Western Times News

Gujarati News

અલ્પેશ-ધવલસિંહની સ્થિતિ ન ઘરના, ન ઘાટના જેવી થઈ

File

અમદાવાદ : રાધનપુર અને બાયડ બેઠક પરથી કારમી હાર ખાવાના કારણે હવે ગુજરાતમાં કોંગ્રેસનું ધારાસભ્યપદ છોડીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની સ્થિતિ ન ઘરના ન ઘાટના જેવી થઈ ગઈ છે. કેમ કે કોંગ્રેસના ધારાસભ્ય પદ છોડી ભાજપમાં જોડાયા અને ભાજપમાંથી પેટા ચૂંટણી લડ્‌યા પરંતુ બંને ઉંધા માથે પછડાઇને હાર્યા છે.

પક્ષપલ્ટો અને વધુ પડતી રાજકીય મહ્‌ત્વકાંક્ષાએ આ બંને યુવા નેતાઓને રાજકીય જંગમાં હારના પાણીમાં બહુ સિફતતાપૂર્વક ડુબાડી દીધા છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની હાર એ ભાજપ માટે પણ ઘાતક સાબિત થઇ શકે છે.

કોંગ્રેસમાંથી પેરાશૂટ બનીને આવેલા ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ભાજપમાં સમાવવા સામે ભાજપના સ્થાનિક આગેવાનોથી માંડીને અનેક ધારાસભ્યોએ પક્ષમાં આંતરિક રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમ છતાં પક્ષની નેતાગીરીએ આ તમામ વિરોધને અવગણીને અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ભાજપમાં પ્રવેશ તો આપી દીધો પરંતુ આ પેટા ચૂંટણીમાં રાધનપુર અને બાયડ બેઠક પરથી ટિકિટ પણ આપી દીધી, જેને લઇ ભાજપમાં આતંરિક ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો હતો.

બીજી બાજુ ઠાકોર નેતા તરીકેની છાપ ધરાવનાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બંનેએ પોતાના ઠાકોર સમાજ સાથે પણ ગદ્દારી કરી હોવાનો એક સૂર ઉભો થયો હતો. તે સુર મતદાન દરમ્યાન જાવા મળ્યો અને તેનું પરિણામ આજે જોવા મળ્યું છે.

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને પોતાના સમાજે જ ઘર ભેગા કરી દીધા છે. રાધનપુર વિધાનસભાની બેઠક ઘણા વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષ માટે ઘણી મહત્વની રહી છે, ત્યારે આ રાધનપુર બેઠક પરથી કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર પેટા ચૂંટણી લડ્‌યા હતા પરંતુ અલ્પેશ ઠાકોરે રાજકારણમાં પ્રવેશતા પહેલા દારૂબંધી અને પરપ્રાંતીયો અંગે કરેલા નિવેદનની અસરો આ ચૂંટણીના પરિણામમાં જોવા મળી છે.

જે અલ્પેશ ઠાકોર ભાજપ સરકાર સામે ચૂંટણી લડ્‌યા જેને લઇને ઠાકોર સમાજમાં પણ ભારે વિરોધ થયો હતો, તો ધવલસિંહ ઝાલા કે જેઓ પણ અગાઉ કોંગ્રેસની ટિકિટ પર બાયડમાંથી ધારાસભ્ય બન્યા હતા તે જ બાયડ બેઠક પર ફરીથી ભાજપના સિમ્બોલ પર ચૂંટણી લડવા તૈયાર થયા હતા.

તેથી જનતાએ તેમને મતદારોનો દ્રોહ કર્યો હોવાની સાથે ધવલ સામે ભાજપમાં પ્રવેશ માટે પૈસા લીધા હોવાની વીડિયો ક્લિપો અને ઓડિયો ક્લિપ ફરતી થઇ હતી, જેની પણ મતદારોએ ગંભીર નોંધ લીધી હોવાનું મનાઇ રહ્યું છે.

પક્ષપલ્ટાની સાથે સાથે વધુ પડતી રાજકીય મહત્વકાંક્ષા અને અંગત સ્વાર્થની છાપ આ બંને ઉમેદવારોની સ્થાનિક પ્રજામાં ખુલ્લી પડી ગઇ હતી અને તેથી જ પ્રજાએ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને કદ પ્રમાણે વેતરી નાંખી સાફ સંદેશો આપ્યો કે, લોકશાહીમાં જનતા જનાર્દન જ નિર્ણાયક હોય છે, પ્રજા સામે કોઇનું કંઇ ના ચાલે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.