Western Times News

Gujarati News

7 દિવસના પેકેજ માટે ૯.૩૨ લાખ ચૂકવ્યા હતાઃ એજન્ટના ભરોસે ફરવા જવાનું ભારે પડ્યું

પ્રતિકાત્મક

પરિવારના ૨૧ સભ્યો ડેલહાઉસી, ધરમશાલા સહિતની જગ્યાએ પહોંચ્યા ત્યારે એજન્ટનો કાંડ સામે આવ્યો હતો

અમદાવાદ,  કેટલાંક ગુજરાતીઓ ફરવાના શોખીન હોય છે અને રુપિયા ખર્ચીને પણ પોતાના ફરવાના શોખને પૂરા કરતા હોય છે. કેટલાંક લોકો ટ્રાવેલ્સ એજન્ટના સંપર્કથી વિવિધ જગ્યાએ ફરવા જતા હોય છે. જાે તમે પણ આ રીતે ટ્રાવેલ્સ એજન્ટના ભરોષે ફરવા જતા હોય તો એક ચોંકાવનારો કિસ્સા સામે આવ્યો છે.

બાપુનગરમાં રહેતા એક વેપારી પણ ટ્રાવેલ્સ એજન્ટના ભરોષે ઉત્તર ભારત ફરવા ગયા હતા. પરિવારના ૨૧ સભ્યો માટે સાત દિવસના પ્રવાસનું પેકેજ નક્કી કરીને વેપારીએ ટ્રાવેલ્સ એજન્ટને રુપિયા ૯.૩૨ લાખ ચૂકવ્યા હતા. એજન્ટે બુકિંગ પણ કરી લીધું હતું.

પરંતુ જ્યારે પરિવારના ૨૧ સભ્યો ડેલહાઉસી, ધરમશાલા સહિતની જગ્યાએ પહોંચ્યા ત્યારે એજન્ટનો કાંડ સામે આવ્યો હતો. બાદમાં અમદાવાદ પહોંચીને વેપારીએ એજન્ટ સામે ફરિયાદ નોંધાવી હતી. બાપુનગરમાં રહેતા પવનકુમાર રમેશકુમાર માંગુકિયા એક કારખાનું ધરાવે છે.

તેઓએ કરેલી પોલીસ ફરિયાદમાં એવા આક્ષેપ કર્યા છે કે, ટુરિઝમનો વ્યવસાય કરતા મયુર હિંમતભાઈ સિરોયા સાથે બે વર્ષ પહેલાં સંપર્ક થયો હતો. પવનકુમાર પોતાના પરિવારના સભ્યો સાથે ડેલહાઉસી, ધરમશાલા, અમૃતસર સહિતની જગ્યાએ ફરવા માટે જવા માંગતા હતા. એટલે તેઓએ મયુરનો સંપર્ક કર્યો હતો. મયુરે તેમને સાત દિવસનું પેકેજ કરી આપવાની વાત કરી હતી. બાદમાં પવનકુમારે પરિવારના ૨૧ સભ્યો માટે સાત દિવસના પેકેજ પેટે રુપિયા ૯.૩૨ લાખ મયુરને ચૂકવ્યા હતા.

એ પછી ગઈ ૫ મે ૨૦૨૨ના રોજ પવનકુમાર સહિતના પરિવારના ૨૧ સભ્યો એરપોર્ટથી અમૃતસર જવા માટે નીકળ્યા હતા. ત્યાંથી તેઓ ડેલહાઉસી પહોંચ્યા અને એક હોટલમાં રોકાયા હતા. હોટલમાંથી ચેકઆઉટ કરતા બિલ બાકી હોવાનું સ્ટાફે જણાવ્યું હતું. ત્યારે પવનકુમારે કહ્યું કે, મયુરે આ રુપિયા ચૂકવી દીધા છે.

પરંતુ હોટલના સ્ટાફે મયુર દ્વારા આવા કોઈ જ રુપિયા ચૂકવાયા ન હોવાની વાત કરી હતી. જેથી તેઓએ મયુરને ફોન કરીને જાણ કરી તો તેણે માફી માગીને રુપિયા પરત કરવાની વાત કરી હતી.

પરિવારના સભ્યો ત્યાંથી ધરમશાલા પહોંચ્યા. ત્યાં પણ તેમને આવો જ કડવો અનુભવ થયો હતો. તમામ ફરવાના સ્થળોએ પવનકુમારના રુપિયા બાકી હોવાથી તેઓએ રુપિયા ચૂકવ્યા હતા. મયુરે તેમને એવો વાયદો કર્યો હતો કે તેઓ પરત આવશે એટલે રુપિયા આપી દેશે. એ પછી પવનકુમાર તેમનો પ્રવાસ પૂરો કરીને અમદાવાદ પરત આવ્યા હતા.

એ પછી તેઓએ મયુરને ફોન કરતા તેણે રુપિયા પાછા આપવાના બદલે ધમકીઓ આપી હતી. બાદમાં પોતાનો મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો હતો. એટલે પવનકુમાર તેની ઓફિસે પહોંચ્યા હતા અને ત્યાં પણ તાળુ મારેલું જાેવા મળ્યું હતું. તેના ઘરે તપાસ કરતા તે મળી આવ્યો નહોતો. આખરે પવનકુમારે લેભાગુ અને કપટી એજન્ટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ એજન્ટ મયુર વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.