Western Times News

Gujarati News

શિક્ષક બનાવવાના નામે યુવાનો પાસે રુપિયા ખંખેરવાનું કૌભાંડ

ગઢવા, ઝારખંડના ગઢવા જિલ્લા ખાતેથી બેરોજગાર યુવાનોને શિક્ષક બનાવવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે. ચોંકાવનારી વાત એ છે કે, આ કૌભાંડમાં ૨-૪ નહીં પણ આશરે ૩,૦૦૦ યુવાનો પાસેથી ૪-૪ હજાર રૂપિયા વસૂલવામાં આવ્યા છે. ધીરે-ધીરે પીડિતોને સમગ્ર ઠગાઈ અંગે જાણ થઈ હતી અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ગઢવાના ડાલટનગંજ સ્થિત જેએસયુ ઈન્ડિયા એજ્યુકેશન એન્ડ સોશિયલ સર્વિસીઝ નામની સંસ્થાની ઓફિસ બહાર ગત ૧૬ જૂન સુધી બેરોજગારોની ભારે ભીડ જામતી હતી. આ સંસ્થાએ આશરે ૩,૦૦૦ યુવાનો પાસેથી નોકરી અપાવવાના નામે ૧.૫ કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા અને હવે તેને તાળા વાગી ગયા છે.

ડાલટનગંજમાં છેલ્લા ૧ વર્ષથી આ સંસ્થાની ઓફિસ આવેલી હતી અને ૧૭ જૂનના રોજ અચાનક જ તે ઓફિસ બંધ થઈ ગઈ હતી. આ સંસ્થાએ ૩,૦૦૦થી પણ વધારે બેરોજગાર યુવાનોને શિક્ષક બનાવવાનું સપનું બતાવીને તેમના પાસેથી કુલ ૧.૫ કરોડથી પણ વધારે રૂપિયા આંચકી લીધા હતા અને બાદમાં તેને તાળા વાગી ગયા છે.

તેમણે ગઢવા શહેરના કાલી મંદિર પાસે પણ કલેક્શન સેન્ટર તરીકે એક રૂમ લીધો હતો જ્યાં ૮ દિવસ સુધી અવર-જવર રહી હતી. ઠગાઈનો ભોગ બનેલા યુવાનોએ જણાવ્યું કે, જેએસયુ ઈન્ડિયા એજ્યુકેશન એન્ડ સોશિયલ સર્વિસીઝ નામની તે સંસ્થા કેરળથી સંચાલિત થતી હતી. તેમાં હોમ ટ્યુટર તરીકે કામ કરવા માટે ઈચ્છુક લોકો પાસેથી રજિસ્ટ્રેશન ફી તરીકે ૭૫૦ રૂપિયા અને ડિપોઝિટ તરીકે ૩,૨૫૦ એમ કુલ ૪,૦૦૦ રૂપિયા શરૂઆતમાં અરજી સાથે લેવામાં આવ્યા હતા.

જ્યારે પ્રી હોમ ટ્યુટર તરીકે કામ કરવા માટે ઈચ્છુક લોકો પાસેથી ૩૭૫ રૂપિયા રજિસ્ટ્રેશન ફી અને ૧,૬૨૫ રૂપિયા ડિપોઝિટ તરીકે લેવામાં આવ્યા હતા. આમ યુવક-યુવતીઓ પાસેથી ફોર્મ ભરવાના નામે ૨-૪ હજાર રૂપિયા ઉઘરાવીને ૧૭ જૂન ૨૦૨૨ના રોજ અચાનક જ સંસ્થાને તાળા વાગી ગયા હતા.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.