી મેળવવામાં વેડફાઈ જતા હતા, કારણ કે, ગામમાં માત્ર બે જ કૂવા હતા અને રાજ્ય સરકારની વિવિધ યોજના થકી ૮ જેટલા હેન્ડપંપ લગાવવામાં આવ્યા હતા.

‘નલ સે જલ’ યોજના અંતર્ગત ૧૦૦ ટકા નળકનેક્શથી નવી પારડી ગામે સર્જી જળક્રાંતિ

નવી પારડી ગામમાં પાણીની સમસ્યાઓ દૂર કરવા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં જળયોજના માટે રૂ. ૧૩,૯૭,૫૩૫ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ગામમાં ત્રણ બોર કરાવવામાં આવ્યા તેમજ બે મોટર લગાવવામાં આવી હતી.

ગામમાં પાણીના સંગ્રહ માટે આર.સી.સી.ની ૩૦ હજાર લિટરની ક્ષમતાવાળી, ૪૦ હજાર લિટરની ક્ષમતાવાળી અને ૧૦ હજાર લિટરની ક્ષમતાવાળી ટાંકીઓ તેમજ ૧ લાખ લિટરનો ભૂગર્ભ સમ્પ બનાવવામાં આવ્યો હતો.

વર્ષ ૨૦૨૦-૨૧માં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત આ ગામમાં ઘરે ઘરે નળ થકી જળ મળી રહે તે માટે રૂપિયા ૨,૪૩,૬૩૮ની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી, જેમાં ગામનાં તમામ ૧,૩૧૫ ઘરોને ‘નલ સે જલ’ યોજના હેઠળ ૧૦૦ ટકા આવરી લેવામાં આવ્યાં છે.

સુચારું જળવિતરણથી હાથવેંતમાં જ શુદ્ધ પેયજળ

નલ સે જલ યોજના અંતર્ગત નાની પારડી ગામમાં ૫૨૫ મીટરની પાઇપલાઇન નાખવામાં આવી છે, સાથે જ આ ગામમાં જે પાણીવિતરણ કરવામાં આવે છે તેનું વાસ્મો દ્વારા અપાયેલી વોટર ટેસ્ટીંગ કિટ દ્વારા નિયમિત ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે. ગામલોકો આર.ઓ.પ્લાન્ટનું પાણી પી શકે

તે માટે પંચાયત અને દાતાઓના સહયોગથી એક પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે, જે પાણી લેવા માટે માત્ર એક બટન દબાવવું પડે છે અને પંચાયત દ્વારા આપવામાં આવેલ કાર્ડને સ્કેન કરવાનું હોય છે, જે બાદ ગામલોકો તેનો સરળતાથી લાભ મેળવી શુદ્ધ પેયજળ પ્રાપ્ત કરી શકે છે. ગામની આ પહેલ ગામલોકો માટે કલ્યાણકારી નિવડી છે.

નવી પારડી ગામના લોકો કરી રહ્યાં છે ‘નલ સે જલ’ના ફાયદાની વાત…

“મારા ગામમાં નલ સે જલ યોજના બે વર્ષ અગાઉ આવી હતી, તેનાથી ગામમાં ૧૦૦ ટકા ઘરે ઘરે નળનું કામકાજ કરવામાં આવ્યું છે અને ૧૦૦ ટકા ગામમાં પીવાનું પાણી મળી રહે છે.” – છનાભાઈ બાબુભાઈ રાઠોડ, સરપંચ, નવી પારડી

“નલ સે જલ યોજનાનાં અમલિકરણને લીધે અમારી દીકરીઓ સમયસર શાળાએ હવે આવવા લાગી, હવે પાણી પૂરતા પ્રમાણમાં ઘરે જ મળવાં લાગ્યું એટલે દીકરીઓનો સમય બચ્યો, ગૃહિણીઓ નાનો-નાનો ગૃહઉદ્યોગ કરી અર્થોપાર્જન કરતી થઈ. શાળામાં નિયમિત હાજરીને લીધે ગામની દીકરીઓનું શિક્ષણસ્તર પણ ઊંચું આવ્યું છે.”   – ચૈતાલી ભાવસાર, પ્રિન્સિપાલ, નવી પારડી

“કામરેજ તાલુકામાંથી અમને વાસ્મો દ્વારા પાણીની ચકાસણીની કિટ આપવામાં આવી છે, તેના દ્વારા પાણીની ચકાસણી કરીને પાણી ગુણવત્તાવાળું જણાય તો જ અમે ગ્રામજનોને પાણી પૂરું પાડીએ છીએ.”   – નૈનીકા સોલંકી, આંગણવાડીવર્કર, નવી પારડી

“મારું ગામ નવી પારડી સુરત જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના અને વાસ્મો યોજનામાં પ્રથમ નંબરે આવેલું ગામ છે, જ્યારે ગાંધીનગર જિલ્લામાં પ્રથમ સભા મળી એ વખતે સુરત ઝોનમાં બીજા નંબરે આવેલાં નવી પારડી ગામને ૫૦,૦૦૦ રૂપિયાનો ચેક ઈનામરૂપે મળ્યો હતો.”   – સોનલબહેન દેસાઈ, તલાટી-કમ-મંત્રી, નવી પારડી

આ ગામની વર્ષોથી ચાલી રહેલી પાણીની સમસ્યા ‘નલ સે જલ’ યોજના થકી ૧૦૦ ટકા દૂર થઈ છે, જેનાથી ગામલોકો પણ ખૂબ ખુશ છે, હાલ સરકારની આ યોજનાને વધાવી આશીર્વાદરૂપ ગણાવી રહ્યાં છે. આ યોજનાના અમલથી તેમનો સમય અને શ્રમ બંનેનો બચાવ થયો છે. ગુજરાત સરકાર આવી જ કલ્યાણકારી કામગીરીમાં હંમેશાં અગ્રેસર રહે છે. આવી યોજનાઓના સફળ અમલથી સમજી શકાય છે કે, જન જનને વિવિધ યોજનાઓથી સમૃદ્ધિસભર જીવન પ્રદાન કરવા રાજ્ય સરકાર અભૂતપૂર્વ કાર્ય કરી રહી છે એ નિર્વિવાદ હકીકત છે.- દિપક જાદવ / ભરત ગાંગાણી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.