Western Times News

Gujarati News

૭૭.૫૩ કરોડના ખર્ચે તૈયાર થયેલા બોપલ વોટર સપ્લાય પ્રોજેક્ટનું લોકાર્પણ 

વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં રાજ્યના દરેક ઘરમાં પાણી પહોંચાડવા ગુજરાત સરકાર કટિબદ્ધ -રાજ્યના દરેક નાગરિકોને ઘરે જ મેડિકલ સારવાર મળી રહે એ પ્રકારનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે 

-: લોકાર્પણ અને ખાતમુહૂર્ત :- 

ઔડા દ્વારા પ્રધાનમંત્રીશ્રીના “ફિટ ઈન્ડિયા” અભિયાનને ગ્રામ્ય વિસ્તારોમાં લઈ જવાની સંક્લ્પના સાથે રૂ. ૯.૬૯ કરોડના ખર્ચે મણીપુર-ગોધાવી વિસ્તારમાં  આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ

ઔડા દ્વારા પ્રધાનમંત્રીશ્રીના “હાઉસિંગ ફોર ઓલ”ના સ્વપ્નને સાકાર કરવા રૂ. ૭.૭૩ કરોડના ખર્ચે બોપલ વિસ્તારમાં ૭૦ જેટલા EWS આવાસનું લોકાર્પણ

“ગાંધીનગર લોકસભા – હરિયાળી લોકસભા”ને ચરિતાર્થ કરવા ઔડા દ્વારા મિશન મિલિયન ટ્રી” અભિયાન અંતર્ગત રૂ. ૧૦.૧૭ કરોડના ખર્ચે SP રિંગ રોડની ફરતે તેમજ રૂ. ૬.૦૬ કરોડના ખર્ચે ઔડા હસ્તકના ગામોમાં વૃક્ષો વાવવાના કામનું ખાતમુહૂર્ત

ઔડા દ્વારા ટ્રાફિકની સમસ્યા હળવી કરવા રૂ. ૭૭.૭૧  કરોડના ખર્ચે સરદાર પટેલ રિંગ રોડના કમોડ સર્કલ પર ૧૧૫૭ મીટર લાંબો ૬ લેન ફ્લાય ઓવરબ્રિજ અને રૂ. ૧૪ કરોડના ખર્ચે મણીપુર-ગોધાવીમાં કેનાલ ઓવરબ્રિજ નિર્માણનું ખાતમુહૂર્ત
ઔડા દ્વારા વડાપ્રધાનશ્રીના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ઔડા વિસ્તારના ૫૫ ગામોના કચરાના નિકાલના કામનું ખાત મુહૂર્ત

કેન્દ્રીય ગૃહ તથા સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના વિઝન અને નેતૃત્વ કારણે ગુજરાતે વિકાસના અનેક આયામોમાં ગતિશીલતા દાખવી છે એને પરિણામે આજે વિકાસના નકશા પર ગુજરાત દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. શ્રી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા બાદ પણ  એવી વ્યવસ્થા અને પરંપરા ઊભી કરતા ગયા છે કે વિકાસ કાર્યોની ગતિ જળવાઈ રહી છે.

કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ હસ્તે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા અંદાજિત રૂપિયા ૨૧૦ કરોડથી વધુના ખર્ચે વોટર સપ્લાય, હાઉસિંગ તથા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ફ્લાય ઓવબ્રિજ, લેક રી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ૧૧ જેટલા પ્રજાલક્ષી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

બોપલ વૉટર સિસ્ટમના લોકાર્પણ પ્રસંગે અમિતભાઈએ જણાવ્યું કે, આજે બોપલ અને ઘુમાના ઘરેઘરમાં નર્મદાનું શુદ્ધ પાણી પહોંચાડવાના પ્રકલ્પનું લોકાર્પણ કરાયું છે. દોઢ વર્ષ પહેલા મેં ભૂમિ પૂજન કર્યું હતું. આજથી 70 હજાર ઘરમાં પીવાનું શુદ્ધ પાણી મળવાનું છે. ઝડપી ગતિથી કામ કઈ રીતે થાય તેનું આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. શ્રી નરેન્દ્રભાઈએ 15 વર્ષ પહેલા અમદાવાદ અને ઔડાના વિસ્તારોને નર્મદાનું પહોંચાડવાની શરૂઆત કરેલી આજે એ કડીમાં બોપલ અને ઘુમા પણ જોડાયા છે, એવું તેમણે ઉમેર્યું હતું.

હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા માટે અપીલ કરતા કેન્દ્રીય મંત્રી શ્રીએ જણાવ્યું કે આગામી 13, 14 અને 15 ઓગસ્ટના દિવસોમાં દરેક ઘર, દુકાન કે કારખાના પર તિરંગો લહેરાવીને આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં ફરી એકવાર રાષ્ટ્રભાવના જગાવવાની છે. આઝાદીના સો વર્ષ પૂરાં થાય ત્યાં સુધીમાં આપણે જે સિદ્ધિઓ હાંસલ કરવા માગીએ છીએ એના માટે આપણે સંકલ્પબદ્ધ થવાનું છે. અમિતભાઈએ સૌને સ્વાતંત્ર પર્વના દિવસોમાં ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને સેલ્ફી લઇને વેબસાઈટ પર અપલોડ કરવા અનુરોધ પણ  કર્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રીએ કહ્યું કે, આજે દેશના આદર્શ ગામમાં ત્રણ ગામ ગાંધીનગર લોકસભા મત વિસ્તારના છે, જે આપણા સૌ માટે એક ગર્વની વાત છે. એટલુ જ નહીં આજે ગાંધીનગર મત ક્ષેત્રમાં તમામ પાયાની સુવિધાઓ પહોંચાડવામાં આવી છે. ગાંધીનગર મતવિસ્તારના નાગરિકોને હર ઘર જળ યોજના દરેક ઘરમાં પાણી મળી રહ્યું છે. પ્રધાનમંત્રી આયુષમાન યોજનાનો પણ લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે.

આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીએ કહ્યું કે, આવનારા સમયમાં અમદાવાદ કોર્પોરેશન અને ઔડામાં ૧૦૦ કરોડના ખર્ચે ૧૪ નવા તળાવનું નિર્માણ થશે તેમજ ગાંધીનગર મત ક્ષેત્રમાં નવા ૧૨૦૦ તળાવો બનવાની શરૂઆત પણ થશે.

વર્ષ ૨૦૨૪ પહેલા ગાંધીનગર લોકસભા વિસ્તાર દેશમાં સૌથી વધુ વિકસિત લોકસભા ક્ષેત્ર બનશે એવો તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

તેમણે ઉમેર્યું હતું કે, અમદાવાદમાં અનેક વિકાસનાં કાર્યો તેજ ગતિએ થઈ રહ્યા છે, આવનારા સમયમાં પણ વધુ ઝડપે થવાના છે. અમદાવાદના રેલ્વે સ્ટેશનની પણ કાયાપલટ થવાની છે અને સાબરમતી રેલવે સ્ટેશનને પણ વિવિધ ટ્રેનો મારફતે જોડવામાં આવશે જેથી રેલયાત્રીઓને સરળતા રહે એમ તેમણે વધુમાં કહ્યું હતું.

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં ગુજરાત સતત વિકાસ કરી રહ્યું છે. આજે ૧૫૬ નગરપાલિકા અને ૮ મહાનગરપાલિકાના નાગરિકોને તમામ પાયાની સુવિધાઓ પહોંચી છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે નર્મદા આધારિત તમામ શહેરોના નાગરિકોને નર્મદાનું પાણી  પહોંચાડવામાં આવી રહ્યું છે.આજે  ગુજરાતના ૧૭ જિલ્લાઓમાં સો ટકા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે , જ્યારે રાજ્યના ૯૬% ઘરોમાં નલ સે જલ પહોંચી ચૂક્યું છે. એટલુ જ નહીં  વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં રાજ્યના દરેક ઘરમાં પાણી પહોંચાડવા ગુજરાત સરકાર કાર્યરત છે.

મંત્રીશ્રીએ ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને પહોંચાડવામાં આવતી વિવિધ આરોગ્ય લક્ષી યોજનાઓની પણ માહિતી આપી હતી.  તેમણે કહ્યું કે, રાજ્યના દરેક નાગરિકોને ઘરે જ મેડિકલ સારવાર મળી રહે, ધરે જ ટેસ્ટિંગ થાય અને ધરે જ દવાઓ મળી રહે એ પ્રકારની તમામ આરોગ્યલક્ષી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ  કરવામાં આવ્યું છે.જેમાં ઔડા દ્વારા સમગ્ર બોપલ વિસ્તારને નર્મદાનું પાણી મળે તેવા સંકલ્પ સાથે રૂ. ૭૭.૫૩ કરોડના ખર્ચે બનાવેલ બોપલ વોટર સપ્લાય પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં ૧ વોટર  ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર અને ૬ ઓવરહેડ ટેંકનો સમાવેશ થાય છે. કુલ ૭૯ કિલોમીટર લંબાઈના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે અને અંદાજિત ૫.૭૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં અંદાજે ૧ લાખ ૨૫ હજાર લોકોને મા નર્મદાનું શુદ્ધ જળ પહોંચાડવામાં આવશે.

ઔડા દ્વારા પ્રધાનમંત્રીશ્રીના “ફિટ ઈન્ડિયા” અભિયાનને ગ્રામ્ય વિસ્તારોમાં લઈ જવાની સંક્લ્પના સાથે રૂ. ૯.૬૯ કરોડના ખર્ચે મણીપુર-ગોધાવી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ થયું છે. આ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ૫૦૦ વ્યક્તિની બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ઉપરાંત સિન્થેટીક રનીંગ ટ્રેક, ઉપરાંત બાસ્કેટ બોલ, ફૂટબોલ, કબડ્ડી, હાઈ અને લોંગ જમ્પ જેવી રમતો માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનો લાભ અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને મળશે. આમ, સ્પોર્ટ્સ અને ફિટનેસ પ્રેમી નાગરિકો માટે મહામૂલી સોગાત બની રહેશે.

ઔડા દ્વારા પ્રધાનમંત્રીશ્રીના “હાઉસિંગ ફોર ઓલ”ના સ્વપ્નને સાકાર કરવા રૂ. ૭.૭૩ કરોડના ખર્ચે બોપલ વિસ્તારમાં ૭૦ જેટલા EWS આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ EWS આવાસમાં બેડ રૂમ, સ્ટડી રૂમ, હોલ અને કિચન જેવી સુવિધા, લીફ્ટ, ઓપન પાર્કિંગ, RCC રસ્તાઓ, સોલાર પેનલ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી કોમન ફેસિલિટીઝથી રહીશોનું જીવન સરળ અને સુખમય બનશે.

ઔડા દ્વારા ટ્રાફિકની સમસ્યા હળવી કરવા રૂ. ૭૭.૭૧ કરોડના ખર્ચે સરદાર પટેલ રીંગ રોડના કમોડ સર્કલ પર ૧૧૫૭ મીટર લાંબો ૬ લેન ફ્લાય ઓવરબ્રીજ અને રૂ. ૧૪ કરોડના ખર્ચે મણીપુર-ગોધાવીમાં કેનાલ ઓવરબ્રીજ નિર્માણનું ખાતમુહુર્ત શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. આ બ્રીજના નિર્માણથી નાગરિકોના સમય અને ઇંધણની બચત થશે.

ઔડા દ્વારા વડાપ્રધાનશ્રીના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ઔડા વિસ્તારના ૫૫ ગામોના કચરાના નિકાલના કામનું ખાત મુહૂર્ત પણ ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઈ શાહ હસ્તે કરાયું છે. અમદાવાદ શહેરની ફરતે અમદાવાદ મહાનગરપાલિકાના સહયોગથી ઔડા વિસ્તારના ૫૫ ગામોના આશરે ૫૭ મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ થશે. આ કચરાનું પરિવહન કરી અમદાવાદ મહાનગરપાલિકાના પ્રોસેસિંગ પ્લાન્ટ સુધી ઔડા દ્વારા પહોંચાડવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.