Western Times News

Gujarati News

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાનો આતંકઃ જુનમાં ૧ર૦૦ કેસ નોધાયા

water supply

(પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં ચોમાસાના આગમન સાથે જ પાણી અને મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યુ છે. મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા પ્રિ-મોન્સુન એકશન પ્લાનની તૈયારી પૂર્ણ કરવામાં આવી હોવાના દાવા થઈ રહયા છે,

જયારે બીજી તરફ વરસાદના આગમન પહેલા જ ઝાડા ઉલ્ટી, કમળો, ડેન્ગયુ અને ચીનકગુનિયા જેવા જીવલેણ રોગના કેસ ચિંતાજનક હદે વધી રહયા છે. શહેરમાં માત્ર જુન મહિનામાં જ પાણીજન્ય રોગચાળાના ૧ર૦૦ જેટલા કેસ નોંધાતા તંત્ર ફરી દોડતુ થઈ ગયું છે.

શહેરના વટવા, બહેરામપુરા, ગોમતીપુર, અસારવા, કુબેરનગર સહીતના વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાનો આતંક જાેવા મળી રહયો છે. જુન-ર૦ર૦ ની સરખામણીએ પાણીજન્ય રોગચાળામાં દસ ગણો વધારો થયો છે.

શહેરના પૂર્વપટ્ટામાં પાણીજન્ય રોગચાળો વકરી રહયો છે. મ્યુનિ. કોર્પોરેશનના દક્ષિણ ઝોન, ઉતર તેમજ પૂર્વ ઝોનમાં ઝાલા ઉલ્ટી અને કમળાનો રોગ વકરી રહયો છે.

મ્યુનિ. કોર્પો. દ્વારા સપ્લાય થતાં પાણી અને બેરોકટોક વેચાણ થઈ રહેલ બિનઆરોગ્યપ્રદ આહારના કારણે શ્રમજીવી વસાહત અને સેવા વસ્તીઓમાં રોગચાળાએ કાળો કેર વર્તાવ્યો છે.

જુન મહિનામાં જ ઝાડા-ઉલ્ટીના ૭૩૮, કમળાના રપર, અને ટાઈફોઈડના ર૦૯ કેસ નોંધાયા છે. જે છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ એક મહિનામાં નોંધાયેલ સૌથી વધુ કેસ છે. જુન-ર૦ર૦માં ઝાડા-ઉલ્ટીના ૭૪, કમળાના ર૭ અને ટાઈફોઈડના ૪૪ કેસ કન્ફર્મ થયા હતા.

જયારે જુન-ર૦ર૧માં ઝાડા-ઉલ્ટીના ર૯૭, કમળાના ૧૦૦, અને ટાઈફોઈડના ૮૧ કેસ નોંધાયા હતા. આમ જુન ર૦ર૦ની સરખામણીએ જુન-ર૦રર માં પાણીજન્ય રોગચાળામાં લગભગ ૧૦ ગણો વધારો થયો છે. ચાલુ વર્ષ દરમિયાન પ્રથમ છ મહિનામાં જ ઝાડા ઉલ્ટીના ૩૦૪૮, કમળાના ૯૦૬, ટાઈફોઈડના ૮૮૦ અને કોલેરાના ૭ કેસ નોંધાયા છે.

શહેરમાં પાણીજન્ય રોગચાળાની સાથે સાથે મચ્છરજન્ય રોગચાળાએ પણ માઝા મુકી છે. શહેરમાં ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના કેસમાં અસામાન્ય વધારો જાેવા મળ્યો છે. ચાલુ વર્ષ દરમિયાન ચીકનગુનિયાના ૧ર૮ અને ડેન્ગ્યુના ૮૪ કેસ નોંધાયા છે.

શહેરના ઉતર પશ્ચિમ ઝોનમાં ચીકનગુનિયાના ર૮ જયારે ઉત્તર ઝોનમાં ર૯ કેસ કન્ફર્મ થયા છે. ચોમાસાની સીઝન અગાઉ મેલેરિયા વિભાગ તરફથી યોગ્ય કાળજી લેવામાં આવતી ન હોવાથી ૪પ ડીગ્રી ગરમીમાં પણ મચ્છરજન્ય રોગચાળો બેફામ બન્યો હતો મેલેરિયા વિભાગે પ્રિ-મોન્સુન પ્લાન અંતર્ગત ઘરે ઘરે ફોગીંગ અને આઈઆર સ્પ્રેના નામે કરોડો રૂપિયાનું આધણ કર્યું છે તેમ છતાં ચોમાસામાં પણ મચ્છરજન્ય રોગચાળો વકરી શકે છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.