Western Times News

Gujarati News

મુંબઈમાં અનરાધાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકાર, માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં

મુંબઇ, મુંબઈમાં દક્ષિણ અને સેન્ટ્રલ મુંબઈ તથા પશ્ચિમી ઉપનગરોમાં ગઈ રાતથી ભારે વરસાદ થઈ રહ્યો છે જેના પગલે શહેરના મોટાભાગના માર્ગો જળબંબાકાર બનતાં ટ્રાફિક અવરોધાયો છે. જાેકે, વેસ્ટર્ન રેલવેના દાવા અનુસાર પશ્ચિમી ઉપનગરોમાં ટ્રેન વ્યવહાર પર ખાસ અસર થઈ નથી પરંતુ સેન્ટ્રલ રેલવેની મેઈન અને હાર્બર લાઈન બંને પર ટ્રેનો દસથી પંદર મિનીટ મોડી દોડી રહી છે.

મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં ગઈ સાંજથી શરૂ થયેલા વરસાદની તીવ્રતામાં વધઘટ વચ્ચે સતત ચાલુ રહ્યો છે. આજે સવારે સાડા આઠે પુરા થતા ૨૪ કલાકમાં સાંતાક્રુઝ વેધશાળા ખાતે ૧૨૪ મીમી અને કોલાબા વેધશાળા ખાતે ૧૧૭ મીમી વરસાદ નોંધાયો હતો. જાેકે, સવારના ૮.૩૦થી ૧૨.૩૦ સુધીમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અંધેરી સબ વેમાં પાણી ભરાતાં તેને ટ્રાફિક માટે બંધ કરાયું હતું. સાયન વિસ્તારમાં પાણી ભરાતાં વાહનો બીકેસી- ચુનાભઠ્ઠી ફ્લાયઓવર પર વળતાં ત્યાં ટ્રાફિક જામ થયો હતો. બીજી તરફ બીએમસીના દાવા અનુસાર હિંદમાતા અને ગાંધી માર્કેટ સહિતના તળ મુંબઈના વિસ્તારોમાં પાણી ઉલેચવાની કામગીરી સમયસર હાથ ધરાતાં ટ્રાફિકને કોઈ અસર થઈ નથી.

હાર્બર લાઈનના માન સરોવર રેલવે સ્ટેશનના અન્ડરગ્રાઉન્ડ રસ્તામાં પાણી ભરાઈ જતાં તે માર્ગ બંધ કરવો પડ્યો હતો. વિદ્યાવિહાર રેલવે સ્ટેશન પાસે ટ્રેક સુધી પાણી હોવાથી ટ્રેનો ધીમી ચલાવવામાં આવી હતી. ચેમ્બુર અને સાયન વિસ્તારમાં જળબંબાકારને કારણે બેસ્ટની કેટલીય બસોના માર્ગો બદલવામાં આવ્યા હતા. નવી મુંબઈના ખાનદેશશ્વર રેલવે સ્ટેશનની અંદર અને બહાર બંને જગ્યાએ પાણી ભરાતાં લોકોને હાલાકી નડી હતી.

મુંબઈમાં હાઈટાઈડ આવશે તેવી આગાહી કરાઇ છે.આ દરમિયાન ચાર મીટર જેટલાં મોજાં ઉછળવાના છે. તેને પગલે મરીન ડ્રાઈવ, ગેટવે, જુહુ ચોપાટી સહિતના દરિયાના તટો પર લોકોને દરિયામાં નહીં જવા જણાવાયું છે. કેટલાંય સ્થળે પોલીસે આડશ બાંધી છે. જાેકે , રાતના દસ વાગ્યાથી લો ટાઈડ શરૂ થઈ જશે. હાઈટાઈડના સમય દરમિયાન વરસાદી નાળાં ભરાઈ જતાં સાઉથ અને સેન્ટ્રલ મુંબઈમાં ટ્રાફિકની સ્થિતિ વણસી શકે તેવી આશંકા છે.

મુંબઈ આસપાસના ઉપનગરોમાં પણ ગઈ રાતથી ભારે વરસાદ થયો છે. ઉલ્લાસનગર, અંબરનાથ અને કલ્યાણમાં સાતથી આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો. પાલઘર તથા આસપાસના વિસ્તારોમાં પાંચથી છ ઈંચ વરસાદ નોંધાયો હતો. એક ખાનગી વેબસાઈટ દ્વારા મુંબઈમાં આગામી તા. ૭થી ૯ જુલાઈ દરમિયાન આઠથી દસ ઈંચ જેટલા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

કોંકણથી દક્ષિણ ગુજરાત સુધીના સમગ્ર પશ્ચિમી પટ્ટા પર વરસાદી વાદળો છવાયાં છે તેના કારણે શુક્રવાર સુધી વરસાદથી રાહત મળવાની કોઈ સંભાવના નથી. એનસીઆરમાં સવારથી જ ફરી એક વખત વરસાદ થયો હતો જે મોડી સાંજ સુધી ચાલુ રહ્યો હતો કાળા અને ગાઢ વાદળોના કારણે અંધારૂ છવાયેલું રહ્યું હતું.

સવારથી જ સૂરજના દર્શન થયા ન હતાં અને રસ્તાઓ પર ગાડીઓની ઝડપ ધીમી પડી ગઈ હતી આ બધા વચ્ચે ભારે વરસાદના કારણે સવાર-સવારમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું હતું હવામાન વિભાગે ભારે વરસાદની સંભાવના ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ આપ્યું છે.વરસાદના કારણે સવારે ઓફિસ જવા માટે નીકળતા લોકોની મુશ્કેલીઓ વધી હતી.

વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો ભારતીય હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે દિલ્હી, એનસીઆર-ગુરૂગ્રામ, માનેસર, ફરીદાબાદ, વલ્લભગઢ, તોશામ, ભિવાની, ઝજ્જર, નારનૌલ, મહેન્દ્રગઢ, કોસલીના અલગ-અલગ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસશે.

મહારાષ્ટ્રમાં વરસાદે પાછલા અનેક વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જલગાંવમાં દુકાનો અને મકાનો તબાહીનો ભોગ બન્યા છે અને રસ્તાઓ પર પાણી વહી રહ્યું છે. લોકો કમર સુધી ભરાયેલા પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે. જલગાંવના ૪૦ ગામોમાંથી પસાર થતી તિતૂર નદીમાં અચાનક પૂરની સ્થિતિ સર્જાતા આજુબાજુના વિસ્તારોમાં તેની અસર વર્તાઈ છે.HS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.