Western Times News

Gujarati News

ગાંધીનગર ખાતે ‘મોદી@૨૦-ડ્રીમ્સ મીટ ડિલીવરી’ કાર્યક્રમ યોજાયો

Modi at 20 dreams meet at Gandhinagar

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો ૧૩મો સ્થાપના દિવસ: *પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર*::

વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત આયોજન અને મકકમ નિર્ણાયક શક્તિના પરિણામે સમગ્ર વિશ્વમાં આજે ભારતની નામના વધી છે –વડાપ્રધાનશ્રીના ‘લોકકલ્યાણ માટે સુશાસન’ના મંત્રના કારણે દેશવાસીઓનો વિશ્વાસ વધ્યો છે

રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ઊભા રહી શકે તેવા વિદ્યાર્થીઓ પેદા કરી રહી છે: શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના ૧૩માં સ્થાપના દિવસ નિમિત્તે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી તથા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર્સ એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરના અધ્યક્ષ સ્થાને તેમજ રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી કુબેર ભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં ‘મોદી@૨૦-ડ્રીમ્સ મીટ ડિલીવરી’ કાર્યક્રમ યોજાયો હતો.

પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી પ્રકાશ જાવડેકરે ચિલ્ડ્રન યુનિવર્સીટીના સ્થાપના દિવસે ‘Modi@20 Dreams Meet Delivery’ પુસ્તક પર પોતાના વિચારો રજૂ કરતાં કહ્યુ હતું કે, આ પુસ્તક ૨૦ વર્ષના સુશાસનની પ્રતીતિ કરાવતું ઉત્તમ પુસ્તક છે, જેમાં તેમના જોયેલા સપનાઓની ‘સ્વપ્નથી સિદ્ધિ’ સુધીના પ્રયાસોની સફર વર્ણવવામાં આવી છે.

મોદી @૨૦ માં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ દ્વારા પણ બે લેખ લખવામાં આવ્યા છેે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ચિલ્ડ્રન્સ યુનિવર્સીટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશનનું સપનું જોયું હતું જે આજે સાકાર થઈને સમગ્ર વિશ્વમાં અનોખી ઓળખ ઉભી કરી છે. આ યુનિવર્સિટી સમગ્ર વિશ્વમાં ફક્ત ગુજરાતમાં જ છે.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જ વિશેષતા છે કે એમને અલગ વિચાર આવે છે અને એ સાકાર પણ કરી શકે છે. શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં બાર વર્ષ અને વડાપ્રધાન તરીકેના આઠ વર્ષ પૂર્ણ કર્યા બાદ આજે ૨૧મું વર્ષ છે. તેમનો મંત્ર સુશાસનનો છે. લોકોને વિશ્વાસ આપવો, લોકો માટે કામ કરવું અને એટલે જ દેશવાસીઓનો વિશ્વાસ વધ્યો છે. વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત આયોજન અને મકકમ નિર્ણાયક શકિતના પરિણામે સમગ્ર વિશ્વમાં આજે ભારતની નામના વધી છે. ભારત આજે અલગ આગવી ઓળખ ઊભી કરીને વિકસિત દેશોની હરોળમાં આવી ગયો છે.

તેમણે ઉમેર્યું કે, અમદાવાદ શહેરનું કાંકરિયા તળાવ સુસાઇડ તળાવ તરીકે ઓળખાતુ હતું, જ્યાં આજે લાખો લોકો આવે છે અને જીવનની નવી આશા લઈને જાય છે. સાબરમતી નદી કિનારે રિવરફ્રન્ટ બનવાને કારણે સુંદરતા વધી અને આજે એનો ઉપયોગ આપણે જોઈ રહ્યા છીએ.

શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા તે સમયે એમણે તત્કાલીન વડાપ્રધાનશ્રી મનમોહનસિંહને સૂર્ય પુત્ર દેશોને એકત્રિત કરીને સોલાર એનર્જી માટેની યોજના બનાવવા પત્ર લખ્યો પણ કંઈ થયું નહી.પણ આજે જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે તેઓએ એમના આ વિચારોની શરૂઆત કરી દીધી છે. એ જ રીતે બી.આર. ટી.એસ. બધે જ અસફળ રહી પણ ગુજરાતમાં સફળ રહી છે. અમદાવાદ હેરિટેજ વોક પણ મેં ગુજરાતમાં કરી, જેમાં પણ આજે આર્કિટેક્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ત્યાં તમને સમજાવે છે એ માત્રને માત્ર વડાપ્રધાનશ્રીના આયોજનનને આભારી છે.

શ્રી જાવડેકરે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ નેશનલ એજ્યુકેશન પોલિસીમાં અર્લી ચાઈલ્ડહુડ એજ્યુકેશન પર ખૂબ જ ભાર આપવામાં આવ્યો છે, જે આગામી સમયમાં મહત્વનો પુરવાર થશે. આંગણવાડી અને જિલ્લા પરિષદ શાળાઓ મર્જ થશે જે નેશનલ એજ્યુકેશન પોલિસીનો પણ ભાગ છે.

તેમણે ઉમેર્યું કે, ભૂતકાળમાં દેશવાસીઓને રાષ્ટ્રજોગ સંદેશ દ્વારા વડાપ્રધાનશ્રી સંબોધતા હતા ત્યારે આજે શ્રી મોદીજી એ મન કી બાત થકી એક એવો સંવાદ શરૂ કર્યો છે જેમાં દેશના લોકોને એક સંદેશ આપ્યો છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી મોદીએ ભારતના વિકાસ માટે ઇનોવેશનને પ્રાધાન્ય આપ્યું છે. દેશના યુવાનોમાં પડેલી શક્તિઓને બહાર લાવી તેઓ સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે સહભાગી બનીને યોગદાન આપી શકે એ માટે સતત માર્ગદર્શન આપી રહ્યા છે. બેટી બચાઓ બેટી પઢાઓ જેવા સામાજિક અભિયાનોમાં જનભાગીદારી જોડીને લોકોને પ્રોત્સાહિત કરીને કેવી રીતે લોકોને એક સાથે જોડીને કામ કરવું એ એમની ખાસિયત છે.

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ચિલ્ડ્રન યુનિવર્સિટીના ૧૩માં સ્થાપના દિવસ કાર્યક્રમ નિમિત્તે તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજથી ૧૨ વર્ષ પહેલા દીર્ઘદૃષ્ટિથી જે સંસ્થાની સ્થાપના કરી હતી તે આજે તેનો હેતુ સાર્થક કરી રહી છે. ક્વોલિટી એજ્યુકેશન માટે રાજ્ય હબ બને એ દિશામાં ગુજરાત આગળ વધ્યું છે. આજે ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ઊભા રહી શકે તેવા વિદ્યાર્થીઓ પેદા કરી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે પણ સ્ટેન્ડ અપ ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડિયા, બેટી બચાઓ-બેટી પઢાઓ, શાળા પ્રવેશોત્સવ વગેરે કોઈ ઉમદા કાર્યોની શરૂઆત કરી ત્યારે જનસમુદાયને સામાન્ય લાગ્યાં હતાં, પરંતુ જ્યારે તેના પરિણામો મળી રહ્યાં છે ત્યારે વડાપ્રધાન મોદીની દૂરંદેશિતાના દર્શન થાય છે. એટલે જ તેઓ આપણા દેશ અને ગુજરાતનું એક ઘરેણું છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે રાષ્ટ્રીય સ્કીલ ડેવલપમેન્ટ નિગમ અને બંને યુનિવર્સિટી વચ્ચે જે એમ.ઓ.યુ. થયું, જે શિક્ષણ જગતમાં એક નવું સોપાન ઉમેરશે એ ગૌરવની બાબત છે. તાજેતરમાં રાજ્યની પ્રથમ ઓપન યુનિવર્સિટી બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ A++ ગ્રેડ,  ગુજરાત યુનિવર્સિટીને B++  ગ્રેડ તથા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર્સ એજ્યુકેશનને B ગ્રેડ મળ્યો છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, રાજ્ય સરકાર દ્વારા નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલીકરણ માટે તજજ્ઞની કમિટી માટેનો નિર્ણય પણ લઈ લેવાયો છે તેમજ સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ પોલિસી અંગે પણ તજજ્ઞોની કમિટી બનાવવામાં આવી છે. તેમણે પ્રત્યેક વ્યક્તિએ પોત પોતાના ક્ષેત્રમાં સમાજમાં હકારાત્મક અસર ઊભી થાય તે માટે કામ કરવા અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રી વાઘાણીએ ચિલ્ડ્રન યુનિવર્સીટીની આધ્યાત્મિક બાબતો વિશે જણાવ્યું હતું કે, સગર્ભા મહિલાઓ માટે પણ શાસ્ત્ર એટલે આપણી સંસ્કૃતિ અને અધ્યાત્મને સ્વીકારીને વિજ્ઞાન સાથે એને જોડયું એ મોદીજીનું સ્વપ્ન આજે ૧૩માં વર્ષમાં સાકાર પામ્યું છે.

રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી કુબેર ભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, Modi @20 પુસ્તક એેક વ્યક્તિએ સપનાઓને સિદ્ધ કેવી રીતે કરવા તેનો ચિતાર આપે છે. આજનો યુવાન આ વિચારને સમજે તે ખૂબ જ જરૂરી છે. આ યુનિવર્સિટીની સ્થાપનાથી નવા ભવિષ્યનું નિર્માણ થશે. તેમણે સૌને સાથે મળીને નવા સમાજ, નવા રાષ્ટ્નું  નિર્માણ કરવા તેમજ આજે વિશ્વ ભારત તરફ મીટ માંડીને બેઠો છે ત્યારે દેશને વિશ્વ ગુરુ બનાવવાના રાહમાં કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના ૧૩માં વર્ષના ૧૩ સંકલ્પ સાથે તેમણે એક નવો સંકલ્પ એટલે કે ૧૪મો સંકલ્પ ઉમેરવા પણ અનુરોધ કર્યો હતો, જેમાં માતા અને બહેનોને ગર્ભ સંસ્કારનું વિસ્તૃત શિક્ષણ આપવા માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગને જોડીને ‘ગર્ભ સંસ્કાર ઉત્સવ’ તરીકે ઉજવવાનું તેમણે સૂચન કર્યું હતું.

મંત્રીશ્રીએ કહ્યું કે, બાળક માતાના ગર્ભથી લઈને પુખ્ત વયનું થાય ત્યાં સુધી  યોગ્ય શિક્ષણ મળે તેનો વિચાર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી કરી રહી છે અને તેમના આ કાર્યને આગળ લઈ જવા માટે આપણે સૌ સાથે મળીને કટિબદ્ધતાથી કામ કરવા હાકલ કરી હતી.

ચિલ્ડ્રન યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર ડૉ.હર્ષદ પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત આયોજનને પરિણામે આ યુનિ.નો ૧૨ વર્ષ પહેલા પાયો નંખાયો હતો એ આજે વટવૃક્ષ બની ગયું છે. એ જ રીતે આઇ.આઇ.ટી.ઇ પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દર્ષ્ટિવંત આયોજનનું પરિણામ છે. બંને યુનિવર્સિટીઓ આજે દેશભરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

તેમણે ઉમેર્યું કે યુનિવર્સિટીએ બાર વર્ષના સમયગાળામાં યુનિવર્સિટીના સંવાહકો, અધ્યાપકો અને કાઉન્સિલના મેમ્બરોના સહયોગ થકી અનેક નવા નવા આયામો હાસલ કર્યા છે.

તેમણે કહ્યું કે, યુનિવર્સિટી દ્વારા આગામી સમયમાં નવીન સંકલ્પો સાથે આગળ વધવાની છે. તેમાં આ યુનિવર્સિટી મેરૂની કેટેગરીમાં આવી જાય એવા પ્રયાસ કરશે, ટોય મેળાઓનું આયોજન, આંગણવાડીના વર્કરો માટે બાયસેગના માધ્યમથી વર્ચ્યુઅલ તાલીમ,યુનિ.ને નેકમાં સ્થાન મળે એ માટે અરજી કરશે,

બાળકોના હોલિસ્ટિક એપ્રોચ માટેના પ્રયાસો, યુનિવર્સિટી ખાતે નિર્માણાધીન ટોય હાઉસનું લોકાર્પણ,ગિફ્ટ ખાતે નિર્માણ થનાર યુનિવર્સિટીના ભવનનું ખાતમુહૂર્ત તેમજ NCEPના સહયોગથી ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ અને જુનાગઢ યુનિવર્સિટી ખાતે સેમિનારનું આયોજન પણ આગામી સમયમાં કરવામાં આવશે. એટલુંજ નહી, યુનિવર્સીટીના પ્રત્યેક સ્થાપના દિવસે ડ્રીમ સ્પીરિટ લેકચર શ્રેણીનું પણ આયોજન કરાશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અગ્રસચિવશ્રી એસ. જે. હૈદર, નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશના સીઈઓ શ્રી વેદમણિ તિવારી, ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ શ્રી જગદીશ ભાવસાર, વિવિધ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, શિક્ષણવિદો,તજજ્ઞો અને યુનિવર્સિટીનો તમામ શૈક્ષણિક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.