Western Times News

Gujarati News

‘પિપલ ફ્રેન્ડલી પોલીસિંગ’ તરફ ગુજરાત પોલીસનું વધુ એક પ્રશંસનિય પગલું’

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ગુજરાત પોલીસની e-FIR એપ્લિકેશનનું કરશે રાજ્યવ્યાપી લોકાર્પણ

સિટિઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ મોબાઈલ એપ અને સિટિઝન પોર્ટલ પર થઈ શકશે એક ક્લીકમાં e-FIR

25 જુલાઈથી 14 ઓગષ્ટ 2022 દરમિયાન અમદાવાદના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારોમાં e-FIR અંગે જાગૃતતા વધારવા કાર્યક્રમો યોજાશે

પ્રત્યેક નાગરિક સમાજમાં શાંતિ અને સલામતીનો અહેસાસ કરી શકે તે માટે ગુજરાત પોલીસ હરહંમેશ કટિબદ્ધ છે. ગુનેગારોથી બે ડગલા આગળ વિચારી સતત કાર્યરત રહેતી પોલીસ નાગરિકોને પોલીસ સુધી પહોંચવામાં ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે પ્રકારનું આયોજન પણ હાથ ધરી રહી છે. જે અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે ગુજરાત પોલીસ e-FIR એપ્લિકેશન લોંચ કરવા જઈ રહી છે.

કેવી રીતે થઈ શકશે e-FIR ?

e-FIR એપ્લિકેશનથી વાહન કે મોબાઈલ ચોરી જેવા કિસ્સામાં ઓનલાઈન FIR કરવાનો વિકલ્પ ઉપલબ્ધ થશે. ગુજરાત પોલીસના સિટીઝન પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપથી ગમે ત્યાંથી ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકાશે. ફરિયાદની કોપી પણ એપ્લિકેશન પરથી જ મળી જશે એટલું જ નહીં

ફરિયાદ નોંધાયાના 48 કલાકમાં જ પોલીસ ફરિયાદીનો સંપર્ક કરીને બનાવની જગ્યાની મુલાકાત લેશે અને નાગરીકોને ફરિયાદની તપાસની પ્રગતિ બાબતે પણ SMSથી જાણ કરવામાં આવશે. વાહન કે મોબાઈલ ચોરીના કિસ્સામાં જો જે-તે વસ્તુની વીમા પોલીસી કાર્યરત હશે

તો વીમા કંપની પણ જાણ થશે જેથી નાગરીકોને વીમો મેળવવામાં સરળતા રહે. આ સમગ્ર પ્રક્રિયા બાદ પોલીસ 21 દિવસમાં જ તપાસ પૂર્ણ કરીને કોર્ટમાં રિપોર્ટ મોકલી આપશે.

આમ, ગુનેગારને સજા અને નાગરીકોને સલામતી આપવાની દિશામાં રાજ્ય પોલીસનું આ પગલું ખૂબ અસરકાર રહેશે. જો કે, લોકો આ સુવિધાનો મહત્તમ લાભ લે તે માટે રાજ્ય પોલીસની સાથે અમદાવાદ પોલીસે પણ આગવું આયોજન કર્યુ છે. અમદાવાદ શહેર અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓછામાં ઓછો એક જાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવા માટે રાજ્ય પોલીસ વડાએ પરિપત્ર જાહેર કર્યો છે.

આ કાર્યક્રમમાં e-FIRના ફાયદા સમજાવવામાં આવશે.
ગુજરાત રાજ્યમાં ડીજીટાઈઝેશનના ઉપયોગ વિશે જાણકારી આપવામાં આવશે.
રાજ્યસ્તરે તૈયાર કરાયેલી બે ફિલ્મોનું નિદર્શન કરાશે.
કાર્યક્રમ સ્થળે QR કોડની ઉપલબ્ધતા જેના થકી નાગરિકો એપ્લિકેશનને સરળતાથી અને મહત્તમ ડાઉનલોડ કરી શકે.
શોપિંગ મોલ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર QR કોડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.