Western Times News

Gujarati News

આણંદમાં રખડતાં ઢોરોએ એક દિવસમાં ૧૦ લોકોને લીધા અડફેટે

પ્રતિકાત્મક

આણંદ,  આણંદમાં રખડતા ઢોરના ત્રાસે તમામ હદ વટાવી દીધી છે. આજે આણંદની એક પણ શેરી એવી નહિ હોય જ્યાં રખડતાં ઢોરનું અસ્તિત્વ ન હોય. આ મામલે સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી હોવા છતા જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી ન કરતા હાલ લોકોને બજારમાંથી પસાર થવામાં મોઢે ફીણ આવી જાય તેવી સ્થિતિ છે.

એટલું જ નહિ આણંદમાં રખડતા ઢોરે રેકોર્ડ સર્જ્‌યો હોય તેમ એક દિવસમાં ૧૦ લોકોને અડફેટે શહેરભરમાં ઉહાપોહ મચી ગયો છે. આથી રસ્તે જાણે મોત ભટકી રહ્યું હોય તેવી પરિસ્થિતિ જન્મી છે.આવી સ્થિતિ વચ્ચે પાલિકાએ રખડતા ઢોરને પકડવા સહીતની કાર્યવાહી નહીં કરતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

ઢોરના હુમલામાં કોઈ નિર્દોષ શહેરીજનોને જીવ જાશે તો જવાબદાર કોણ? શું આવી અઘટીત ઘટનાની જવાબદારી પાલિકા લેશે? તે સહીતના લૉકોમાં સવાલો ઊભા થયા છે. વધુમાં આ મામલે વોર્ડ નંબર ૪ના કાઉન્સિલરે પાલિકા તંત્રને પત્ર લખ્યો છે. જેમાં રખડતા ઢોરની ઢીંકે ચડેલા ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક વળતર ચૂકવવા માંગ ઉઠાવી છે.

જાે આ દિશામાં તંત્ર દ્વારા કાર્યવાહી ન કરી વળતર નહીં આપવામાં આવે તો તંત્ર સામે કાનૂની લડત છેડવાની પણ અંતમાં ચીમકી ઉચ્ચારાઈ છે. જેને લઇને તંત્ર દોડતું થયું છે.

થોડા સમય પહેલા આણંદ શહેરમાં ગામડી વડ વિસ્તારમાં આવેલ આઇસ ફેકટરી નજીક આજે એક રખડતી ગાયે ત્યાંથી પસાર થતી મહિલા ઉપર અચાનક હુમલો કર્યો હતો. આ દરમિયાન જમીન પર પટકાયેલ મહિલાએ બચાવો બચાવોની બુમો પડતા સ્થાનિક લોકોએ મહામહેનતે વૃદ્ધ મહિલાને હિંસક બનેલ ગાયની ચૂંગલમાંથી બચાવી હતી.

ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલાને સારવાર આપ્યા બાદ ઘરે લાવવામાં આવ્યા હતા. આમ લોકોએ મહિલાને મોતના મુખમાંથી ઉગારી લીધી હતી. આવી ઘટનાઑમાંથી પણ તંત્ર શીખ ન લેતું હોવાથી ઢોરનો ત્રાસ અટકવાનું નામ લેતો નથી. જેને લઇને હવે લોકો આકરા પાણીએ થયા છે અને તંત્ર સામે બાયો ચડાવી કાનૂની લડતની ચીમકી પણ ઉચારી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.