Western Times News

Gujarati News

ગાંધીનગર RTOમાં ટુપસંદગીના નંબરો માટે હવે ઑનલાઈન ડાયનેમિક ઑક્શન પ્રોસેસ

ગાંધીનગર,  ગાંધીનગરની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (એ.આર.ટી.ઓ.) કચેરી દ્વારા વાહનોના પસંદગીના નંબરો મેળવવા માટે ટુ-વ્હીલરની  પાંચ સિરીઝ ;  GJ-18-DK, GJ-18-DL, GJ-18-DM, GJ-18-DN અને  GJ-18-DP  તથા એલ.એમ.વી. કારની પાંચ સિરીઝ GJ-18-BM, GJ-18-BN, GJ-18-BP, GJ-18-BQ  અને  GJ-18- BR  નું રિ-ઑક્શન  શરૂ કરાશે.

વાહનોના નંબરોની હરાજી પારદર્શક, ઝડપી અને વધુ કાર્યક્ષમ બનાવવા હવે ઑનલાઇન ઑક્શન કરાશે, એટલું જ નહીં ઑનલાઇન ઑકશનની પ્રક્રિયા ડાયનેમિક ઑક્શન પ્રોસેસ રહેશે. એટલે કે, હરાજીમાં ભાગ લઇ રહેલા અરજદારે વેબસાઇટ પર હરાજી પ્રક્રિયા દરમિયાન વખતોવખત હરાજીની રકમનો ઉમેરો કરવાનો રહેશે. જે રૂ. ૧,૦૦૦ ના ગુણાંકમાં રહેશે. અત્યારની વન ટાઈમ બિડીંગ પ્રોસેસની જેમ એક જ વખતની બિડ પ્રોસેસ કરી શકાશે નહીં.

ગાંધીનગરના સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ આ અંગે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું છે કે, પસંદગીના નંબરો માટે રાજ્ય સરકારના વર્ષ-૨૦૧૫ ના પરિપત્રની સૂચનાઓ, જેવી કે ગોલ્ડન નંબર, સિલ્વર નંબર, બેઝ એમાઉન્ટ, રજીસ્ટ્રેશન ટેક્ષ, સી.એન.એ. ફોર્મ વગેરે યથાવત રાખીને વાહન ૪.૦ માં ઉપલબ્ધ નાગરિક કેન્દ્રિત સગવડોને લક્ષમાં રાખીને રાજ્ય સરકારે ઑનલાઈન ઑક્શન કરવાનું નક્કી કર્યું છે.

ઈ-ઑક્શન પ્રક્રિયા માટે રજીસ્ટ્રેશન તા. ૨૫/૬/૨૦૨૨ એ સાંજે ૪.૦૦ કલાકે શરુ કરાશે. રજીસ્ટ્રેશન તા. ૨૭/૬/૨૦૨૨ એ સાંજે ૩.૫૯.૫૯ કલાકે બંધ થશે. ઈ-ઑક્શન તા. ૨૭/૬/૨૦૨૨ એ સાંજે ૪.૦૦ કલાકે શરુ થશે. અને ઈ-ઑક્શન તા. ૨૯/૬/૨૦૨૨ એ સાંજે ૪.૦૦ કલાકે બંધ થશે.

ઑનલાઈન ઑક્શનમાં ભાગ લેનાર અરજદારે http:/parivahan.gov.in/parivahan  પર નોંધણી કરવાની રહેશે. યુઝર આઇ.ડી.-પાસવર્ડ તૈયાર કરવો તેમજ આ વેબસાઇટ પર લોગ ઇન કરીને વાહન ખરીદીના સાત દિવસની અંદર ઑનલાઈન સી.એન.એ.ફોર્મ ભરવાનું રહેશે. હરાજીની પ્રક્રિયામાં ભાગ લેનારે ચુકવણું કરવું અને વાહન નંબર મેળવવો.

આ માટેની વિગતવાર સુચનાઓ એપેન્ડિક્સ-એ ઉપર આપેલી છે.  આ એપેન્ડિક્સ-એ કચેરીના નોટિસ બોર્ડ પર અને રજિસ્ટ્રેશન શાખામાં રૂબરૂ પણ જોવા મળશે. અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં નાણાં જમા કરાવવાના રહેશે.

જો નિયત સમયમર્યાદામાં નાણાં ચૂકવવામાં અરજદાર નિષ્ફળ જશે તો મૂળ રકમ-બેઝ પ્રાઈસ જપ્ત કરીને ફરીવાર હરાજી કરવામાં આવશે. ઑનલાઈન ઑક્શન દરમિયાન અરજદારે આરબીઆઇ દ્વારા નકકી કરેલ દરે ચાર્જ ચુકવવાનો રહેશે. ટુ-વ્હીલર તથા ફોર-વ્હીલરના સિલ્વર નંબર તથા ગોલ્ડન નંબર માટે જરૂરી બેઝ પ્રાઈસ ચુકવવાની રહેશે.

હરાજીની પ્રક્રિયામાં સફળ થયેલા અરજદારને સફળ ગણીને બાકીના નાણાં પાંચ દિવસમાં ભરપાઈ કરવા માટે એસએમએસ કે ઈ-મેલથી જણાવવામાં આવશે. હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણાં પરત કરવાના રહેશે, એટલે કે નેટબેન્કિંગ, ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી ચૂકવણુ કર્યું હશે તો તે જ મૉડથી નાણાં અરજદારના ખાતામાં એસ.બી.આઈ-ઈ-પે  દ્વારા પરત કરવામાં આવશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.