Western Times News

Gujarati News

હિંદી ઓછું જાણવાને લીધે ભૂલથી રાષ્ટ્રપત્ની બોલાયું: અધીર રંજન

Adhir Ranjan Controversy

અધીર રંજન ચૌધરીએ સ્પષ્ટતા આપતા કહ્યું ચૌધરીએ કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી માફી માગીશ, બીજેપી રાઇનો પહાડ બનાવી રહ્યાનો આક્ષેપ

નવી દિલ્હી,  રાષ્ટ્રપતિના સ્થાન પર રાષ્ટ્રપત્ની શબ્દ બોલ્યા બાદ વિવાદોમાં ઘેરાયેલા કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ આ મુદ્દે સ્પષ્ટતા આપતા એક નિવેદનમાં કહ્યું કે હું હિન્દી ભાષી નથી. મારાથી બોલવામાં શબ્દચૂક થઈ છે. સંસદમાં ભારે હોબાળો થયા બાદ તેમણે કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી માફી માંગશે.

અધીર રંજને પોતાની સફાઈમાં કહ્યું કે, હિન્દી ઓછુ જાણવાને કારણે ભૂલ થઈ છે. સૌથી પહેલાં તો હું એ કહેવા માંગીશ કે, બીજેપી રાઇનો પહાડ બનાવી રહી છે. એક રિપોર્ટર સાથે વાત કરતા મારા મોઢામાંથી રાષ્ટ્રપત્ની નિકળી ગયું. હિન્દુસ્તાનના રાષ્ટ્રપતિ, ભલે તે બ્રાહ્મણ હોય, ભલે મુસલમાન હોય કે આદિવાસી હોય અમારા માટે રાષ્ટ્રપતિ છે.

આ સિવાય પણ બેરોજગારી,મોંઘવારી અને અગ્નિપથ યોજનાઓ જેવા ઘણા મુદ્દાઓ છે જેના વિશે સંસદમાં ચર્ચા થવી જાેઈએ. અમે વિજય ચોકથી તેમની તરફ એટલે કે, રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો, જે દરમિયાન અમને કસ્ટડીમાં લેવામાં આવ્યા.

અમે જ્યારે આંદોલન કરી રહ્યા છીએ, તેવા સમયે એક પત્રકારે સવાલ કર્યો કે, અમારે ક્યાં જવું છે,તો અમે જવાબમાં કહ્યું કે, અમે રાષ્ટ્રપત્ની પાસે જવા માંગીએ છીએ. મારા મોંઢામાંથી રાષ્ટ્રપત્ની શબ્દ ઉતાવળમાં નીકળી ગયો. તે એક ભૂલ છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે હું બંગાળી ભારતીય માણસ છું. હું હિન્દી ભાષી નથી, મોંઢામાંથી નીકળી ગયુ પરંતુ અમારા ઈરાદામાં કોઈ ખોટ ન હતી. તે દેશના સર્વોચ્ચ પદ પર છે. અમે તેમનું સન્માન કરીએ છીએ. આજે ગૃહમાં પણ અમને અમારા વિચારો વ્યક્ત કરવાની તક આપવામાં આવી ન હતી. શાસક પક્ષ મારા પર આક્ષેપો કરે છે અને ગૃહને અટકાવે છે.

અકળાયેલા અધિર રંજન ચૌધરીએ બીજેપીને અરીસો બતાવતા કહ્યું કે, પીએમ મોદીએ બંગાળના મુખ્યમંત્રી માટે કઈ ભાષાનો ઉપયોગ કર્યો હતો? અમારા નેતા શશિ થરૂરની પત્ની માટે તમે શું કહ્યું હતુ? ભાજપના લોકો પણ આનું થોડું ધ્યાન રાખે, ભૂલ થઈ છે, ભૂલ થઈ છે, હા મેં ભૂલ કરી છે. ભાષાના ઉચ્ચારણમાં ભૂલ થઈ છે. હું બંગાળી છું. મેં જાણી જાેઈને કોઈનું અપમાન કર્યું નથી.

તેમણે વધુમાં કહ્યું કે, “આ આખી ઘટના કેમની થઇ? તેને રજૂ કરવાનો, કહેવાનો મને સંસદમાં તક આપો. જાે હું પોતાની વાત સાચી રીતે ન કહી શકુ તો, સ્પીકર સાહેબ જેમ કહેશે તેમ હું કરીશ”

રાષ્ટ્રપત્નીના નિવેદન પર માફી માંગવાની વાત પર રંજન ચૌધરીએ કહ્યું કે, હું શા માટે માફી માંગુ ? આ તો ફક્ત ભાષાની ચૂક થઇ છે. જેના માટે માફી માંગવાનો કોઇ સવાલ જ ઉદ્દભવતો નથી. જરૂર લાગશે તો હું રાષ્ટ્રપતિ સાથે મળીને માફી માંગી લઇશ. જાે તેમને લાગશે કે મારાથી ભૂલ થઇ છે તો હું ૧ વાર નહી પણ ૧૦૦ વાર માફી માંગી લઇશ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.