Western Times News

Gujarati News

પાટણ જિલ્લાની આ બે દિવસની મુલાકાત જીવનમાં યાદગાર રહેશેઃ કેન્દ્રીયમંત્રી

Piyush Goyal in patan Gujarat

પાટણ જીલ્લાની મુલાકાતે આવેલ કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલનો બે દિવસીય પ્રવાસ સંપન્ન

(માહિતી બ્યુરો,પાટણ) કેન્દ્રીય મંત્રીશ્રી પિયુષ ગોયલ પાટણનાં બે દિવસીય પ્રવાસે આવ્યા હતા. આ પ્રવાસના બીજા દિવસની શરૂઆત તેઓએ પાટણના ઐતિહાસીક એવા કાલિકા માતાના મંદિરે દર્શન કરીને કરી હતી. ત્યારબાદ તેઓ પાટણની શાન એવી રાણકી વાવની મુલાકાતે ગયા હતા.

વર્લ્ડ હેરિટેજ રાણ કી વાવની મુલાકાત દરમિયાન તેઓ બેનમૂન નકશીકલાને નિહાળી અભિભૂત થયા હતા. રાણકી વાવની મુલાકાત માટે તેઓએ ટિકિટ ખરીદી હતી. જે બાદ રાણકી વાવની મુલાકાત લીધી હતી. રાણકી વાવની મુલાકાત બાદ મંત્રીશ્રીએ પાટણની શાન એવાં પટોળા નિહાળવા માટે પટોળા હાઉસની મુલાકાત લીધી હતી.

જ્યાં પટોળા બનાવટની સમગ્ર પ્રક્રિયાથી તેઓ અવગત બન્યા હતા. પટોળાનું વણાટ કામ તેમજ તેના ઐતિહાસિક મૂલ્યની વિગત પણ મેળવી હતી. મંત્રીશ્રીએ પટોળા બનાવતા કારીગરોની સાથે વાતચીત પણ કરી હતી.

રાણકી વાવ અને પટોળા હાઉસની મુલાકાત લીધાં બાદ મંત્રીશ્રી પિયુષ ગોયલ પાટણ તાલુકાનાં ભદ્રાડા ગામની મુલાકાતે ગયા હતાં. ભદ્રાડા ગામે મંત્રીશ્રીનું ગ્રામજનો દ્વારા ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. અહી ગ્રામજનોએ મંત્રીશ્રીને પોતાની પરંપરાગત વેશભૂષા પહેરાવી હતી

આ દરમ્યાન મંત્રીશ્રી નવો અંદાજ જાેવા મળ્યો હતો. કેન્દ્રીય મંત્રીશ્રીની સાથે આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. કેન્દ્રીય મંત્રીશ્રીને લોકોએ પરંપરાગત વેશભૂષા પહેરાવી હાથમાં લાકડી ભેટ કરી હતી. સ્થાનિક લોકોનું ભવ્ય સ્વાગત થતાં મંત્રીશ્રીએ સ્થાનિક લોકોએ આભાર માન્યો હતો. ગામની મુલાકાત દરમિયાન ખાટલાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠકમાં મંત્રીશ્રી ગ્રામજનો સાથે સંવાદ કરી ગ્રામિણ વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિથી અવગત થયા હતા.

ભદ્રાડા ગામની મુલાકાત બાદ મંત્રીશ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનાં કન્વેન્શન હોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં પધાર્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરી સરકારી યોજનાઓના લાભ થકી તેમનાં જીવનમાં આવેલા પરિવર્તનથી અવગત થયાં હતાં.

આ સંવાદ કાર્યક્રમમાં રાજય આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ પણ જાેડાયા હતા. તેઓએ પણ લાભાર્થીઓની સાથે સીધો સંવાદ કર્યો હતો. આ સંવાદ દરમિયાન કેન્દ્રીય મંત્રીશ્રી પિયુષ ગોયલે જણાવ્યુ હતુ કે, આજે કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ થકી દેશમાં લાખો કરોડો લાભ લઇ રહ્યાં છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી આજે દેશભરમાં કરોડો ગરીબ લોકોના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. આજે દરેક નાનાં ગામડા સુધી ગેસ કનેક્શન પહોંચ્યું છે. તદુપરાંત પાણી અને વીજળી જેવી જરૂરી સુવિધાઓ પણ પહોંચી છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આજે દેશનાં દરેક ગામડાં અને શહેર સુધી તમામ જીવન જરૂરિયાતની સુવિધાઓ વિવિધ યોજનાઓ થકી પહોંચાડી છે.

સ્ટાર્ટઅપની વાત કરતાં મંત્રીશ્રી જણાવે છે કે આજે દેશમાં હજારો સ્ટાર્ટઅપ શરૂ થયાં છે. આ સ્ટાર્ટ અપ થકી અનેક યુવાઓને રોજગારી મળતી થઈ છે. સરકારી નોકરી નહીં પરંતુ પોતાના સ્ટાર્ટઅપ દ્વારા યુવાનો રોજગાર આપતાં થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.