Western Times News

Gujarati News

રાજસ્થાન હોસ્પિટલમાં આરોગ્યલક્ષી નવીન પ્રકલ્પોનું લોકાર્પણ

આરોગ્ય સેવાઓનું ડિજિટલાઇઝેશન આરોગ્ય સુવિધાઓને વધુ સરળ અને સુદૃઢ બનાવશે -નૂતન ઓ.પી.ડી., માતા અને બાળકોના સ્વાસ્થ્ય સંબંધી વિવિધ પહેલ માતા અને નવજાત શિશુની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં નવીન પ્રકલ્પોનું લોકાર્પણ કરતા જણાવ્યું કે , રાજસ્થાન હોસ્પિટલની આરોગ્યલક્ષી ડિજિટલ પહેલ નાગરિકોની આરોગ્યસુખાકારીમાં વધારો કરશે.

નૂતન ઓ.પી.ડી. સુવિધા, બાળકો અને માતાઓના સ્વાસ્થ્ય સંબંધી સેવાઓના નવતર અભિગમ નવજાત શિશુ અને સગર્ભા બહેનોને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અસરકારક સાબિત થશે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી એ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા અબાલવૃદ્ધ નાગરિકોના આરોગ્યની દરકાર કરીને અનેકવિધ સ્વાસ્થ્યલક્ષી પહેલ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં જ 60થી વધુની વયના નાગરિકોને ઘરે બેઠા સેમ્પલ કલેકશન સુવિધાની નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. આ વર્ષના બજેટમાં રૂ. 5 કરોડની જોગવાઇ આ પહેલની શરૂઆત માટે કરવામાં આવી છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વધુમાં કહ્યું કે, સરકાર સાથે સામાજિક, ધાર્મિક અને સેવાભાવી તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના સહિયારા પ્રયાસોના પરિણામે રાજ્યના વિકાસની ગતિને તેજ બનાવીને સર્વાંગીણ અને સર્વસમાવેશક વિકાસ કરી શકાય છે જેનું રાજસ્થાન હોસ્પિટલ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ડિજિટલ ઇન્ડિયા વિઝનને આગળ ધપાવતી ગુજરાત સરકારે નાગરીકલક્ષી ઘણી સેવાઓને ડિજિટલ કરી છે.જે પરિપાટી પર ચાલીને આજે રાજસ્થાન હોસ્પિટલ દ્વારા પણ દરિદ્રનારાયણની સેવાને વધુ સુદૃઢ બનાવવા ડિજિટલાઇઝેશનનો અભિગમ અપનાવવામાં આવ્યો છે જે સરાહનીય છે.

કોરોનાકાળમાં પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને સાર્થક કરીને સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન મહાઅભિયાન બન્યું જેના પરિણામે આજે આપણે કોરોના સામે સુરક્ષિત બન્યા છીએ, એવું મુખ્યમંત્રી શ્રીએ ઉમેર્યું હતું.

ચાર દાયકા પહેલાં રાજસ્થાનથી આવીને ગુજરાતમાં વસેલા રાજસ્થાન હોસ્પિટલના ટ્રસ્ટી પરિવારોને હોસ્પિટલમાં આવતા વિવિધ પ્રાંતના દર્દીઓની સેવાનો યજ્ઞ અવિરતપણે આગળ ધપાવવા બદલ મુખ્યમંત્રી શ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઇ પરમારે રાજ્યના દરેક વ્યક્તિને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતુ. તેમણે રાજસ્થાન હોસ્પિટલ દ્વારા દેશના વિવિધ પ્રાંતમાંથી આવતા દર્દીઓ અને રાજ્યના દર્દીઓને ઉત્તમ આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી હોવાનું જણાવી સમગ્ર હોસ્પિટલ તંત્રને નવતર અભિગમ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ 2008ના સિરિયલ બ્લાસ્ટ વખતે અમદાવાદ સિવિલની સાથોસાથ રાજસ્થાન હોસ્પિટલ દ્વારા સપોર્ટિવ કેરમાં કરવામાં આવેલી સેવાઓ અને અદા કરવામાં આવેલી મહત્વની ભૂમિકાને લોકસમક્ષ મૂકીને સંસ્મરણોને વાગોળ્યાં હતાં.

મુખ્યમંત્રી શ્રી સહિતના મહાનુભાવો દ્વારા આ કાર્યક્રમમાં આંગણવાડી બહેનોને આરોગ્યલક્ષી કિટ પણ અર્પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં અસારવા વોર્ડના કાઉન્સિલરશ્રીઓ, હોસ્પિટલના ચેરમેન શ્રી પી.આર. કાકડિયા,સેક્રેટરી શ્રી મહેન્દ્રભાઇ શાહ સહિત મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ અને તબીબો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.