Western Times News

Gujarati News

પાક.માં પૂરના કારણે હાહાકાર, ટામેટા ૫૦૦ રૂપિયા પ્રતિ કિલો

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લાહોર અને અન્ય ભાગોમાં વિનાશક પૂરના કારણે લોકોની હાલત દયનીય છે. પૂર અને વરસાદને કારણે અત્યાર સુધીમાં ૧૦૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મોંઘવારી તેની ટોચ પર છે. શાકભાજી અને ફળોના ભાવમાં જાેરદાર ઉછાળો જાેવા મળી રહ્યો છે.

રવિવારે લાહોરના બજારોમાં ટામેટાંની કિંમત ૫૦૦ રૂપિયા અને ડુંગળી ૪૦૦ રૂપિયા પ્રતિ કિલો હતી. જાે કે, રવિવારે બજારોમાં ટામેટાં અને ડુંગળી સહિત અન્ય શાકભાજી નિયમિત બજારો કરતાં ૧૦૦ રૂપિયા પ્રતિ કિલો ઓછા ભાવે ઉપલબ્ધ હતા. પાકિસ્તાનના કેટલાક ભાગોમાં ભારે પૂરને કારણે આગામી દિવસોમાં ખાદ્યપદાર્થોના ભાવમાં વધુ વધારો થવાની સંભાવના છે.

પૂરને કારણે બલૂચિસ્તાન, સિંધ અને દક્ષિણ પંજાબમાંથી શાકભાજીના પુરવઠાને ભારે અસર થઈ છે. લાહોર માર્કેટના જથ્થાબંધ વેપારી જવાદ રિઝવીએ જણાવ્યું કે ડુંગળી અને ટામેટાની કિંમત આગામી થોડા દિવસોમાં ૭૦૦ રૂપિયા પ્રતિ કિલોને પાર થઈ શકે છે.

તેવી જ રીતે બટાકાની કિંમત ૪૦ રૂપિયા પ્રતિ કિલોથી વધીને ૧૨૦ રૂપિયા થઈ ગઈ છે. દરમિયાન, પાકિસ્તાન સરકાર ભારતમાંથી ટામેટાં અને ડુંગળીની આયાત કરી શકે છે.

બજારના હોલસેલ વેપારીઓએ આ માહિતી આપી હતી. એવું જાણવા મળે છે કે સરકાર વાઘા બોર્ડર દ્વારા ભારતમાંથી ડુંગળી અને ટામેટાંની આયાત કરવાના વિકલ્પ પર વિચાર કરી રહી છે.

હાલમાં અફઘાનિસ્તાનથી લાહોર અને પંજાબના અન્ય શહેરોમાં તોરખામ બોર્ડર દ્વારા ટામેટાં અને ડુંગળીની સપ્લાય કરવામાં આવી રહી છે. લાહોર માર્કેટ કમિટીના સેક્રેટરી શહઝાદ ચીમાએ જણાવ્યું કે પૂરના કારણે બજારમાં કેપ્સિકમ જેવા શાકભાજીની પણ અછત સર્જાઈ છે.

ચીમાએ કહ્યું કે સરકાર ભારતમાંથી ડુંગળી અને ટામેટાંની આયાત કરી શકે છે. તેમણે કહ્યું કે તફ્તાન બોર્ડર (બલુચિસ્તાન) દ્વારા ઈરાનથી શાકભાજીની આયાત કરવી એટલી સરળ નથી કારણ કે ઈરાન સરકારે આયાત અને નિકાસ પર ટેક્સ વધાર્યો છે.

પાકિસ્તાનમાં અવિરત વરસાદને કારણે શાકભાજી સહિત અનેક જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે છેલ્લા સપ્તાહ દરમિયાન ૨૩ આવશ્યક ચીજવસ્તુઓ, શાકભાજી, ઇંડા, કઠોળ અને અન્ય વસ્તુઓની સરેરાશ કિંમતોમાં વધારો થયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.