Western Times News

Gujarati News

ICAI MSME યાત્રા દેશમાં 14,000 કિમીનો પ્રવાસ ખેડશે

ICAI MSME 14000km yatra

આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચ દ્વારા આઈસીએઆઈ એમએસએમઈ સેતુ અને એમએસએમઈ યાત્રા કાર્યક્રમો યોજાયા

અમદાવાદ, સ્મોલ એન્ડ મિડીયમ સ્મોલ એન્ટરપ્રાઈસીસ (એમએસએમઈ) ક્ષેત્રને વેગવંતુ બનાવવા ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા આઇસીએઆઈ એમએસએમઈ યાત્રા અને આઈસીએઆઈ એમએસએમઈ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચ દ્વારા આજે આઈસીએઆઈ એમએસએમઈ સેતુ અને આઈસીએઆઈ એમએસએમઈ યાત્રા કાર્યક્રમો યોજાયા હતાં.

આઈસીએઆઈ એમએસએમઈ યાત્રા અંગે માહિતી આપતા અમદાવાદ બ્રાન્ચના ચેરપર્સન સીએ બિશન શાહે જણાવ્યું હતું કે આઈસીએઆઈની કમિટી ઓન એમએસએમઈ એન્ટ સ્ટાર્ટઅપ તેમજ કમિટી ફોર ડેવલમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડ, સર્વિસીસ એન્ડ ડબલ્યુટીઓ દ્વારા સંયુક્તપણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સીએ બિશન શાહે વધુમાં જણાવ્યું હતું કે આઈસીએઆઈ એમએસએમઈ યાત્રાનો આરંભ તા. 18 ઓગસ્ટ, 2022થી થયો છે અને તા. 18 નવેમ્બર 2022નાં રોજ તેની પૂર્ણાહુતિ થશે. 75 દિવસનાં આ કાર્યક્રમમાં ભારતભરમાં કુલ 14,000 કિમીનો પ્રવાસ ખેડીને આઈસીએઆઈ એમએસએમઈ વાહન 75 કાર્યક્રમો કરશે. દેશનાં અર્થતંત્રને મજબૂત બનાવવા અને વેગવંતુ રાખવા એમએસએમઈ ક્ષેત્ર કરોડરજ્જુ સમાન છે. આઈસીએઆઈ દ્વારા અર્થતંત્રનાં વિકાસ માટે એમએસએમઈ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.

આઈસીએઆઈ એમએસએમઈ યાત્રાનું વાહનનું આજે અમદાવાદમાં આગમન થયું હતું. અમદાવાદ બ્રાન્ચ દ્વારા આજે આઈસીએઆઈ એમએસએમઈ સેતુ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

આઈસીએઆઈ એમએસએમઈ સેતુ કાર્યક્રમમાં અમદાવાદ બ્રાન્ચનાં ચેરમેન સીએ બિશન શાહે આ કાર્યક્રમનું હેતુ સમજાવ્યો હતો. મુખ્ય મહેમાન પદેથી પોતાના પ્રવચનમાં અમદાવાદનાં એસએસઓ આસિ. ડાયરેક્ટર, એમએસએમઈ ડીએફઓ શ્રી ટીકે સોલંકીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા એમએસએમઈ ક્ષેત્રને ઉત્તેજન આપવા ખાસ કાર્યક્રમો ઘડવામાં આવ્યા છે. જેથી નાના ઉદ્યોગકારોને સરળતા રહે અને ઝડપથી પોતાના વ્યવ્સાયનો સર્વાંગી વિકાસ સાધી શકે.

તેમણે વધુમાં જણાવ્યું કે, નાના ઉદ્યોગકારોએ mymsme એપને ડાઉનલોડ કરી લેવી જોઈએ જેનાથી તેમની રજિસ્ટ્રેશન પ્રક્રિયા સરળ અને ઝડપી બને. એમએસએમઈ ક્ષેત્રની વૃધ્ધિને નજરમાં રાખીને અમદાવાદમાં એમએસએમઈ ડેવલપમેન્ટ એન્ડ ફેલીસીટીશેન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

શ્રી ટીકે સોલંકીએ પોતાના વક્તવ્યમાં સરકાર તરફથી નાના ઉદ્યોગકારોને મળતી સબસિડી, સરળ રજિસ્ટ્રેશન તેમજ અન્ય આકર્ષક સ્કીમો અંગે રસપ્રદ જાણકારી આપી હતી.

આઈસીએઆઈ એમએસએમઈ સેતુ કાર્યક્રમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનાં ડીજીએમ-એમએસએમઈ શ્રી રાજેશ બેસખિયાએ જણાવ્યું કે ભારતનાં જીડીપીમાં એમએસએમઈનો ફાળો 28 ટકાનો છે. દેશની કુલ નિકાસમાં 40 ટકા હિસ્સો એમએસએમઈ સેક્ટરનો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ટેકનોલોજીને ઝડપથી અપનાવીને અમલમાં મુકવામાં અગ્રેસર છે અને એમએસએમઈ ઉદ્યોગકારો એ તેનો ભરપૂર લાભ લેવો જોઈએ.

આઈસીએઆઈ એમએસએમઈ સેતુ કાર્યક્રમમાં સીડબીનાં એજીએમ શ્રી અજય માથુરે જણાવ્યું હતું કે, દેશમાં 6.33 કરોડ એમએસએમઈ છે, જેમાં 93 ટકા માઈક્રો સ્મોલ કદના છે. સિડબીએ 32 વર્ષની તેની યાત્રામાં ઘણું પરિવર્તન આણ્યું છે.

શ્રી અજય માથુરે જણાવ્યું કે, ગયા વર્ષે સિડબીએ અમદાવાદમાં ત્રણ શાખાઓ ખોલી હતી. અતિ નાના કદનાં ઉદ્યોગકારો માટે સિડબીની Arise સ્કીમ અને રૂ. 7 કરોડથી રૂ. 10 કરોડનાં પ્રોજેક્ટ માટે સિડબીની સ્થાપન સ્કીમ ઘણી જાણીતી છે.

આ પ્રસંગે એનએસઆઈસીનાં મેનેજર એફ એન્ડ એ શ્રી ગોલક બિહારી દિક્ષીતે એમએસએમઈ ક્ષેત્ર માટે એનએસઆઈસીની ત્રણ મુખ્ય સ્કીમોનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એમએસએમઈ પોર્ટલ પર રજિસ્ટ્રેશન થી ટેન્ડરની પ્રક્રિયામાં ભાગ લેવો પણ નાના ઉદ્યોગકારોને સરળ પડે છે અને કોઈપણ સ્થળે એક્ઝીબીશનમાં ભાગ લઈ શકાય છે.

આઈસીએઆઈ એમએસએમઈ સેતુ કાર્યક્રમમાં એડવોકેટ શ્રી નીતિન મહેતાએ એમએસએમઈમાં કાનુની મુદ્દાઓ અંગે વિસ્તુત જાણકારી પૂરી પાડી હતી. તેમણે આર્બિટેશન એક્ટ, કોમર્શિયલ સ્યુટસ એક્ટ અને ઈન્સોલવન્સી એન્ડ બેન્ક રપ્સી એકટમાં વર્ષ 2014માં થયેલા સુધારાની જાણકારી આપી હતી.

આ સુધારાઓને કારણે લાંબા વર્ષ સુધી ચાલતા કોર્ટ કેસોની સંખ્યા ઘટશે અને નિશ્ચિત સમયમાં કાનૂની વિખવાદોનો ઉમેલ આવશે. તેમણે વ્યાવ્સાયિક કાનૂની વિખવાદોનાં કિસ્સામાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એસીએલટી)ની વધતી ઉપયોગિતા અંગે પણ જાણકારી પૂરી પાડી હતી.

આઈસીએઆઈ એમએસએમઈ સેતુ કાર્યક્રમમાં ઈન્વોઈસમાર્ટ તરફથી પણ એમએસએમઈ ઉદ્યોગકારોને બિલ ડિસ્કાઉન્ટીંગમાં મળતા લાભો અંગે જાણકારી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એનબીએફસી રત્નાફીન પણ જોડાયું હતું. આ કાર્યક્રમમાં હાજર રહેલા એમએસએમઈ ઉદ્યોગકારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આઈસીએઆઇ એમએસએમઈ સેતુ કાર્યક્રમમાં અમદાવાદ બ્રાન્ચનાં વાઈસ ચેરપર્સન સીએ (ડો.) અંજલિ ચોક્સી અને સેક્રેટરી શ્રી નીરવ અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.