Western Times News

Gujarati News

સોમનાથ સમુદ્રપથ પર હનુમાનજીની ૧૬ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ

somnath samudrapath 16ft tall hanuman statue

સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અમિતભાઈ શાહ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે તેમજ મારુતિ હાટની ૨૦૨ દુકાનોનું ઉદ્ઘાટન થયું

ખાસ મેકેનિઝમ સિસ્ટમથી સોમનાથ મહાદેવને ધ્વજા રોપણ કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી-લોકસુખાકારી તેમજ જનકલ્યાણ માટે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ દેવાધિદેવ સોમનાથ મહાદેવ સમક્ષ કરી પ્રાર્થના

સોમનાથમાં મહાદેવને અર્પણ કરાતું ગંગાજળ ફિલ્ટર કરી ભક્તોને પ્રસાદ રૂપે આપવાના સોમગંગા વિતરણ સુવિધાના પવિત્ર પ્રકલ્પનો પણ પ્રારંભ કરાવતા કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી..

શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમાર સાહેબ તથા પ્રવિણભાઇ લહેરી અને સેક્રેટરી યોગેન્દ્રભાઇ દેસાઇ દ્વારા કરવામાં આવેલ હતું.

ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી તેમજ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી અમિતભાઈ શાહે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. લોકસુખાકારી તેમજ જનકલ્યાણ માટે કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રીએ પ્રાર્થના કરી હતી.

ગૃહમંત્રીશ્રીએ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા હતો, સોમેશ્વર મહાપૂજા તેમજ ધ્વજાપૂજા કરેલી હતી, આ પુજા સોમનાથ મંદિરના મુખ્ય પૂજારીશ્રી વિજયભાઇ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કરાવવામાં આવેલ હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ધ્વજારોપણ કરી ધન્યતા અનુભવી હતી.

દેશના ગૃહમંત્રી તેમજ સહકાર મંત્રી અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અમિતભાઈ શાહ દ્વારા પાઠાત્મક મહારુદ્રનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. નિત્ય મહારુદ્ર પાઠની પરંપરા શરૂ કરવામાં આવી છે. મહારૂદ્રપાઠથી સોમનાથ મંદિર સતત ગુંજતુ રહેશે. જેના થકી સોમનાથ મંદિર પરિસરના અતિ પવિત્ર વાતાવરણની દિવ્યતામાં વધુ વધારો થયો છે.

શુક્લ યજુર્વેદી અષ્ટાધ્યાયી રુદ્રી ના 11 આવર્તન થી 1 લધુરુદ્ર, અને લઘુરુદ્ર ના 11 આવર્તન થી 1 મહારુદ્ર સંપન્ન થાય છે. સોમનાથ મંદિર પરિસરમાં આજથી દૈનિક રીતે અષ્ટાધ્યાયી રૂદ્રીના 121 આવર્તન દ્વારા પાઠાત્મક મહારુદ્ર કરવામાં આવશે. શાસ્ત્રો અનુસાર સોમનાથ મંદિરે દર્શનાર્થે આવતા યાત્રિકો અષ્ટાધ્યાયી રૂદ્રીના શ્રવણ માત્રથી પુણ્યના અધિકારી બનશે.

શિવ ઉપાસનાના આ ઉત્તમ માધ્યમમાં ભક્તો પણ ભાગ લઈ શકે છે. તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા 200 રૂપિયાની ન્યોછાવર રાશિ દ્વારા અષ્ટાધ્યાય રૂદ્રી પાઠ પૂજા કરાવવાની સુવિધા ઓનલાઇન તેમજ ઓફલાઇન ઉપલબ્ધ છે.

“रुतम् नाशयति इति रुद्रः ।”

એટલે કે ભગવાન રુદ્ર /શિવ દુ:ખનો નાશ કરનાર, પાપો માંથી મુક્ત કરનાર અને જ્ઞાનની વૃદ્ધિ કરનાર છે.

જ્યારે રુદ્ર શબ્દનો ઉચ્ચાર કરીને આટલી પુણ્ય પ્રાપ્તિ થાય છે, ત્યારે સોમનાથમાં રુદ્રી ના દરરોજ હજારો શ્લોકોના ઉચ્ચારણ થી મહારુદ્રનો પાઠ કરી સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વના કલ્યાણની પ્રાર્થના કરવામાં આવશે.

સોમનાથ ટ્રસ્ટ ઘણા સમયથી સોશ્યલ મીડિયા અને ઈન્ટરનેટ દ્વારા ભક્તોને સોમનાથ મહાદેવના દર્શન કરાવે છે. આ સુવિધામાં એક ડગલું આગળ વધીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા નવી અપડેટેડ વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી સોમનાથના ટ્રસ્ટી અને માર્ગદર્શક શ્રી અમિત ભાઈ શાહજી એ તેમના કર કમલો થી સોમનાથની અપડેટ કરેલી વેબસાઈટ લોંચ કરી હતી.

પહેલા આ વેબસાઈટથી ભક્તો ઘરે બેઠા સોમનાથ મહાદેવના LIVE દર્શન નિહાળી શકતા હતા પણ હવે દર્શનની સાથે-સાથે ભકતો ઘરે બેઠા સોમનાથ મહાદેવની પૂજા નોંધાવી શકશે. સોમનાથજી ની સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા,બિલ્વ પૂજા,મહામૃત્યુંજય જાપ,રુદ્રાભિષેક સહિતની અનેકવિધ પૂજા માટે ઓનલાઇન બુકિંગ ની સુવિધા ભકતોની યાત્રા અને આયોજન ને વધુ સરળ અને સુચારુ બનાવશે.

આ વેબસાઇટમાં ઓનલાઇન પ્રસાદની સુવિધાનો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાયો છે. ભક્તો ઘરેબેઠા સોમનાથ જીનો પ્રસાદ મંગાવી પણ શકશે તેમજ સગા સબંધીને મોકલી પણ શકશે, જેમાં  લાડુ,ચિક્કી,સિંગપાક, ઓનલાઈન ઓર્ડર કરી શકાશે એટલુ જ નહિ સોમનાથમાં પૂજા કરાયેલા 10 અને 20 ગ્રામનાં ચાંદીના સિક્કા, સોમનાથ મહાદેવને શૃંગાર કરાયેલા વસ્ત્રો, માતા પાર્વતીને અર્પણ કરાયેલ સાડી, મંદિરમાં આરોહણ કરાયેલા ધ્વજાજી પણ વસ્ત્ર પ્રસાદી સ્વરૂપે ઓનલાઇન ઓર્ડર કરી શકાશે.

સાથેજ સોમનાથ ટ્રસ્ટનાં ગેસ્ટહાઉસમાં રાત્રિ રોકાણ કરવા ઇચ્છતા ભક્તોને આ વેબસાઇટ દ્વારા રુમ બુક કરવાની સુવિધા પણ મળશે. નિશુલ્ક ભોજન સેવા, ગૌ સેવા, સહિતના સોમનાથ ટ્રસ્ટ ના સેવા કાર્યોમાં સહભાગી થવા ભકતો આ વેબસાઇટ પરથી ઓનલાઈન ડોનેશન પણ આપી શકશે.

સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટમાં ઉમેરાયેલા આ નવા વિકલ્પો દેશ-વિદેશના ભક્તોને સોમનાથ મહાદેવના સાનિધ્ય સાથે જોડતો આસ્થાનો આધુનિક સુવિધા સેતુ બનશે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તિ, પર્યાવરણ પ્રેમ અને આધુનિકતાના ત્રિવેણી સંગમથી ઉત્પન્ન થયેલી  સોમગંગા વિતરણ સેવાનું કેન્દ્રીય ગૃહ મંત્રી અને સોમનાથના માનનીય ટ્રસ્ટી શ્રી અમિતભાઈ શાહ દ્વારા ઉદ્ઘાટન કરાયુ હતું. સોમનાથ મહાદેવને ચઢાવવામાં આવતા પવિત્ર જળને હવે આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ પ્રમાણે એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા શુદ્ધ કરવામાં આવશે અને પવિત્ર શુદ્ધિકરણ કરી યાત્રિકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સોમનાથજીના શુદ્ધ કરેલા ચરણામૃતને ભક્તો ખાસ તિથિઓ અને પ્રસંગોએ તેમના ઘર, ધંધા વગેરે સ્થળોએ પવિત્રતા અને શુદ્ધિકરણ કરવા માટે, માર્જન કરવા માટે  સાથે લઈ જઈ શકશે. કહેવાય છે કે સોમગંગા જળના માર્જન થી આધિઓનો નાશ થાય છે, તો પછી વ્યાધિઓનું તો કહેવું જ શું

સાથે જ શિવજીના ગણ અને શિવજી ના નીરાજન પર પહેલા અધિકાર પ્રાપ્ત કરનાર શ્રીચંડદેવની મૂર્તિનું પણ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા પુજન કરવામાં આવ્યું હતું.

 

શ્રી મારુતિ હાટ તથા શ્રી હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ

ભારત સરકારની પ્રસાદ યોજના અંતર્ગત નિર્માણ થયેલ સમુદ્ર દર્શન પથની બાજુમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તેવા શુભ આશયથી રૂપિયા ૦૧ કરોડ ૮૦ લાખ ના ખર્ચે શ્રી મારુતિ નું હાટનિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ૧૦x૧૦ ફૂટની ૨0૨ દુકાનો બનાવી સ્થાનિક હોકર્સને ફાળવવામાં આવેલ છે.

આ દુકાનો હોકર્સને મળવાથી ૨૦૨ પરિવારોને રોજગારી મળી છે. વર્ષ દરમિયાન સમુદ્ર દર્શન પથ વોકવે પર ૧૬ લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. આ બીચ પર શ્રી હનુમાનજીની ૧૬ ફૂટની પ્રતિમા ટ્રસ્ટ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. બીચ પર આવતા સહેલાણીઓ આ પ્રતિમા સાથે સેલ્ફી લઈ શકશે અને આ પ્રતિમા સોમનાથના બીચની ભવ્ય ઓળખ બનશે.

શ્રી અમીતભાઇ શાહના સોમનાથ પ્રવાસ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ડોલરભાઈ કોટેચા, જશાભાઈ બારડ, ગોવિંદભાઈ પરમાર, રાજશીભાઈ જોટવા, ઝવેરીભાઇ ઠકરાર, માનસિંહભાઈ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજા,વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ પિયૂષભાઇ ફોફંડી, શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે.ડી.પરમાર, શ્રી પી.કે લહેરી, સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઈ, જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.