Western Times News

Gujarati News

મારુતિ સુઝુકી નાની કાર્સનું ઉત્પાદન બંધ કરી શકે છે

મારુતિ સુઝુકીના ચેરમેન આર સી ભાર્ગવની જાહેરાત

નવી દિલ્હી ,મારુતિ સુઝુકીના ચેરમેન આર સી ભાર્ગવે જણાવ્યું છે કે, જાે સરકારના નીતિગત હસ્તક્ષેપોને કારણે નાની કાર અવ્યવહારુ બની જાય તો કંપની તેના ઉત્પાદનને બંધ કરવામાં અચકાશે નહીં, આ નીતિઓ વાહનોને મોંઘા અને સામાન્ય માણસની પહોંચની બહાર કરવામાં ફાળો આપી રહી છે.

મહત્વનું છે કે તાજેતરમાં વાહનવ્યવહાર પ્રધાન નીતિન ગડકરીએ નાની અને બજેટ કારમાં પણ સેફ્ટી ફીચર્સ સ્વરુપે છ એરબેગ્સ આપવામાં આવે તે સંબંધીત આદેશ આપ્યો હતો અને તેમણે આ માટે કાયદામાં ફરજીયાત વ્યવસ્થા કરવા અંગે પણ તૈયારી કરી છે.

જેને લઈને ભાર્ગવને પ્રશ્ન કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આ પગલાથી કારના ભાવમાં વધારો થશે અને તેમ છતાં માર્ગ અકસ્માતમાં મોટી સંખ્યામાં મૃત્યુનો મુદ્દો ઉકેલવામાં કોઈ પણ મદદ નહીં મળે. આ સાથે તેમણે દાવો કર્યો કે આમ પણ કંપની કોમ્પેક્ટના વેચાણ દ્વારા કોઈ નોંધપાત્ર નફો નથી કરતી.

કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે તમામ કારમાં છ એરબેગ ફરજિયાત બનાવવાનું પગલું ભારતીય રસ્તાઓને વધુ સુરક્ષિત બનાવવાના પ્રયાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આપણે આવા ર્નિણયોનું મહત્વ સમજવાની જરૂર છે. જ્યારે ભારત સૌથી વધુ રોડ અકસ્માત અને મૃત્યુની ઘટના ધરાવતો દેશ છે.

ત્યારે તેઓ ઓટોમેકર્સ શા માટે આ બાબતને ગંભીરતાથી લેતા નથી?મંત્રીએ દિલ્હીમાં એક મોટી આઈટી કંપની દ્વારા આયોજિત કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે આમ કહ્યું હતું. પોતાની વાતને આગળ વધારતા અને પોતાના ર્નિણયને યોગ્ય ઠેરવતા ગડકરીએ આંકડા જણાવતા કહ્યું હતું કે કેટલીક ઓટોમોબાઈલ કંપનીઓ કારમાં છ-એરબેગના ધોરણનો સતત વિરોધ કરી રહી છે, જે નીતિ ફક્ત અકસ્માતમાં જીવન બચાવવા માટે પ્રસ્તાવિત કરવામાં આવી છે.

છ એરબેગ્સ માટેની દરખાસ્તની ઘોષણા કરતી વખતે ગડકરીએ માર્ચમાં સંસદમાં પણ કહ્યું હતું કે છ ફંક્શનલ એરબેગ્સથી આપણે ત્યાં ૨૦૨૦ માં ૧૩,૦૦૦ લોકોના જીવ બચી શક્યા હોત. તેમણે આગળ કહ્યું હતું કે જ્યારે ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વૃદ્ધિ થઈ રહી છે અને વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે રસ્તાઓ વધુ સુરક્ષિત રહે તે જાેવાનું વધુ મહત્વનું બની જાય છે. જ્યારે ભારતમાં સમગ્ર વિશ્વમાં માત્ર ૧% વાહનો છે, પરંતુ અકસ્માતમાં મૃત્યુ મામેલ વિશ્વમાં ભારતનો ફાળો ૧૦% છે જે ખૂબ જ મોટો તફાવત છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.