Western Times News

Gujarati News

થરાદમાં છોકરી-યુવતીઓ વેચવાના કૌભાંડનો પર્દાફાશ

૪૦ હજારમાં ખરીદીને છોકરીને ચાર લાખમાં વેચવામાં આવતી

પોલીસે બાતમીના આધારે ડી સ્ટાફને સાથે રાખીને દરોડા પાડતા એક સગીર છોકરીને ગેંગની ચુંગાલમાંથી છોડાવાઈ, બે ઝડપાયા

થરાદ,તાલુકાના ડેલ ગામમાંથી પોલીસે છોકરીઓ અને યુવતીને લાખો રુપિયામાં વેચાવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અજાણ્યા પુરુષો સાથે સંપર્ક કરીને લાખો રુપિયામાં તેમને વેચવાનું કૌભાંડ ચાલતુ હતુ. ગરીબ ઘરની મજબૂર દીકરીઓને આ રીતે વેચીને સોદો થતો હોવાની બાતમી સ્થાનિક એએસપીને મળી હતી.

જે બાદ પોલીસે આ બાતમીના આધારે ડી સ્ટાફને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. જે બાદ ગુલાબબેન વાઘેલાના ઘરેથી એક સગીર છોકરી મળી આવી હતી. જ્યારે પોલીસે આરોપીઓની પૂછપરછ કરી તો એવું જણાવ્યું કે, લગ્નના સોદામાં વેચાણ માટે તેને લાવવામાં આવી હતી.

ત્યારે પોલીસે એક સગીર છોકરીને ગુનેગારોના ચુંગાલમાંથી છોડાવી હતી. ત્યારે પોલીસે આઠ લોકો સામે ગુનો નોંધીને બે લોકોને દબોચી લીધા છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પોલીસે જે સગીર છોકરીને બચાવી લીધી છે તેની ઉંમર ૧૭ વર્ષ છે. આમ તો આ સગીર છોકરી મૂળ લુણાવાડાના મહિસાગરની વતની છે. પણ તે અમદાવાદના નરોડામાં પોતાના માતા-પિતા સાથે રહે છે.

આ ગેંગના લોકોએ આ છોકરીના માતા-પિતાની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો હતો. જે બાદ આરોપીઓએ માતા-પિતાને રુપિયાની લાલચ આપી હતી અને છોકરીને થરાદના ડેલ ગામમાં લઈને આવ્યા હતા. બાદમાં અજાણ્યા પુરુષો સાથે તેમનો સંપર્ક કરાવવામાં આવતો હતો અને સોદો કરવામાં આવતો હતો. ત્યારે એએસપી પૂજા યાદવે બાતમીના આધારે આ છોકરીને બચાવી લીધી હતી.

પોલીસે સગીર છોકરીના માતા-પિતા સહિત આઠ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જ્યારે બે લોકોને દબોચી લીધા છે. આ ગેંગ ગરીબ લોકોને પોતાનો શિકાર બનાવતા હતા. ઝૂપડપટ્ટી જેવા વિસ્તારમાં રહેતા લોકોને રુપિયાની લાલચ આપતા હતા અને પછી છોકરીઓ કે યુવતીઓને થરાદમાં લાવીને સરહદી વિસ્તારમાં રહેતા અજાણ્યા લોકોને વેચી મારતા હતા.
સગીરાએ પોલીસને એવું પણ જણાવ્યું કે, તેના માતા-પિતાની આર્થિક સ્થિતિ સારી નથી.

જેથી પરિવારને ૪૦ હજાર રુપિયા આપીને તેને ખરીદવામાં આવી હતી. બાદમાં ડેલ ગામના આરોપીઓએ તેનો ફોટો અને વિડીયો અજાણ્યા લોકોને મોકલ્યો હતો. બાદમાં છેલ્લે તેને ચાર લાખ રુપિયામાં વેચી દેવામાં આવી હતી. એટલું જ નહીં અજાણ્યા યુવકો પાસે વિડીયો કોલ પણ કરાવવામાં આવતો અને સોદો પાડવામાં આવતો હતો. આ રીતે આરોપીઓ રુપિયા કમાતા હતા. ત્યારે પોલીસે માનવ તસ્કરીનો પર્દાફાશ કરીને બે આરોપીઓને દબોચી લીધા છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.