Western Times News

Gujarati News

પાટણમાં હેરિટેજ રોડ બિસ્માર થતાં સ્થાનિકોમાં રોષ

પાટણ, પાટણમાં હેરિટેજ રોડની બિસ્માર હાલત થઈ છે જેને લઈને આ વિસ્તારમાં આવેલા સોસાયટી વિસ્તારના રહીશો તેમજ રાણકી વાવ અને મ્યુઝિયમના ટુરિસ્ટોમાં રોષ ફેલાયો છે. હાલમાં થયેલા વરસાદના કારણે જૂની કાળકા મંદિરથી અનાવાડા દરવાજા સુધી પાણી ભરાઈ રહેતા અને ખાડા હોવાથી વાહનોને નુકસાન થાય છે જેને લઈને લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે.

શહેરમાં રાણકી વાવ સહસ્ત્રલિંગ તળાવથી જૂની કાળકા થઈ કનસડા દરવાજા જીમખાના પાછળ થઈ મોતીશા લીંક રોડ સુધી હેરિટેજ ગણવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ રોડ ઉપર વરસાદ પહેલા નવીનિકરણ થયું ન હતું તેમજ ખાડાઓ પડી જતા રોડ ખરાબ થયો હતો.

વરસાદ પડતા નગરપાલિકા દ્વારા કરાયેલા કાચા પેચવર્ક રફેદફે થઈ ગયા છે. ખાડા થઈ જતાં અને પાણી ભરાઈ રહેતા અવર-જવર મુશ્કેલી રહીશો અનુભવી રહ્યા છે. નવી અને જુની કાળકા મંદિર વચ્ચે ઢાળ ઉતરતા જૂની કાળદા મંદિરના દરવાજા પાસે અડધા ફૂટ જેટલું ગાબડું સર્જાયુ છે અને એક ફૂટ વરસાદી પાણી ભરાઈ રહ્યું છે. મંદિર પાસેના ચોકમાં ત્રણ જગ્યાએ પાણી ભરાયા છે. સુવિધિનાથ સોસાયટી તેમજ મલ્હાર બંગ્લોઝ પાસે ૧પ થી ર૦ ફુટ જેટલા અંતરમાં ખાડા થઈ જતા અને તેમાં પાણી ભરાઈ રહેતા વાહનચાલકોને મુશ્કેલી થાય છે.

પાણીમાંથી બહાર નીકળતા ૧પ ફૂટ જેટલો રોડ ઉબડ-ખાબડ બની ગયો છે ત્યાંથી આગળ જતા તોલમાપ કચેરી અને નંદપર આંગણવાડી પાસે બમ્પના લીધે રોડ ઉપર જ પાણીનું તળાવ સર્જાઈ ગયું છે. આંગણવાડીના ગેટની બીજી તરફ સામેના ભાગે ગંદકી અને કીચડ થયેલો હોવાથી નાના બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.

વનરાજ પ્રાથમિક શાળા પાસે રપ ફૂટ રસ્તો એક સાઈડમાં ખરબચડો થઈ ગયો છે. અનાવાડા ચાર રસ્તા ઉપર રંગીલા હનુમાન ચોક પાસે વરસાદી પાણી ભરાઈ રહ્યું છે. જયારે મોતીસા લીંક રોડ ઉપર ખાડા પડી ગયા હોવાથી ત્યાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાઈ રહી છે.

પ્રભુ કૃપા સોસાયટીનો રસ્તો ડામર રોડના લેવથી નીચો હોવાથી પાણી દર વર્ષે ભરાઈ જાય છે. આખું ચોમાસુ આવી હાલત રહેશે તેમ સ્થાનિક રહીશે જણાવ્યું હતું. મલ્હાર બંગલોમાં રહેતા લોકોએ જણાવ્યા મુજબ સોસાયટીના ગેટ આગળ જ પાણી ભરાયું છે.

સુવિધિનાથ સોસાયટીના રહીશના જણાવ્યા મુજબ વરસાદ પહેલા રોડની તકલીફ હતી તે હવે ઘણી વધી છે માર્ગ મકાન વિભાગના એન્જિનિયર રાઠોડના જણાવ્યા મુજબ હેરિટેજ રોડ નગરપાલિકાને માલિકીનો છે અગાઉ માર્ગ- મકાન વિભાગ દ્વારા કેટલાક રોડનું કામ કરી આપ્યું હતું પરંતુ કાયમી ધોરણે નગરપાલિકાએ રોડ સાચવવાનો રહે છે.

વોર્ડના કોર્પોરેટર મનોજભાઈ પટેલે જણાવ્યું કે, અગાઉ રોડનું કામ મંજૂર થયું હતું પરંતુ ચોમાસુ આવતું હોવાથી ધોવાણ થઈ જવાની શક્યતા હોવાથી કામ શરૂ કરાવ્યું ન હતું સહસ્ત્રલિંગ તળાવ, રાણકીવાવ, જુની કાળકા, રંગીલા હનુમાન સુધીના રોડનું કામ અંદાજે રૂા.૧ કરોડના ખર્ચે ચોમાસા પછી શરૂ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.