Western Times News

Gujarati News

પાલિતાણાની સર માનસિંહજી હોસ્પિટલ રૂપિયા ૪૫ કરોડના ખર્ચે બનશે

અત્યાધુનિક કેન્દ્ર સરકારે કાર્યવાહી હાથ ધરી : ૧૫૦ બેડ સાથે દર્દીઓને આધુનિક સારવાર મળશે

ભાવનગર જિલ્લાના પાલિતાણાની સરકારી સર માનસિંહજી હોસ્પિટલને તમામ સ્વાસ્થ્ય સુવિધા સાથે અપગ્રેડ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કર્યો છે. આજે નવી દિલ્હી ખાતે આ માટે રૂપિયા ૪૫ કરોડની ફાળવણી માટે સંમતી આપી દેવામાં આવી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પાલિતાણાની સરકારી હોસ્પિટલની મુલાકાત કરી હતી અને તેની સાથે જ તેને અપગ્રેડ કરવાના આદેશો જારી કર્યા હતા. હવે પાલિતાણા સરકારી હોસ્પિટલ ૫૬ બેડની છે તે ૧૫૦ બેડ ની હોસ્પિટલ બનશે. આ નવા વધારો કરેલ બેડમાં જનરલ બેડની સાથે સાથે બાળ દર્દી માટેના બેડ અને આઈસીયુ બેડની પણ સુવિધા રહશે. નવા બેડની સાથે દર્દીની સારવાર માટેની તમામ અત્યાધુનિક સગવડો પણ ઉભી કરાશે.

સર માનસિંહજી હોસ્પિટલના અપગ્રેડેશન સાથે વિવિધ નિષ્ણાંત ડોક્ટરની સેવાનો લાભ પાલિતાણાની વિશાળ જનસંખ્યાને મળશે. મેડીકલ ક્ષેત્રની તમામ અત્યાધુનિક સારવાર હવે પાલિતાણામાં જ ઉપલબ્ધ બનશે.

અત્રે નોંધનીય છે કે, દેશના નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પાલિતાણાની સ્વાસ્થ્ય સુવિધાને સુસજ્જ કરવા માટે રૂ ૪૫ કરોડ દ્વારા અપગ્રેડેશન થશે. પાલિતાણા અને આજુબાજુના અંત્તરીયાળ ગ્રામ્ય પંથકના દર્દીઓને  અત્યાધુનિક સારવાર ઓછા સમયમાં ઉપલબ્ધ થશે. તબીબી સારવાર માટે લોકોને દૂર દુર સુધી હવે જવું નહિં પડે. પાલિતાણામાં સ્થાનિક સ્તરે જ મોટાભાગની સારવાર મળી રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.