Western Times News

Gujarati News

રાજકોટ, મોરબી, અમદાવાદમાં ટોચના સિરામીક ગ્રુપ પર દરોડા

31st July 2022 last day for Incometax filing

રાજકોટ,  આજે સવારથી ટોચના સિરામીક ગ્રુપ પર તવાઇ ઉતારવામાં આવી છે. મોરબી, વાંકાનેર, રાજકોટ તથા અમદાવાદમાં કયુટોન સિરામીક ઉપરાંત ડેસ્ટીની વગેરે પર મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

25 જેટલા સ્થળોએ 100થી વધુ અધિકારીઓ ત્રાટકયા છે અને કરોડોની કરચોરી પકડાવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. આવકવેરા વિભાગના ટોચના સુત્રોએ જણાવ્યું હતું કે આજે મહોર્રમની રજાના દિવસે જ રાજકોટ, મોરબી અને અમદાવાદમાં દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવતા ઉદ્યોગ જગત પણ સ્તબ્ધ થઇ ગયું હતું.

સિરામીક ઉદ્યોગ જગતમાં મોટું નામ ધરાવતા અને વાંકાનેર તાલુકાની હદમાં વઘાસીયા ટોલનાકા પાસે આવેલા કયુટોન સિરામીક તેમજ ઢુવા પાસે વરમોરા કારખાનાની પાછળના ભાગે આવેલા કંપનીના જ અન્ય એક એકમમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ ઉપરાંત કંપનીના માલિક તથા ભાગીદારોના નિવાસ સ્થાનોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. કંપનીના અમુક ભાગીદાર રાજકોટમાં રહેતા હોવાથી રાજકોટમાં પણ તેમના નિવાસસ્થાને દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કંપનીની અમદાવાદમાં ઓફિસ હોવાથી ત્યાં પણ સવારથી ધોંસ બોલાવવામાં આવી હતી.

રાજકોટમાં આવક વેરા વિભાગ દ્વારા લાંબા વખત બાદ દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને તેેને પગલે વેપાર ઉદ્યોગમાં ખળભળાટ સર્જાયો છે. આજની દરોડા કાર્યવાહીમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ અને સુરતના અધિકારીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. રપ સ્થળોએ 100થી વધુ અધિકારીઓ ત્રાટકયા છે અને કરોડો રૂપિયાની કરચોરી ખુલવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે.

ડિમાન્ડ સહિતના કારણોસર આ વખતે સિરામીક ઉદ્યોગકારોએ એક મહિનાનું વેકેશન જાહેર કર્યુ હતું તે અંતર્ગત આવતીકાલથી મોરબીના તમામ સિરામીક એકમોમાં ઉત્પાદન બંધ થઇ જવાનું હતું. આવતીકાલથી વેકેશન પડે તે પૂર્વે આજે ઇન્કમટેકસે દરોડા પાડતા ખળભળાટ સર્જાયો છે. કયુટોન ગ્રુપ સાથે સંકળાયેલા અન્ય ઉદ્યોગકારોમાં પણ દોડધામ મચી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.