Western Times News

Gujarati News

સોખડામાં પ્રેમસ્વરૂપ સ્વામીના સમર્થક કાર્યક્રમના આયોજનનાં પોસ્ટરો લગાવવા જતા મામલો તંગ

આણંદ, સોખડા સ્વામીનારાયણ મંદિરનો વિવાદ હવે આણંદના બાકરોલ ખાતેના આત્મીય વિદ્યાધામ ખાતે પહોંચ્યો છે.
પ્રેમ સ્વરૂપ અને પ્રબોધ સ્વામી જૂથના હરિ ભક્તો ફરી એક વાર સામ સામે આવી જતા બાકરોલ આત્મીય વિદ્યાધામ પર પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.

સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયની ગાદીને લઈને પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વામી જૂથ વચ્ચે વિવાદ સર્જાયા બાદ હાઇકોર્ટના આદેશ અનુસાર પ્રબોધ સ્વામી તેમના જૂથના સંતો અને હરિ ભક્તો સાથે આણંદના બાકરોલ આત્મીય વિદ્યાધામ ખાતે રહેવા આવ્યા હતા.

ગત ૨૧ એપ્રિલથી પ્રબોધ સ્વામી અને તેમના જૂથના ૬૪ સંતો અને હરિ ભક્તો આત્મીય વિદ્યાધામ ખાતે નિવાસ કરી રહ્યા છે, ત્યારે આજે પ્રેમસ્વરૂપ સ્વામીના સમર્થક હરિ ભક્તો શ્રાવણ માસને લઈને કાર્યક્રમના આયોજનનાં પોસ્ટરો લગાવવા આત્મીય વિદ્યાધામ જતા તેઓને પ્રબોધ સ્વામી જૂથના હરિ ભક્તો દ્વારા અટકાવવામાં આવ્યા હતા. જેથી મામલો તંગ બન્યો છે. આ મામલે પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મામલો થાળે પાડી પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી.

આ દરમિયાન મોડી સાંજે યોગી ડિવાઇન સમિતિના સેક્રેટરી ડૉ. આશવ પટેલ સહિત ૧૦૦ થી વધુ હરિ ભક્તો આત્મીય વિદ્યાધામ ખાતે પહોંચતા આત્મીય વિદ્યાધામનાં મુખ્ય પ્રવેશ દ્વારને તાળા મારી બંધ કરી દેવાયો હતો. પોલીસે હરિ ભક્તોને અટકાવતા પ્રેમ સ્વરૂપ જૂથના હરિ ભક્તોએ કહ્યું હતું કે, અમે ફક્ત દર્શન કરવા જવા માંગીએ છીએ, પોલીસ અમને રોકી શકે નહીં.

ભગવાનનાં દર્શન કરતા રોકી શકાય નહીં. જેથી પોલીસે કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે આત્મીય વિદ્યા ધામ ખાતે પ્રવેશ આપી શકાય નહીં. આ મામલે પોલીસ અને હરિભક્તો વચ્ચે મામલો ઉગ્ર બનતા ડીવાયએસપી ભરતસિંહ જાડેજા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.

પ્રબોધ સ્વામીના સમર્થક હરિ ભક્તો આત્મીય વિદ્યાધામની અંદર તરફ અને પ્રેમસ્વરૂપ સ્વામીના ટેકેદારો બહારની તરફ મોટી સંખ્યામાં એકત્ર થતા ઘર્ષણ થાય તેવો માહોલ સર્જાયો હતો. પરંતુ પોલીસે મામલો થાળે પાડી પ્રેમ સ્વરૂપ સ્વામીના સમર્થક હરિ ભક્તોને દર્શન કર્યા સિવાય પરત મોકલ્યા હતા. જાે કે હવે આ વિવાદ વધુ વકરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.