Western Times News

Gujarati News

SGVP ગુરૂકુળમાં આયોજિત સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં પરેડ

આઝાદીના અમૃત કાળમાં દેશના વિકાસને નવી ઊંચાઇઓ પર લઇ જવા આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ : આરોગ્ય અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

અમદાવાદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની અમદાવાદ ખાતે ઉજવણી સંપન્ન

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે અમદાવાદ શહેરની SGVP ગુરૂકુળમાં આયોજિત સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં પરેડનું નિરીક્ષણ કરી રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યા બાદ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓનું બહુમાન કર્યું

આઝાદીના અમૃત કાળમાં જ દર્દીઓના હિતાર્થે એર એબ્યુલન્સ સેવા શરૂ કરનારું ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે ગુજરાત સરકારે રાજ્યના ૪.૫૦ લાખ જેટલા નાગરિકોને ડિજિટલ હેલ્થ આઇ.ડી. કાર્ડ આપ્યું  મોતીયા અંધત્વમુક્ત ગુજરાત ઝુંબેશ અંતર્ગત વર્ષ ૨૦૨૫ સુધીમાં અંધત્વનો દર ઘટાડીને ૦.૨૫ ટકા સુધી લઇ જવા સરકાર કટિબદ્ધ -ખેડૂતોની પડખે અડિખમ સરકારના ખેડૂતલક્ષી અનેકવિધ અભિગમના પરિણામે આજે ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી કૃષિ વિકાસ દર ડબલ ડિજિટની આસપાસ રહ્યો છે

૭૬મા સ્વા તંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના અવસરે રાજ્યના આરોગ્ય અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે અમદાવાદ શહેરના છારોડી ખાતે SGVP ગુરુકુળના પ્રાંગણમાં ધ્વજવંદન કરીને રાષ્ટ્રની અસ્મિતાના પ્રતીક સમા ત્રિરંગાને સલામી આપી હતી.

આ વેળાએ મંત્રીશ્રીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે જિલ્લા કલેકટર ડૉ. સંદીપ સાગલે તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડા શ્રી અમિત વસાવા જોડાયા હતા.

આ અવસરે મંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં પોતાના પ્રાણની આહૂતિ આપનારા નામી-અનામી સૌ વીર શહીદ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી જણાવ્યું હતું કે, અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોના કારણે આપણને આઝાદી મળી છે. આજે ગુજરાતના સપૂત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ દેશ આગળ વધી રહ્યો છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ‘ટીમ ગુજરાત’ રાજ્યની વિકાસ યાત્રા આગળ ધપાવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોનાની વૈશ્વિક મહામારીમાંથી આપણે સૌ બહાર આવ્યા છીએ. નરેન્દ્રભાઇના નેતૃત્વમાં સમગ્ર દેશમાં વેક્સિનેશન ક્ષેત્રે આત્મનિર્ભર બનીને આપણે સૌએ સુરક્ષા કવચ પ્રાપ્ત કર્યું છે. ગુજરાતમાં પણ ૧૧.૫૦ કરોડથી વધુ ડોઝનું વેક્સિનેસન પૂર્ણ થયું છે.

આઝાદીના અમૃત કાળમાં દર્દીઓના હિતાર્થે એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરનારું ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું હોવાનું મંત્રી શ્રી ગૌરવપૂર્ણ જણાવ્યું હતુ.

ડબલ એન્જિનની ગુજરાત સરકારે ડિજિટલ ઇન્ડિયાના માર્ગે લાઇન નહિ, ઓનલાઇન અભિગમને આગળ ધપાવીને રાજ્યના ૪.૫૦ લાખ જેટલા નાગરિકોને ડિજિટલ હેલ્થ આઇ.ડી. કાર્ડ આપ્યું હોવાનું પણ મંત્રી શ્રીએ ઉમેર્યું હતું.

રાજ્યમાંથી અંધત્વને જાકારો આપવા માટે મોતીયા અંધત્વમુક્ત ગુજરાત ઝુંબેશ અંતર્ગત વર્ષ ૨૦૨૫ સુધીમાં અંધત્વનો દર ઘટાડીને ૦.૨૫  ટકા સુધી લઇ જવા સરકાર કટિબદ્ધ હોવાનું મંત્રી શ્રીએ કહ્યું હતુ.

ખેડૂતોની પડખે અડિખમ સરકારના ખેડૂતલક્ષી અનેકવિધ અભિગમના પરિણામે આજે ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી કૃષિ વિકાસ દર ડબલ ડિજિટની આસપાસ રહ્યો છે.

આ પ્રસંગે મંત્રીશ્રીએ પોતાના પ્રસંગોચિત ઉદબોધનમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા તાજેતરમાં જ દક્ષિણ ગુજરાતના આદિવાસી ક્ષેત્રમાં શરૂ કરવામાં આવેલ અસ્ટોલ જૂથ પાણી પુરવઠાના પ્રોજેક્ટને એન્જીનીયરીંગ મારવેલ ગણાવી આ પ્રોજેક્ટ થકી 4.50 લાખ નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહ્યું હોવાનું ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ સ્વંતંત્રતા દિવસના પોતાના ઉદબોધનમાં રાજ્ય સરકારની તાજેતરમાં હાથ ધરાયેલ જનહિતલક્ષી વિવિધ પહેલ ડ્રોન પોલીસી, e-FIR સેવા, સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ, પોષણ સુધા યોજના, સેમી કન્ડક્ટર પોલીસીની વિગતવાર માહિતીથી નાગિરકોને અવગત કરાવ્યા હતા.

આ અવસરે મંત્રીશ્રી તથા અન્ય પદાધિકારી-અધિકારીઓના હસ્તે અમદાવાદ જિલ્લામાં વર્ષ દરમિયાન ફરજ પર રહીને શ્રેષ્ઠ કામગીરી કરનારા  જિલ્લા આરોગ્યકર્મીઓ, આરોગ્યસંસ્થાઓ, ૧૦૮ના કર્મીઓ, પોલીસકર્મીઓ સહિત વિવિધ વિભાગના કુલ 82 કર્મચારીઓને  ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કર્યા હતા.  કાર્યક્રમ બાદ મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કર્યું હતું.

૭૬ મા સ્વાતંત્રય પર્વની ઉજવણીમાં ધારાસભ્યશ્રી કૌશિક પટેલ, અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયા, અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડા શ્રી અમિત વસાવા જોડાયા, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, એસજીવીપી ગુરુકુળના સંતશ્રીઓ, પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.