Western Times News

Gujarati News

જન્મ અને મરણ એકબીજાનાં પૂરક છે

આ જગતમાં જે માનવી જનમ ધારણ કરે છે તેનું મરણ નિશ્ચીત જ હોય છે. કોઈ પણ જીવ અમરપટો લઈને જન્મતું નથી. બાળકનો જન્મ થતાં પેંડા અને બાલિકાનો જન્મ થતાં બરફી વહેંચવામાં આવે છે તથા ઘરના પરિવારનાં સભ્યો હર્ષઘેલા બની જાય અને લોકો અભિનંદન રૂપી વરસાદ વરસાવે છે.

આવે જીવ એકલો આ જગમાં અને જશે પણ એકલો રે,
આવે ન કોઈ સાથે, પણ આવે સાથે ફક્ત કીધા કર્મો
કાલે શું થવાનું છે આ જગમાં ખબર નથી તેની કોઈને
આવશે મોત ક્યારે અને કેવી રીતે? નથી ખબર કોઈને
તો જીવી લે તું સારી રીતે, જેથી યાદ કરે લોકો તુજ પછી,
વિતાવી દે જીવન તારું મહેકભર્યું, જેથી ભૂલે ન કદી તુજને કોઈ

જીવન જીવવા ભગવાને માનવીને બક્ષીસ રૂપે શરીર આપ્યું છે જેમાં આત્માનો વાસ હોવાથી શરીરમાં ચેતન હોય છે તથા કર્માનુસાર આત્માનો વિલય થવાથી માનવી મોતને ભેટે છે. સમય કદી થોભતો નથી. બનવા કાળે બનવાનું છે તે બનીને રહેશે. પાંચમની છઠ્ઠ કદી થતી નથી.

જનમ પછી મરણનો ક્રમ સમયની સાથે સાથે ચાલતો જ રહે છે. જેથી જેટલું જીવીએ તેટલું સારી રીતે. શાંતિમય, પ્રેમથી તથા આદરભાવથી હસતા હસતા જીવન વીતાવવાથી મરી ગયા બાદ પણ લોકો તેને યાદ રાખે છે તથા તેઓને તેની ખોટ સાલે છે. જ્યાં સુધી શરીરમાં ચેતન છે ત્યાં સુધી સત્કર્મો કે દુષ્કર્મો કરવાનું માધ્યમ બની રહે છે પરંતુ સત્કર્મો જેવા કે ધરમ ધ્યાન, પ્રભુભક્તિ તથા લોક સેવા ઉમદા કાર્યો કરવાથી જીવ ઉચ્ચ ગતિએ જઈ શકે છે.

જનમ અને મરણ એ બે શબ્દો ફક્ત ત્રણ જ અક્ષરના બનેલા હોવા છતાં બન્નેના અર્થમાં ઉત્તર-દક્ષિણ અથવા આસમાન-જમીન જેટલો ફરક રહેલો છે. જનમમાં પ્રાંરભ, સુખ તથા આનંદ છે જ્યારે મરણમાં અંત, દુઃખ તથા આક્રંદ સમાયેલા છે.
કોઈનું મરણ થતાં સ્મશાનેથી પાછા વળતાં માનવીને સ્મશાન વૈરાગ્ય આવી જાય છે. દરેક જીવનનું મરણ નિશ્ચિત જ હોય છે એવી સમજ હોવે છતાં પણ માનવી પોતાનું જીવન સ્વાર્થમયી બનાવીને જીવન ગુજારતો હોય છે.

માનવી જ્યારે ભયંકર રોગ રૂપી પંજામાં ઝડપાતા પોતાનું મોત આંખ સમક્ષ તરી આવે છે અને તે ગભરાઈ જતાં પોતાના પરિવારનાં સભ્યો પણ ઢીલા પડી જાય છે પરંતુ આવા સમયે હિંમત રાખીને પોતાનું મનોબળ મજબૂત બનાવીને દુઃખ સહન કરવું જાેઈએ.

પોતે કરેલા સારા-નરસા કાર્યોનો હિસાબ ચૂકવવો જ પડવાનો છે. સત્કર્મોના ઉદયે આવેલાં સારા પ્રસંગોને વધાવ્યા છે તેવી જ રીતે પોતે કરેલા દષ્કર્મોના ઉદયે આવેલી ખરાબ અવસ્થા હસતા મોઢે સ્વીકારવી જાેઇએ. જેથી કર્મ સાથેનો હિસાબ ચૂક્તે થઈ જશે અને ભવિષ્યમાં કર્મસત્તા તેને હેરાન પરેશાન નહિ કરે.

ગરીબ હોય કે તવંગર, બાળક હોય કે બુઝુર્ગ, સામાન્ય માનવી હોય કે મહાન, આસ્તિક હોય કે નાસ્તિક અથવા સ્ત્રી હોય કે પુરુષ બધા લોકોને પોતાના કરેલાં ખરાબ કર્મો છોડતા નથી. આમાથી કોઈ પણ બાકાત રહી શકતો નથી. કર્મોના ઉદયથી આવતું દુઃખ, હતાશ અને દુઃખી થયા વગર સમભાવે સહન કરવું જાેઈએ અને કર્મોની ર્નિજરા કરવાથી કર્મો છૂટે છે.

જનમ પછી મરણ આ કર્મ કોઈ પણ જીવને લાગુ પડે છે. તેમાથી કોઈ પણ છૂટી શકતું નથી તીર્થંકરો પણ આમાથી છૂટી શક્યા નથી. તેઓને પણ પોતાના કર્મ ખપાવવા જ પડ્યા છે.

આવતો ભવ સુધારવા આ ભવમાં સત્કર્મ એ એક ઊંડો તથા મજબૂત પાયો બનીને મહત્વનો ભાગ ભજવે છે. આજના કરેલા સત્કર્મોથી આવતો ભવ સુધારવાથી તેને ભવિષ્યમાં પરમ શાંતિ મળે છે તથા આવી પડતા દુઃખમાંથી રાહત મળતા સરળતાથી પોતાનું જીવન જીવી શકે છે.

બધા લોકો સમજતા હોવા છતાં કે આજ નહિ તો કાલ અને કાલ નહિ તો ૭૦ થી ૮૦ વર્ષની આવરદા પૂરી થતાં અથવા તો પહેલા પણ પોતાનું મોત નિશ્ચિત જ છે તે છતાં લોકો નચિંતે પાપોના ભાગીદાર બની રહે છે. અને મોતની અમુક ઘડી પહેલા જ ઇશ્વરને યાદ કરે છે.

માનવી જાે આજથી જ ચેતી જાય તો દુષ્કર્મ આચરતા પહેલાં હજારવાર વિચાર કરશે તથા ભવિષ્યમાં આવી પડતા થુઃખમાથી બચી શકશે… જીવન દરમિયાન માનવી કેટલું નહિ પરંતુ કેવું જીવ્યા તેનું મહત્વ ગણીને પોતાની જિંદગી વીતાવવી જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.