Western Times News

Gujarati News

શહેરની મહિલાઓ હવે કપડાના મામલે અનુસરી રહી છે નવો ટ્રેન્ડ

અમદાવાદ, કપડાના બદલાતા ટ્રેન્ડના લીધે છેલ્લા એક દશકામાં દેશના શહેરી વિસ્તારોમાં સાડીઓની માગમાં ૫૦ ટકાનો ઘટાડો જાેવા મળ્યો હતો. સુરત અને જેતપુરમાં સાડીના મેન્ચુફેક્ચરિંગ યુનિટ બદલાતી માગની સ્થિતિને ધ્યાનમાં રાખીને અન્ય કપડાનું વૈવિધ્યકરણ કરી રહ્યા છે.

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ અસોસિએશનના પ્રમુખના જણાવ્યા પ્રમાણે, એક દશકા પહેલા સુરત દરરોજ ૧.૮૫ કરોડ મીટર સાડીના કાપડનું ઉત્પાદન કરતું હતું અને હવે તેની પાસે ૨. ૭૦ કરોડની ક્ષમતા છે, માગ ઓછી છે, ખાસ કરીને શહેરી વિસ્તારોની મહિલાઓમાં.

તેમણે ઉમેર્યું હતું કે, સુરતના કાપડ ઉદ્યોગમાં સાડીઓનો હિસ્સો એક દશકા પહેલા ૯૫ ટકાથી ઘટીને લગભગ ૭૦ ટકા થઈ ગયો છે. ‘શહેરી મહિલાઓ લગ્નમાં પણ અન્ય પ્રકારના ડ્રેસ પસંદ કરે છે. લગ્નમાં ગિફ્ટ આપવાનો ટ્રેન્ડ પણ બદલાયો છે અને દુલ્હનને સાડીઓ કરતાં સલવાર-સૂટ વધારે આપવામાં આવે છે. એકંદરે, છેલ્લા એક દશકામાં સાડીઓની માગ શહેરી વિસ્તારમાં લગભગ ૫૦ ટકા ઘટી છે’.

સુરતના સાડી મેન્યુફેક્ચરર સંજય સરાવગીએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા એક દશકામાં માત્ર ગ્રામીણ માગના કારણે ક્ષમતાનું વિસ્તરણ થયું છે, જ્યારે શહેરી વિસ્તારોમાં માગ સતત ઘટી રહી છે.

કાચા માલના ભાવમાં થયેલા વધારાએ સાડીઓને વધારે મોંઘી બનાવી છે અને આ વર્ષના ફેબ્રુઆરીથી તો ગ્રામીણમાં પણ માગ ઘટી છે’. અગ્રવાલના જણાવ્યા પ્રમાણે, ગામડાઓમાં પણ કપડાનો ટ્રેન્ડ પણ ઝડપથી બદલાઈ રહ્યો છે અને સાડીઓની માગમાં ઘટાડો યથાવત્‌ રહેશે અને તેના પરિણામરૂપે સુરતના સાડીના ઉત્પાદકો અન્ય ફેબ્રિક તરફ વળ્યા છે.

જેતપુરનો સાડી ઉદ્યોગ મહિલાઓમાં બદલાતા કપડાના ટ્રેન્ડના કારણે પડકારોનો સામનો કરી રહ્યો છે. જેતપુરમાં કોટનની સાડીઓ માટે જાણીતા ઉત્પાદો પણ માગ ઘટતા ડ્રેસ મટીરિયલ તરફ વળ્યા છે.

જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ અસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે, અમારી સાડી માટેના મુખ્ય બજારો પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઉત્તરપ્રદેશ છે. મહારાષ્ટ્ર પણ મોટુ માર્કેટ હતું પરંતુ કપડાના વદલાતા વલણના કારણે તે બહાર થયું હતું.

અમે ફક્ત આફ્રિકન દેશોમાં અમારી નિકાસને કારણે જ વેપાર જાળવી શક્યા. રાજકોટથી લગભગ ૭૦ કિમી દૂર આવેલા જેતપુરમાં કોટન સાડી અને ડ્રેસ મટીરિયલનું ઉત્પાદન કરતાં ૧૪૦૦ એકમો છે’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.