Western Times News

Gujarati News

રાજ્યમાં બુટલેગરોની શાન ઠેકાણે લાવવા ગુજરાત સરકારે કડક કાયદાઓ બનાવ્યા છે

વર્ષ-૨૦૨૧માં દારૂ સહિત રૂ.૧૨૩ કરોડથી વધુ કિંમતનાં મુદ્દામાલ મળી ૧.૬૭ લાખથી વધારે કેસ કરી ૧.૬૭ લાખથી વધુ આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલ્યા

: ૯૨૦થી વધારે બુટલેગરોની PASA હેઠળ અટકાયત કરાઇ

 દારૂના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી અને વેચાણ અંગે રાજ્યભરમાં પોલીસ દ્વારા થતી કાર્યવાહી ઉપર પણ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા સતત મોનિટરીંગ : સમગ્ર રાજ્યમાં દરોડા અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે

 સમગ્ર ઘટનામાં ઝડપી ડિટેક્શન અને તટસ્થ ઇન્વેસ્ટિગેશન માટે સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, સ્ટેટ મોનિટરીંગ સેલ અને ATSના ચુનંદા અધિકારીઓની ખાસ ટુકડીઓની રચના

 આ સંદર્ભે ૩ ગુના દાખલ કરીને કુલ ૩૮-આરોપીઓમાંથી અત્યાર સુધી ૧૫-આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે

 ભાવનગર અને અમદાવાદની વિવિધ હોસ્પિટલ ખાતે કુલ ૯૭ દર્દીઓ દાખલ છે જેમાંથી ૯૫ દર્દીઓની સ્થિતિ સામાન્ય છે જ્યારે ૨ દર્દીઓની સ્થિતિ ગંભીર જણાયેલ છે

બોટાદમાં ઝેરી કેમિકલથી થયેલા નિર્દોષ નાગરિકોના મૃત્યુની ઘટના અત્યંત દુ:ખદ છે. મૃતક નાગરિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે,

આ ઘટનાની જેવી જાણ થતા જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સરકારનું પોલીસ તંત્ર, આરોગ્ય વિભાગ તથા અન્ય સંબંધીત તમામ વિભાગો એક્શનમાં આવી ગયા

અને ત્વરીત કામગીરી હાથ ધરી છે. જે ગામોમાં આ ઘટના બની છે એ ગામોમાં સઘન તપાસ કરવામાં આવી છે. જે લોકોએ ઝેરી કેમિકલયુક્ત પીણાનું સેવન કર્યું હતું એવા

લોકોને શોધી શોધીને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. એટલુ જ નહિ, જે લોકોની હાલત ગંભીર હતી એવા લોકોને અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે તાત્કાલિક ખસેડીને ત્વરીત સારવાર અપાઇ છે.

અતિ ગંભીર લોકોના તાત્કાલિક ડાયાલીસીસ પણ કરવામાં આવ્યા છે અને આ રીતે મૃત્યુનો આંક ન વધે તેવા તમામ જરૂરી પગલા રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યા છે.

ગ્રહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં બુટલેગરોની શાન ઠેકાણે લાવવા માટે ગુજરાત સરકારે બનાવેલા કડક કાયદા અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યુ કે, બુટલેગરોની કમર તોડવાના મક્કમ ઇરાદા સાથે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત નશાબંધી અધિનિયમ, ૧૯૪૯માં સુધારો કરી વર્ષ-૨૦૧૭થી આ કાયદાને વધુ કડક બનાવી દેવામાં આવ્યો છે. ક્વોલિટી કેસમાં સંડોવાયેલા આરોપીઓની સજામાં વધારો કરી સેશન ટ્રાયેબલ કરવામાં આવ્યા

અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વાહનને જપ્ત કરવા અંગે પણ જોગવાઇ કરવામાં આવી. એટલુ જ નહિ, એક કરતા વધુ વખત આ પ્રકારના ગુના આચરનાર તત્વોને ગ્રેડેડ પનિશમેન્ટ માટેની કડક જોગવાઇ કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યુ કે, બરવાળા પોલીસ સ્ટેશનમાં IPC કલમ ૩૦૨, ૩૨૮, ૧૨૦(બી), ૬૫(એ), ૬૭-૧(એ) મુજબ દાખલ કરવામાં આવેલા ગુનામાં ઝીણવટભરી તપાસ કરતાં ૧૪ આરોપીઓની સંડોવણી ધ્યાને આવી છે

જેમાંથી ૧૨ આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે. તે જ પ્રમાણે રાણપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા આ ગુનામાં પણ ૧૧ આરોપીઓની સંડોવણી ધ્યાને આવી છે જેમાંથી ૦૯ આરોપીઓની ધરપકડ કરાઇ છે.

ભાવનગર ખાતે સર ટી. હોસ્પિટલ, પુનિત હોસ્પિટલ, બજરંગદાસ હોસ્પિટલ તેમજ સોનાવાલા હોસ્પિટલ, બોટાદ ખાતે કુલ ૫૮ દર્દીઓ દાખલ છે જેમાંથી ૫૬ દર્દીઓની સ્થિતિ સામાન્ય છે જ્યારે ૨ દર્દીઓની સ્થિતિ ગંભીર જણાયેલ છે. સીવીલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કુલ ૩૯ દર્દીઓ સારવાર હેઠળ છે અને તમામની સ્થિતિ સામાન્ય છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ગેરકાયદેસર દેશી અને ભારતીય બનાવટના વિદેશી દારૂના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને પીવાવાળા વિરૂધ્ધ ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. વર્ષ-૨૦૨૧માં રૂ.૧૨૩ કરોડથી વધુ કિંમતનાં દારૂ, વાહનો અને અન્ય મુદ્દામાલ મળી ૧.૬૭ લાખથી વધારે કેસો સાથે ૧.૬૭ લાખથી વધુ આરોપીઓને જેલના સળીયા પાછળ ઘકેલવામાં આવ્યા હતા. તે ઉપરાંત ૯૨૦ થી વધારે બુટલેગરોની PASA અધિનિયમ હેઠળ અટકાયત કરી સઘન કાર્યવાહિ કરવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા બુટલેગરોની યાદી તૈયાર કરી તે તમામની ગતિવિધીઓ ઉપર ચાંપતી નજર રાખી, ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને પીવાવાળા વિરૂધ્ધ સતત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

મંત્રીશ્રીએ વધુમાં કહ્યુ કે, પોલીસ વિભાગનાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ગેરકાયદેસર દેશી અને ભારતીય બનાવટનો વિદેશી દારૂના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી અને વેચાણ અંગે શહેર તેમજ જીલ્લા પોલીસ દ્વારા થતી કાર્યવાહી ઉપર પણ સતત મોનિટરીંગ કરવામાં આવે છે અને રાજ્ય સ્તરે સ્વતંત્ર

એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે આ ટીમો દ્વારા સમગ્ર રાજ્યમાં દરોડા અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે.

મંત્રીશ્રી સંઘવીએ ઉમેર્યુ કે, દારૂ અને અન્ય વ્યસનોની મુક્તિ માટે રાજ્ય સરકાર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો અને વ્યસન મુક્તિ કાર્યક્રમો ચલાવવામાં આવે છે. તા.૨૫મી જુલાઇ-૨૦૨૨ અને તે પછીના ૨-દિવસોમાં બોટાદ અને અમદાવાદ (ગ્રામ્ય) જીલ્લાઓમાં ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ મિથેનોલ પીવાથી ૪૧ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં સખત કાયદાકીય જોગવાઇ અને ગુજરાત પોલીસ દ્વારા તેની કડક અમલવારી હોવા છતાં કેટલાક ગુનેગારો દ્વારા ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ મિથેનોલની ચોરી કરી, નિર્દોષ નાગરીકોના જીવ લેવાનું ગુનાહિત ષડયંત્ર રચી, દારૂના નામે ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ મિથેનોલમાં પાણી ભેળવી તેને વેચવાનો ગુનો આચર્યો છે. આ ઘટનામાં અસરગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલીક શ્રેષ્ઠ કક્ષાની તબીબી સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.

શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યુ કે, સમગ્ર ઘટનામાં ઝડપી ડિટેક્શન અને તટસ્થ ઇન્વેસ્ટિગેશન માટે સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, સ્ટેટ મોનિટરીંગ સેલ અને ATSના ચુનંદા અધિકારીઓની ખાસ ટુકડીઓની રચના કરવામાં આવી છે. આ ટીમોને ગણતરીના કલાકોમાં આ કેમિકલયુક્ત પ્રવાહી તૈયાર કરવાથી લઇ વેચવાવાળા સુધીના ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢી તે તમામની ધરપકડ કરવામાં સફળતા મળી છે તેમજ કુલ ૫૫૦ લીટર જેટલું કેમીકલ રીકવર કરવાની સરાહનીય કામગીરી કરનાર આ તમામ અધિકારીઓને મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી સંઘવીએ ઉમેર્યુ કે, ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસને બદનામ કરવાના ઇરાદેથી કરવામાં આવેલા આ કૃત્ય સંદર્ભે ૩ ગુના નોંધવામાં આવ્યા છે અને તે અંગે ઝડપી તપાસ કરી, ફસ્ટટ્રેક ટ્રાયલ ચલાવી, તેમને કડકમાં કડક સજા કરાવવા તથા મૃતકોના પરિવારોને ન્યાય અપાવવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ કરવા માટે ૩ સભ્યોની સમિતીની રચના કરવામાં આવી છે

અને તેઓ સર્વગ્રાહી તપાસ કરી બનાવ બનવા અંગેના સંજોગો, બનાવ અંગે પોલીસ તથા અન્ય વિભાગોની જવાબી કાર્યવાહીની યોગ્યતા ચકાસી ખામીઓ અને તે માટે જવાબદાર લોકો બાબતે અહેવાલ પાઠવશે. જેના આધારે રાજ્ય સરકાર દ્વારા જરૂરી સુધારાત્મક અને શિક્ષાત્મક પગલા લેવામાં આવશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.