Western Times News

Gujarati News

વડોદરામાં ૪ આરોપી ૮ લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા

વડોદરા, વડોદરા એસઓજી દ્વારા બિચ્છુ ગેંગના સાગરીત સહિત મુંબઇની એક મહિલા મળી કુલ ચાર લોકોને મધ્યપ્રદેશથી લવાયેલ ૮ લાખની કિંમતના ૮૧ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. વડોદરાના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી કે, વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતો બિચ્છુ ગેંગનો સાગરીત તનવીર ઉર્ફે તન્નુ મલેક તથા તેની સાથે એક મધુમિતા ઉર્ફે અનામિકા નામની મહિલા, પાર્થ ઉર્ફે સરદાર મધ્ય પ્રદેશ પાસિંગની કારમાં મધ્ય પ્રદેશ તરફથી એમ.ડી.ડ્રગ્સનો જથ્થો લઇને હાલોલ રોડ થઇ વડોદરા આવી રહ્યા છે. જેથી પોલીસે ગોલ્ડન ટોલનાકા પાસે વૉચ ગોઠવી હતી.

આ શંકાસ્પદ કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેનો પીછો કરી દરજીપુરા ઓરટીઓ રોડ પર અટકાવી હતી અને કારમાં બેઠેલા વ્યક્તિઓની તપાસ કરતા તેમની પાસેથી મેફેડ્રોન મળી આવ્યું હતું. તેમની પાસેથી ૮ લાખ ૧૦ હજાર ૪૦૦ની કિંમતનું ૮૧ ગ્રામ ૪૦ મિલિગ્રામ ડ્રગ્સ મળ્યું છે. આમ તેમની પાસેથી કાર અને ડ્રગ્સ મળી કુલ ૧૨ લાખ ૮ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પ્રાથમિક પૂછપરછમાં આ શખ્સો મધ્યપ્રદેશના ઉજ્જૈન-ઇન્દોર હાઇવે પર આવેલ શીતલ હોટલ પાસે રતલામના ડ્રગ્સ સપ્લાયર લાલુ નામના વ્યક્તિ પાસેથી આ જથ્થો ખરીદ્યો હતો. રસ્તામાં પોલીસને તેમના પર શંકા ન જાય અને ચેકિંગ ન થાય તે માટે તેમણે મુંબઇના થાણેમાં રહેતી મધુમિતા ઉર્ફે અનામિકાને સાથે રાખી હતી. જાે કે પોલીસે આ તમામને ઝડપી લઇ મેફેડ્રોન ડ્રગ્સના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

આ મામલે મહિલા સહિત ચાર સામે વડોદરાના હરણી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરવામાં આવી છે. જ્યારે રતલામના લાલુ નામના ડ્રગ્સ સપ્લાયરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.HS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.