Western Times News

Gujarati News

આ ચોમાસે પણ અંડરપાસ પાણીમાં ગરકાવ થશે !!

File Photo

(એજન્સી) અમદાવાદ, મ્યુનિસિપલ તંત્ર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે નવા બ્રિજ, અંડરપાસ, પાણી, ગટર, સ્ટ્રોમ વોટર લાઈન જેવા ઈજનેર વિભાગને લગતાં કામ કરવામાં આવે છે. એટલે તંત્ર પાસે રાજયની અન્ય મહાનગરપાલિકાઓ કરતા ખુબ સારું ઈજનેરી કૌશલ્ય હોવાનું માની શકાય તેમ છે.

અલબત્ત તંત્રના ઈજનેર વિભાગને લગતા ગમે તેવા મોટા પ્રોજેકટ અમલમાં મુકાય, પણ શહેરના અંડરપાસમાં સામાન્ય વરસાદમાં પણ જે રીતે વરસાદી પાણી જમા થાય છે અને બસ સહિતના વાહનો તેમાં ફસાઈ જાય છે તે સમસ્યાનું કાયમી નિરાકરણ હજુ સુધી આવ્યું નથી.

ઉપરથી તંત્ર તો જાહેર નોટિસ પ્રસિદ્ધ કરીને લોકોને સ્પષ્ટપણે કહે છે કે આ ચોમાસામાં પણ અંડરપાસ વરસાદી પાણીમાં ગરકાવ થશે. બીજા અર્થમાં પ્રી-મોન્સુન એકશન પ્લાન હેઠળની તૈયારીઓના દાવા વચ્ચે પણ સત્તાધીશોએ વરસાદી પાણી ભરાવાના મામલે રાબેતા મુજબ હાથ ઉંચા કર્યા છે.

આમ તો દર ચોમાસા પહેલાં મ્યુનિ. સત્તાધીશો પ્રી-મોન્સૂન એકશન પ્લાન હાથ ધરે છે, જે અંતર્ગત નવા મશીન હોલ અને કેચપીટ બનાવવાની તેમજ કેચપીટની સફાઈ, કન્ટ્રોલરૂમ ઉભા કરવા, વરસાદ માપવા માટે રેઈનગેજ મીટર મૂકવા, કન્ટ્રોલરૂમ ખાતેથી શહેરમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાથી વરસાદી પાણી જમા થતા હોય તે સ્થળોનું મોનીટરીંગ કરવું, અંડરપાસ તેમજ ખારીકટ કેનાલમાં વરસાદી પાણી ઉલેચવા સબમર્સિબલ પંપ મૂકવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.

તેમ છતાં મશીનહોલ અને કેચપીટની સફાઈમાં તંત્ર મોટા મોટા દાવા કરે તેમ છતાં વરસાદની સિઝનમાં તે હંમેશા પોકળ નીવડે છે. આમાં પણ રાબેતા મુજબ પ્રી-મોન્સૂન એકશન પ્લાન કાગળ પર રહીને તેના ચોમાસાના સામાન્ય વરસાદમાં લીરેલીરા ઉડતા નાગરિકોએ જાેયા છે અને અનુભવ્યા છે.

એટલે આ ચોમાસામાં પણ ક્યાંય વરસાદી પાણી જમા નહી થાય અને જાે જમા થશે તો તેનો ઝડપભેર નિકાલ આવશે તેવો દાવો સાચો ઠરવાનો નથી તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

જાેકે ચોમાસામાં શહેરના અંડરપાસની સ્થિતિ પણ હંમેશા દયનીય બનતી આવી છે. સામાન્ય વરસાદમાં પણ દક્ષિણી અંડરપાસ, પરિમલ અંડરપાસ, કુબેરનગર અંડરપાસ, અને મીઠાખળી અંડરપાસ વરસાદી પાણીમાં ડૂબી જાય છે. આ ચોમાસામાં પણ આ અંડરપાસ પર વરસાદી પાણી ફરી વળવાનું છે,

કેમ કે ખુદ તંત્રે આવી જાહેર નોટિસ આજે આપીને લોકોને લોકોને ચેતવણી આપી છે. જે અંડરપસામાં પાણી ભરાયેલા હોય તેનો વાહનચાલકો- રાહદારીઓ ઉપયોગ કરવાથી કોઈ અકસ્માત સર્જાશે તો તંત્રની કોઈ જવાબદારી રહેશે નહીં તેવી સુફિયાણી વાતો સ્માર્ટ સિટી અમદાવાદના મ્યુનિ. તંત્રને શોભતી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.