Western Times News

Gujarati News

રાજ્યસભાની ૫૭ બેઠકો માટેની દ્વિવાર્ષિક ચૂંટણી સંપન્ન: રાજ્યસભાની ૧૬ બેઠકોમાંથી નવમાં ભાજપનો વિજય થયો

કોંગ્રેસે ૫, શિવસેના-એનસીપીનો ૧-૧ બેઠકો પર વિજય હરિયાણામાં ૩૧ ધારાસભ્ય હોવા છતાં કોંગ્રેસની હાર

નવી દિલ્હી, દેશના ૧૫ રાજ્યોમાં રાજ્યસભાની ૫૭ બેઠકો માટેની દ્વિવાર્ષિક ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે. આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં વિવિધ પક્ષના ૪૧ ઉમેદવારો નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હતા.

જ્યારે હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક અને મહારાષ્ટ્રની ૧૬ રાજ્યસભા બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપને ૯, કોંગ્રેસને ૫ તથા શિવસેના-એનસીપીને ૧-૧ બેઠકો પર વિજય મળ્યો છે.આ ૪ રાજ્યોમાં રાજ્યસભાની ૧૬ ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી યોજવી અનિવાર્ય બની ગઈ હતી.

તેના કારણો જાેઈએ તો સૌથી પહેલા તો હરિયાણા અને રાજસ્થાનમાં અપક્ષ ઉમેદવારો તરીકે ૨ મીડિયા દિગ્ગજાેએ અચાનક જ એન્ટ્રી મારી હતી. ઉપરાંત કર્ણાટકમાં સંખ્યા ન હોવા છતાં પણ સત્તારૂઢ ભાજપ, કોંગ્રેસ અને JD (S) દ્વારા ચોથી બેઠક માટે પોતાનું નસીબ અજમાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાએ એક અતિરિક્ત એટલે કે, વધારાનો ઉમેદવાર ઉભો કરવાનો ર્નિણય લીધો હતો. આ બધા વચ્ચે હોર્સ ટ્રેડિંગના આરોપો, ધારાસભ્યોને રિસોર્ટમાં ખસેડવા, અવિરત બેઠકોનો દોર, મોડી રાત સુધી મતની ગણતરી વગેરે પરિબળોએ ૪ રાજ્યોની રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયાને રસપ્રદ વળાંક આપ્યો હતો.

રાજસ્થાનમાં રાજ્યસભાની ૪ બેઠકો ખાલી થઈ હતી અને સામે ઉમેદવારોની સંખ્યા ૫ હતી. ચૂંટણી જીતવા માટે દરેક ઉમેદવારને ૪૧ મત મળે તે જરૂરી હતું. જેમાં ૪ પૈકીની ૩ બેઠકો પર કોંગ્રેસનો અને ૧ બેઠક પર ભાજપનો વિજય થયો હતો.

હરિયાણામાં રાજ્યસભાની ૨ બેઠકો ખાલી પડી હતી અને સામે ઉમેદવારોની સંખ્યા ૩ હતી. ચૂંટણી જીતવા માટે દરેક ઉમેદવારને ૩૧ મત મળે તે જરૂરી હતું. જેમાં બંને બેઠકો પર ભાજપે બાજી મારી છે. કર્ણાટકમાં રાજ્યસભાની ૪ બેઠકો ખાલી થઈ હતી અને સામે ૬ ઉમેદવારો હતા.

ચૂંટણી જીતવા માટે દરેક ઉમેદવારને ૪૫ મત મળે તે જરૂરી હતું. ચૂંટણીના પરિણામોમાં ભાજપના ફાળે ૩ બેઠકો અને કોંગ્રેસના ફાળે ૧ બેઠક આવી હતી. જ્યારે જેડીએસને એક પણ બેઠક નહોતી મળી. મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ૬ બેઠકો સામે ૭ ઉમેદવારો હતા.

ચૂંટણી જીતવા માટે દરેક ઉમેદવારને ૪૨ મત મળવા જરૂરી હતા. પરિણામોમાં ભાજપને ૬ પૈકીની ૩ બેઠકો મળી છે જ્યારે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીને ૧-૧-૧ બેઠક મળી છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.