Western Times News

Gujarati News

સોમનાથ મંદિરે ડિજિટલ  ડૉક્ટર-હેલ્થ પોડ મશીન દ્વારા પાંચ જ મિનિટમાં મેડીકલ રિપોર્ટ મળશે

સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રિકો હવે ડિજિટલ ડૉક્ટરની સેવાનો લાભ લઇ શકશે 

કેનેડાના મુકુંદ પુરોહિત પરિવારે માનવ કલ્યાણ-સ્વાસ્થ્ય રક્ષાના ઉદાત્ત ભાવથી  સોમનાથ ટ્રસ્ટને દાન-ભેટ રૂપે અર્પણ કર્યુ-ડિજિટલ  ડૉક્ટર (હેલ્થ પોડ) 

બોડી માસ ઇન્ડેક્ષ-બ્લડપ્રેશર-બોડી સેલ માસ-મીનરલ કન્ટેન્ટ-પ્રોટીન કન્ટેન્ટ જેવા  રિપોર્ટ ત્વરાએ ઉપલબ્ધ થશે 

પવિત્ર યાત્રાધામ અને બાર જ્યોર્તિલીંગમાંના પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન માટે આવનારા ભક્તો હવે વધુ એક નવતર સુવિધા ડિજિટલ  ડૉક્ટરનો લાભ પણ મેળવી શકશે.

સોમનાથ ટ્રસ્ટને આ હેતુસર એક અદ્યતન હેલ્થ પોડ-ડિજિટલ ડૉક્ટર મશીન કેનેડાના દાનવીર મુકુંદ પુરોહિત પરિવાર દ્વારા ભેટ આપવામાં આવ્યું છે.

આ ડિજિટલ  ડૉક્ટર-હેલ્થ પોડ મશીન દ્વારા પાંચ મિનીટથી પણ ઓછા સમયમાં ઇ.સી.જી સહિત ર૦ થી વધારે મેડીકલ રિપોર્ટ મેળવી શકાશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતીમાં દાતા શ્રી મુકુંદભાઇ પુરોહિતે આ મશીન સોમનાથ ટ્રસ્ટને અર્પણ કરતો પત્ર સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પી. કે. લહેરી, સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઇને ગાંધીનગરમાં અર્પણ કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ પુરોહિત પરિવારના આ માનવ આરોગ્ય કલ્યાણલક્ષી અભિગમની સરાહના કરી હતી.

આ હેલ્થ પોડ ડિજિટલ ડૉક્ટર મશીનની મુખ્ય ખાસિયત છે કે તે બેઠા બેઠા જ વ્યક્તિનો ઇ.સી.જી કાઢી લે છે અને તે પણ ફકત પ મિનિટથી પણ ઓછા સમયમાં સાથે સાથે આ મશીનથી બોડી માસ ઇન્ડેક્સ, બ્લડપ્રેશર, બોડી સેલ માસ, બોડી ફેટ માસ, બોડી, મીનરલ કન્ટેન્ટ, મીનરલ એન્ડ પ્રોટીન કન્ટેન્ટ, વીસકેરાલ ફટન્ડ અને બીજા અન્ય રિપોર્ટ આપે છે.

આ મશીન ટેલિમેડિસિન સાથે જોડાયેલું છે જેનાથી દર્દીનો રિપોર્ટ આવતાની સાથે જ તે પેનલ પર રહેલા એક્સપર્ટ ડૉક્ટર્સની સાથે એક ક્લિકથી વાત કરી શકે છે અને ડૉક્ટર રિપોર્ટ જોઇને દવા પ્રીસ્ક્રાઇબ કરે છે. આ મશીન સાથે જોડાયેલ ડાયેટિશિન ડૉક્ટર દર્દીનો ડાયટ ચાર્ટ બનાવી મોકલે છે.

આ મશીન દ્વારા પ્રાપ્ત થયેલ રિપોર્ટ દર્દીને તેના ઇમેઇલ પર, વોટ્સઅપ પર પણ મળે છે. ઇમેઇલ પર દર્દીના દરેક રિપોર્ટની ડિટેઇલ્સ મોકલવામાં આવે છે. આ મશીન અત્યંત આધુનિક ડિજિટલ ટેક્નોલોજીથી જોડાયેલ છે.

મશીન દ્વારા નીકળતા દરેક રિપોર્ટ ક્લિનીકલી માન્ય છે. ઓડિયો આઉટપુટ તથા વિડિઓ કોન્ફરેન્સની સુવિધા ધરાવતું મશીન જે ૪ ઇંચના થર્મલ પ્રિન્ટર, પેમેન્ટ ગેટવે સાથે જોડાયેલ છે. બાયોમેટ્રિક લોગીન, બારકોડે રીડર, સ્માર્ટકાર્ડ પેમેન્ટ અને બીજી અનેક પ્રકારની સુવિધાથી સજ્જ આ મશીન અંદાજે રૂપિયા ૧૦ લાખની કિંમત ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.