Western Times News

Gujarati News

હવે પરફોર્મન્સના આધારે સરકારી કર્મચારીઓના પગાર વધશે

આઠમા પગાર પંચની રાહ જાેતા કર્મચારીઓને આંચકો

નવી દિલ્હી, કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે, પરંતુ લાગી રહ્યું છે કે સરકાર અત્યારે કોઈ કમિશનની રચના કરવાના મૂડમાં નથી.

સરકાર સ્પષ્ટપણે જણાવી ચૂકી છે કે, વધુ એક પગાર પંચની જરૂર ના હોવી જાેઈએ. સરકાર એવી વ્યવસ્થા પર કામ કરી રહી છે જેનાથી કર્મચારીઓનો પગાર તેમના પર્ફોમન્સના આધારે વધી શકે. આ માટે એયકરોયડ ફોર્મ્યુલાના આધારે તમામ ભથ્થા અને વેતનની સમીક્ષા કરવામાં આવી શકે છે.

કેન્દ્રીય કર્મચારીઓના પગારના માળખામાં બદલાવ કરવા માટે દર દસ વર્ષમાં એક પગાર પંચ એટલે કે પે કમિશનની રચના કરવામાં આવે છે. પંચની ભલામણોના આધારે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર નક્કી કરવામાં આવે છે. અત્યાર સુધી સાત વાર પગાર પંચની રચના કરવામાં આવી છે. દેશમાં પ્રથમ પગાર પંચ જાન્યુઆરી ૧૯૪૬માં તૈયાર કરવામાં આવ્યો હતો.

સાતમા પગાર પંચની રચના ૨૮મી ફેબ્રુઆરી, ૨૦૧૪ના રોજ કરવામાં આવી હતી. રાજ્ય નાણાં મંત્રી પંકજ ચૌધરીએ સોમવારના રોજ સંસદમાં જણાવ્યું કે, અત્યારે આઠમા પગાર પંચની રચના કરવાનો કોઈ પ્રસ્તાવ સરકારની જાણમાં નથી.
ઉલ્લેખનીય છે કે પંકજ ચૌધરી લોકસભામાં એક પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા હતા.

તેમને પૂછવામાં આવ્યુ હતું કે, શું સરકાર પાસે કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા કેન્દ્રીય પગાર પંચનો પ્રસ્તાવ છે જેથી એક જાન્યુઆરી, ૨૦૨૬થી તેને લાગુ કરી શકાય? પંકજ ચૌધરીએ આ દાવાને ફગાવી દીધો હતો. આ પરથી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર કોઈ પણ પંચની રચના કરવાના મૂડમાં નથી.

પંકજ ચૌધરી આ પહેલા પણ કહી ચૂક્યા છે કે સાતમા પગાર પંચની ભલામણો અનુસાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને આપવામાં આવતા વેતન, ભથ્થા અને પેન્શનની સમીક્ષા કરવા માટે વધુ એક પગાર પંચની રચના કરવાની જરૂર નથી. પરંતુ પે મૈટ્રિક્સની સમીક્ષા અને સંશોધન માચે નવી વ્યવસ્થા પર કામ થવું જાેઈએ. સરકાર એવી વ્યવસ્થા પર કામ કરી રહી છે જેનાથી કર્મચારીઓના પગાર તેમની કામગીરીના આધારે વધી શકે.

આ ફોર્મ્યુલાની મદદથી કર્મચારીઓના પગારને મોંઘવારી, કોસ્ટ ઓફ લિવિંગ અને કર્મચારીઓની કામગીરી સાથે જાેડવામાં આવશે. આ તમામ વસ્તુઓની સમીક્ષા કર્યા પછી પગાર વધારો કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.