Western Times News

Gujarati News

2001ના ભૂકંપના દિવસે અંજારમાં રેલીમાં જતા 185 બાળકોની યાદમાં બન્યું, ‘વીર બાળક સ્મારક’

કચ્છના અંજારમાં ‘વીર બાળક સ્મારક’નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે-તેમની યાદમાં વીર બાળક સ્મારકનું નિર્માણ, લોકાર્પણ સમયે પરિવારજનો હાજર રહેશે

૨૬ જાન્યુઆરી ૨૦૦૧માં આવેલા ભૂકંપના લીધે કચ્છના અંજાર શહેરમાં શાળાના 185 બાળકો અને 20 શિક્ષકો એક રેલીમાં જઇ રહ્યા હતાં ત્યારે આસપાસની ઇમારતોના કાટમાળ નીચે દટાઇ જવાથી મૃત્યુ પામ્યા હતાં. આ ઘટનાની કરૂણતાની નોંધ સમગ્ર વિશ્વમાં છવાઇ હતી.

તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, આ બાળકોની સ્મૃતિમાં આ સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી. હવે આ સ્મારક અંજાર શહેરની બહાર તૈયાર થઇ ગયું છે અને ૨૮ ઓગસ્ટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ સ્મારકના નિર્માણકાર્યને આખરી ઓપ આપવામાં આવ્યો છે.  લોકાર્પણ પ્રસંગે દિવંગતોના પરિવારના ૧૦૦ સભ્યોને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

પાંચ વિભાગમાં પથરાયેલું છે બાળ મ્યૂઝિયમ

દિવંગત બાળકોને સમર્પિત આ મ્યૂઝિયમનું પાંચ વિભાગમાં નિર્માણ કરવામાં આવ્યંવ છે. પ્રથમ વિભાગમાં દિવંગતોની તસવીરો અને ભૂતકાળના સ્મરણો રજૂ કરવામાં આવ્યા છે. ત્યારબાદ વિનાશ વિભાગમાં કાટમાળ દર્શાવીને મૃત્યુ પામેલા બાળકોના સ્મૃતિચિહ્નો અને તેમની પ્રતિકૃતિ રજૂ કરાઇ છે.

ત્યાંથી આગળ જતા ભૂકંપનો અનુભવ થઇ શકે તે માટે એક વિશેષ રૂમ બનાવવામાં આવ્યો છે. અહીં સિમ્યુલેટર તેમજ પડદા પર વીડિયો સાથે ભૂકંપની અનુભૂતિ કરાવવામાં આવશે. તે સિવાય જ્ઞાન-વિજ્ઞાન વિભાગમાં ભૂકંપ આવવાની પ્રક્રિયા, વૈજ્ઞાનિક કારણો અને અન્ય જરૂરી વિગતો સમાવિષ્ટ કરવામાં આવી છે. સમાપન ગેલેરીમાં ભૂકંપના અનુભવો વિશે મુલાકાતીઓને સવાલ પૂછવામાં આવ્યા છે.

મેમોરિયલમાં બાળકોના નામ અને શ્રદ્ધાંજલિ માટે પ્રકાશપુંજ

મ્યૂઝિયમની બહાર મેમોરિયલ બનાવવામાં આવ્યું છે. અહીં ભોગ બનેલા માસૂમ બાળકો અને શિક્ષકોના નામ તેમની તસવીરો સાથે દિવાલ પર લખેલા છે. તેમને  શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં એક શક્તિશાળી પ્રકાશપુંજ બનાવવામાં આવ્યો છે, જેમાંથી નિકળતો પ્રકાશ સમગ્ર અંજાર શહેરમાં દેખાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.