Western Times News

Gujarati News

ભરૂચમાં રથયાત્રાના આગલા દિવસે થી તસ્કરોએ અંજામ આપ્યો

આશ્રય સોસાયટી નજીક આવેલ જગન્નાથ મદિરની દાન પેટી માંથી હજારો રૂપિયાની ચોરી.

(વિરલ રાણા ) ભરૂચ,ભરૂચ શહેરમાં દિનપ્રતિદિન તસ્કરોનો આતંક વધતો જતો હોય તેવું લાગી રહ્યું છે.તસ્કરો પોલીસ પેટ્રોલિંગને પડકારી આશ્રય સોસાયટીમાં આવેલા ભગવાન જગન્નાથ મદિરમાં મૂકેલી દાન પેટીને રથયાત્રાના આગલા દિવસે તોડીને તેમાં રહેલી રકમની ચોરી કરી ભાગી છૂટ્યા હતા.જેની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવી ચોરીનો ગુનો નોંધીને તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથધરી છે.

ભરૂચ શહેર માંથી ૩ સ્થળોએ થી ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળનાર હતી.ત્યારે જીલ્લા પોલીસ વિભાગ દ્વારા શહેરમાં નિકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે ફ્લેગ માર્ચ યોજીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.ત્યારે શહેરમાં તસ્કરોએ ભગવાનના મંદિરને પણ છોડયું ન હતું અને મંદિરમાં ચોરીની ઘટના સામે આવી હતી.

શહેરમાં આવેલી આશ્રય સોસાયટીના પાછળના ભાગે આવેલા ભગવાન જગન્નાથ મંદિરની એક તરફ ભક્તો ૧ લી જુલાઈના રોજ ભગવાન જગન્નાથની નિકળનારી રથયાત્રાની તૈયારીઓમાં લાગેલા હતા. ત્યારે ગત રાત્રીના તસ્કરોએ ત્રાટકીને મંદિરના ઉપરના ભાગમાં રહેલી દાન પેટીનું તાળું તોડીને એક વર્ષથી ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલા અંદાજીત ૨૦ હજાર થી વધુ રૂપિયાની ચોરી કરીને અંધારામાં પલાયન થઈ ગયા હતા.

વહેલી સવારે મંદિરમાં થયેલી ચોરી જાણ થતાં જ મંદિરના ટ્રસ્ટીઓ અને એ ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જોકે રથયાત્રા પૂર્વે મંદિરમાં થયેલી ચોરીની ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં રોષની લાગણી પણ જોવા મળી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે જગન્નાથ મંદિરમાં આ ત્રીજી વખત મંદિરમાં રહેલી દાન પેટીમાં ચોરી થઈ હોવાનું સુત્રો માંથી જાણવા મળ્યું છે.ત્યારે હાલમાં તો એ ડીવીઝન પોલીસે ચોરીનો ગુનો નોંધીને ચોરી કરનારા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.