Western Times News

Gujarati News

બે અજાણ્યા શખ્સોને બચાવવા મહિલા ધસમસતા પાણીમાં કૂદી

પ્રતિકાત્મક

(એજન્સી) ભોપાલ,  ધસમસતા પાણીમાં વહી રહેલા બે અજાણ્યા શખ્સોનો જીવ બચાવવા માટે આ મહિલાએ પોતાના બાળકની પરવા પણ ના કરી અને કૂદી પડી. આ ઘટના ગુરુવારની સાંજે બની હતી. મહિલાએ પોતાના આઠ મહિનાના બાળકને કિનારા પર જમીન પર સુવડાવ્યો અને પાણીમાં કૂદી પડી હતી.

તેણે એક વ્યક્તિનો જીવ બચાવ્યો, જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયુ હતું. આ બહાદુર યુવતીનું નામ છે, રવીના. રવીના જણાવે છે કે, ત્યાં ડઝન જેટલા પુરુષો ઉભા હતા અને આ બન્નેને ડૂબતા જાેઈ રહ્યા હતા. જાે તેમાંથી એક પણ વ્યક્તિ મદદ માટે આગળ આવ્યુ હોતું તો બન્નેનો જીવ બચી શકતો હતો.

ઉલ્લેખનીય છે કે ડૂબનારા બન્ને શખ્સ વ્યવસાયે ખેડૂત હતા. મૃતકનો મૃતદેહ બીજા દિવસે મળી આવ્યો હતો. પોલીસે રવીનાની બહાદુરીના વખાણ કર્યા અને નઝીરાબાદના તેને ઈનામ પણ આપ્યું.

ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો નાઝિરાબાદના જીતેન્દ્ર અહિરવર અને રાજુ અહિરવાર નામના બે ખેડૂતો ખજુરિયા ગામમાં આવેલા જીતેન્દ્રના ખેતરમાં સોયાબીનના પાકમાં જંતુનાશક દવા છાંટવા માગે ગયા હતા. બે ગામની વચ્ચેથી એક નાળું પસાર થાય છે.

જ્યારે તેઓ ત્યાંથી નીકળી રહ્યા હતા પાણી છીછરુ હતું. સાંજના સમયે ભારે વરસાદ પડ્યો અને પાણીનો પ્રવાહ ખૂબ વધી ગયો હતો. સ્થાનિકોએ ચેતવણી આપી હોવા છતાં આ બન્ને ત્યાંથી પસાર થયા. પ્રવાહ એટલો વધારે હતો કે એ લોકો થોડા પગલાં જ આગળ વધ્યા અને તણાઈ ગયા હતા.

નજીકમાં રહેતી રવીના પોતાના બાળકને રમાડી રહી હતી. તેણે જાેયું કે બે લોકો પાણીમાં તણાઈ ગયા છે. રવીનાએ એક મિનિટનો પણ વિચાર ના કર્યો અને પોતાના દીકરાને કિનારા પર મૂકીને પાણીમાં કૂદી પડી. રવીના તરીને આગળ વધી અને જીતેન્દ્રને બચાવી શકી.

જીતેન્દ્રને સહી સલામત કિનારા પર લાવીને તે ફરી પાણીમાં કૂદી પણ ત્યારસુધી ઘણું મોડું થઈ ગયુ હતું. રાજુના ભાઈ સુરેશે પોલીસને જાણકારી આપી અને રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવામાં આવ્યું. બીજા દિવસે ૧૫ ફૂટ ઉંડે રાજૂનો મૃતદેહ મળી આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.