Western Times News

Gujarati News

૧ થી ૭ઓગસ્ટ-૨૦૨૨ દરમિયાન “નારીવંદન ઉત્સવ” ઉજવાશે 

Nari vandan utsav from 1st august

File

પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ છે કે, રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ જ દિશામાં વધુ એક નક્કર કદમ ભરી નારી સંરક્ષણ અને સન્માન માટે  “નારી વંદન ઉત્સવ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી તા.૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં “નારી વંદન ઉત્સવ”ની ઉજવણી કરવામાં આવશે.

નારી વંદન ઉત્સવ”ની ઉજવણી અંગે વિસ્તૃત માહિતી આપતા પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું કે. આ સપ્તાહ દરમિયાન અલગ અલગ થીમ અધારીત ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત તા.૧લી ઓગસ્ટે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવશે.

જેમાં મહિલાલક્ષી કાયદાની જાગૃતતા, સાયબર ગુનાઓ/ SHE-ટીમ તથા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ડેમોસ્ટ્રેશન, કાયદાકીય અને યોજનાકીય જાગૃતિના સેમિનાર યોજાશે. તે ઉપરાંત IEC વિતરણ, સ્વ-બચાવ અંગેનું નિદર્શન – સુરક્ષા સેતુ દ્વારા કરવામાં આવશે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, તા.૨ જી ઓગસ્ટે બેટી બચાવો-બેટી પઢાવો દિવસની ઉજવણી કરાશે. જેમાં જિલ્લા કક્ષાએ વિશેષ સિધ્ધિઓ મેળવી હોય તેવી મહિલાઓનું સન્માન, વિવિધ યોજનાઓનાં મંજૂરી હુકમોનું વિતરણ, “બ્રેસ્ટ ફીડીંગ સપ્તાહ” નિમિતે જાગૃતિ કાર્યકમો, વિવિધ આરોગ્ય કેમ્પનું આયોજન કરાશે.

તેવી જ રીતે તા.૩જી ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાશે. મહિલા સ્વાવલંબન દિવસ નિમિતે રોજગારીનું સર્જન કરવા માટે દરેક જિલ્લાના મહિલા અને બાળ અધિકારી દ્વારા વિવિધ ઔદ્યોગિક એકમો તેમજ સ્થાનિક ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકલન દ્વારા મહિલા સ્વરોજગાર મેળા આયોજિત કરાશે.

તા.૪થી ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાશે. મહિલા જાગૃતતા શિબીર, મહિલા સરપંચ/તાલુકા અને જિલ્લા કક્ષાએ સમાજમાં આગવું પ્રદાન કરનાર મહિલાઓનું સન્માન, પંચાયતી રાજ અને સામાજિક અન્વેષણ વિશે સંવાદ, ખેતીવાડી ક્ષેત્રે અને ડેરી-પશુપાલન ક્ષેત્રે આગવું પ્રદાન આપનાર મહિલા ખેડૂતોનું સન્માન તેમજ ખાસ મહિલા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવનાર છે.

પ્રવક્તા મંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, તા.૫મી ઓગસ્ટે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી અંતર્ગત કામકાજના  સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ ૨૦૧૩ જાગૃતતા સેમિનાર, માનસિક સ્વાસ્થય વિશે જાગૃતિ, પ્રતિકાર સીડીનું નિદર્શન સહિતન કાર્યકમો આયોજિત કરવામાં આવનાર છે.

જ્યારે તા. ૬ ઓગસ્ટે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાશે. જેમાં  શિક્ષણ વિભાગના સંકલનમાં કન્યા શિક્ષણને પ્રોત્સાહિત કરતી યોજનાઓ તથા શ્રમ અને રોજગાર વિભાગના કૌશલ્ય વર્ધન કેન્દ્રો, મહિલા ITI કોલેજો ખાતે વિષય નિષ્ણાંત દ્વારા સમજ, મહિલા કલ્યાણકારી યોજના વિશે જાગૃતિકરણ, વિવિધ હેલ્પલાઇનની કામગીરી તથા ડેમોસ્ટ્રેશન દ્વારા જાણકારી,

શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓનું જાહેર સન્માન ઉપરાંત વિવિધ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરાશે. આ તા.૭ ઓગસ્ટે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરાશે. જેમાં જાગૃતિ શિબિર, સ્ત્રી રોગ નિદાન કેમ્પ, આંગણવાડી કેન્દ્રો ખાતે પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન તથા આરોગ્યપ્રદ વાનગી માટે રસોઈ શો તથા મહિલાઓ અને યોગ જાગૃતતા શિબિરનું આયોજન કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.