Western Times News

Gujarati News

ગ્રીન શિપ રિસાયક્લિંગનું હબ બનવા માટે ગુજરાત પાસે પૂરતું પોટેન્શીયલ છે : મુખ્યમંત્રી

વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતમાં ગ્રીન શિપ રિસાયક્લિંગ ક્ષેત્રે નવા સ્ટાર્ન્ડડ સેટ કરવાની નેમ 

કેન્દ્ર સરકારના શિપીંગ-પોર્ટસ-વોટર વેઝ મંત્રાલય-ગુજરાત મેરિટાઇમ બોર્ડ-ફિક્કી દ્વારા સહઆયોજિત ઇન્ટરનેશનલ સેમિનાર ઓન શિપ રિસાયક્લિંગ એન્ડ વ્હીકલ સ્ક્રેપ પોલિસીનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી  

ગુજરાત પોર્ટ લેડ ડેવલપમેન્ટની રાહે આગળ વધ્યું છે  -રાજ્યના નોન મેજર પોર્ટસ પરથી ર૦ર૧-રરમાં ૪૦પ મિલીયન મેટ્રીક ટન કાર્ગો પરિવહન થયું -સેઇફ એન્ડ સસ્ટેઇનેબલ શિપ રિસાયક્લિંગ માટે ગુજરાત મેરિટાઇમ બોર્ડ મહત્વની ભૂમિકા માટે સજ્જ  કેન્દ્રીય મંત્રીશ્રી 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગ્રીન શિપ રિસાયક્લિંગનું હબ બનવા માટે ગુજરાત પાસે પૂરતું પોટેન્શ્યલ છે. ગ્રીન શિપ રિસાયક્લિંગ ક્ષેત્રે નવા સ્ટાર્ન્ડડ સેટ કરવાની ગુજરાતની નેમ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરમાં શિપ રિસાયક્લિંગ એન્ડ વ્હીકલ સ્ક્રેપ પોલિસી અંગેના ઇન્ટરનેશનલ સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરી રહ્યા હતા.

ભારત સરકારના શિપીંગ, પોર્ટસ-વોટર વેઝ મંત્રાલય તેમજ ગુજરાત મેરિટાઇમ બોર્ડ અને ફેડરેશન ઓફ ઇન્ડીયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આ દ્વિદિવસીય ઇન્ટરનેશનલ સેમિનાર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાઇ રહ્યો છે.

ભારત સરકારના શીપીંગ, પોર્ટસ, વોટરવેઝ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ તથા રાજ્યના શિક્ષણ સાયન્સ ટેક્નોલોજી મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી તથા નોર્વે અને ડેન્માર્ક રાષ્ટ્રો સહિત ભારતના વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ આ ઇન્ટરનેશનલ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું કે, દેશનો સૌથી લાંબો ૧૬૦૦ કિ.મીટરનો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે. એટલું જ નહિ, મેરિટાઇમ સેક્ટરમાં પ્રાચિન કાળથી વર્તમાન સુધીનો ગુજરાતનો ઉજ્જવળ અને સુદીર્ધ ઇતિહાસ છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત પોર્ટ લેડ ડેવલપમેન્ટની રાહે આગળ વધ્યું છે. દેશનું ૪૦ ટકાથી વધારે કાર્ગો ગુજરાતના બંદરોએથી સંચાલિત કરવામાં આવે છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. ૧ મેજર તથા ૪૮ નોન મેજર પોર્ટસ ધરાવતા ગુજરાતના નોન મેજર પોર્ટસ પરથી ર૧-રર ના વર્ષમાં ૪૦પ મિલીયન મેટ્રીક ટન કાર્ગો પરિવહન થયું છે તેનો પણ મુખ્યમંત્રીશ્રીએ ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો.

શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સુગ્રથિત ઇન્ફ્રાસ્ટ્રકચર અને કનેક્ટીવીટીના પરિણામે લીડસ ઇન્ડેક્ષમાં ત્રણ વર્ષથી ગુજરાત પ્રથમ રહ્યું છે.

આ ઉપરાંત પી.એમ ગતિશક્તિ માસ્ટર પ્લાનમાં પણ ગુજરાત ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યું છે. દેશના ગ્રોથ એન્જીન એવા ગુજરાતમાં શિપ રિસાયક્લિંગ ઉદ્યોગોને વિકસવાનો પૂરો અવકાશ મળી રહે તેમ છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પહેલાં શિપ બ્રેકીંગનો જમાનો હતો હવે શીપ-રિસાયક્લિંગ અને ગ્રીન શિપ રિસાયક્લિંગનો સમય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આને સુસંગત શિપ રિસાયક્લિંગ  એકટ-ર૦૧૯ ઘડીને દેશમાં ગ્રીન શિપ રિસાયક્લિંગ ઉદ્યોગના દ્વાર ખોલી આપ્યા છે એમ તેમણે ઉમેર્યુ હતું.

શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, જેમ શિપ-બ્રેકીંગ, રિસાયક્લિંગ ક્ષેત્રે ગુજરાતના અલંગનો દબદબો છે તેવી જ રીતે ગ્રીન શિપ રિસાયક્લિંગમાં પણ અલંગ અગ્રેસર રહેશે.

શિપમાંથી નીકળતા જોખમી તથા બિનજોખમી વેસ્ટ પર્યાવરણ, માનવ સ્વાસ્થ્ય અને દરિયાઇ જીવ સૃષ્ટિને નુકશાન કરી શકે છે. આવા નુકશાનને અટકાવવા તથા સેફ એન્ડ સસ્ટેઇનેબલ શિપ રિસાયક્લિંગ માટે ગુજરાત મેરિટાઇમ બોર્ડ મહત્વની ભૂમિકા નિભાવવા સજ્જ છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે અલંગને ઊંચા દરજ્જાનું ગ્રીન શિપ રિસાયક્લિંગ સેન્ટર બનાવવા કમર કસી છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીને દેશ અમૃતકાળમાં પ્રવેશ્યો છે. આ અમૃતકાળ ભારતના શિપ રિસાયક્લિંગ અને વ્હીકલ સ્ક્રેપીંગ ઉદ્યોગોના વિકાસનો અમૃતકાળ બનશે અને આ ઇન્ટરનેશનલ સેમિનાર તેમાં ઉદ્દીપક બની રહેશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો.

કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ

કેન્દ્રીય વહાણવટા મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે આ ગ્રીન શિપ રીસાયકલીંગ એન્ડ વેહીકલ સ્ક્રેપીગ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ભારતે વિશ્વમાં આગવી ઓળખ ઉભી કરી છે ત્યારે આપણે સૌ દેશવાસીઓ ટીમ ઈન્ડીયા બનીને સહિયારા પ્રયાસો કરશું તો ચોકકસ ભારત સર્વશ્રેષ્ઠ બનશે.

કેન્દ્રીય વહાણવટા મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે એ ગ્રીન શિપ રીસાયકલીંગ એન્ડ વેહીકલ સ્ક્રેપીગ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સના આયોજન માટે ટીમ ગુજરાતને અભિનંદન આપતા કહ્યું કે, ગુજરાત ૧૬૦૦ કિ.મી દરિયા કિનારા સાથે વ્યવસાયિક ક્ષેત્રે ભારતનો ગેટ-વે છે અને ગુજરાત હવે વિશ્વનું પસંદ કરેલ દરિયાઇ સ્થળોમાંનું એક છે. તે ૪૦ ટકા ભારતના કાર્ગોથી વધુ સંભાળે છે અને પોર્ટ ક્ષેત્રના ખાનગીકરણ માટે ભારતમાં પ્રથમ સ્થાને છે. ગુજરાત બધા મુખ્ય પોર્ટ-આધારિત વેપાર માર્ગો અને વિશ્વના મુખ્ય વેપાર કેન્દ્રોને બહેતર રોડ, રેલ અને એર કનેક્ટિવિટી સાથે સારી રીતે જોડાયેલું છે, આમ વિશાળ આંતરરાષ્ટ્રીય વેપાર તકો પ્રદાન કરે છે.

તેમણે કહ્યું કે, ભારતના પશ્ચિમ કિનારે તેના વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાનના આધારે, પ્રોએક્ટિવ પોલિસીઝ અને પહેલ તેમજ મજબૂત ઔદ્યોગિક અને સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે ગુજરાત ભારતની દરિયાઇ સફળતાની વાર્તાના ધ્વજ ધારક તરીકે ઉભરી આવ્યું છે.

તેમણે ઉમેર્યું કે, સાગરમાલા પ્રોજેકટ એ પોર્ટ્સ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયનો ફ્લેગશિપ કાર્યક્રમ છે. છેલ્લા સાત વર્ષમાં સાગરમાલા પ્રોજેકટ હેઠળ અનેક નવીન પહેલ કેન્દ્ર સરકારે હાથ ધરી છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિકીકરણ દ્વારા પોર્ટ્સની ક્ષમતા વધારવા અને પોર્ટ્સની કનેક્ટિવિટીમાં વધારો કરવા માટે બંદરોની એકંદર ઓપરેશનલ ખર્ચ ઘટાડવા,વાહનો માટે ટર્ન અરાઉન્ડ સમય ઘટાડવા, કાર્યક્ષમતા અને થ્રુપુટને ઘટાડવામાં મદદ મળી છે મોટા જહાજોને હેન્ડલ કરવાની ક્ષમતા, અને દક્ષિણ એશિયાના પ્રદેશમાં ભારતીય બંદરોના વ્યૂહાત્મક મહત્વ વિકસાવવાની ક્ષમતા જેવા પગલાંઓને પરિણામે વર્ષ ૨૦૨૧-૨૨માં ૪૦૦ અબજ ડોલરની માલ નિકાસ સાથે રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે.

સાગરમાલા પ્રોજેકટ હેઠળ ગુજરાતમાં સમૃદ્ધ દરિયાઇ ક્ષેત્રના વિકાસ માટે અનેરૂ પ્રોત્સાહન આપ્યું છે જેમાં પોર્ટ આધુનિકીકરણ, રેલ, રોડ, ક્રુઝ ટુરિઝમ, રો-રો અને પેસેન્જર જેટીઝ, મત્સ્યઉદ્યોગ, તટવર્તી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૌશલ્ય વિકાસ, વગેરે જેવી વિવિધ કેટેગરીઝ હેઠળ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજયમાં રૂ. ૫૭,૦૦૦ કરોડના ૭૪ પ્રોજેક્ટ્સ કાર્યરત છે જેમાંથી રૂ. ૯૦૦૦ કરોડના ૧૫ પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ગયા છે. રૂ. ૨૫,૦૦૦ કરોડના ૩૩ પ્રોજેકટ અમલીકરણ હેઠળ છે અને રૂ. ૨૨,૭૦૦ કરોડના ૨૬ પ્રોજેક્ટ્સ વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે.

મંત્રીશ્રી સોનોવાલે કહ્યું હતું કે,દરિયાઇ ભારત વિઝન ૨૦૩૦ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાતે ઘોઘા-હઝીરા વચ્ચેની રોપેક્ષ સર્વીસની સેવાઓ શરૂ કરી દીધી છે જેના પરિણામે પૂર્વ અને પશ્ચિમ બાજુના વચ્ચેનું અંતર ઘટ્યું છે. ખંભાત-પીપાવાવ અને દ્વારકા વચ્ચે રો પેક્સ સુવિધા માટેના કામ મંજૂર કરવામાં આવ્યું છે જેના પરિણામે નાગરિકોના સમયની સાથે ઈંધણની બચત થશે અને પર્યાવરણના જતન સાથે પરિવહનની ઉત્તમ સેવાઓ ઉપલબ્ધ બનશે તેમ  તેમણે ઉમેર્યું હતું.

તેમણે ઉમેર્યું કે, સાગરમાલા પ્રોગ્રામ હેઠળ, તટવર્તી પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે, નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ કૉમ્પ્લેક્સ લોથલ પર ૫૦૦૦ વર્ષીય મેરિટાઇમ હેરિટેજનું પ્રદર્શનનું નિર્માણ કરાશે. ગુજરાત રાજ્યમાં આઇકોનિક સ્થળોને કનેક્ટ કરવા માટે વધુ સીપ્લેન સેવાઓ પણ અમલમાં આવી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું

મંત્રીશ્રીએ કહ્યું કે, ભારત શિપ બ્રેકીંગ અને રિસાયક્લિંગ માટે શ્રેષ્ઠ સ્થળ છે. ગુજરાતમાં શિપ રિસાયક્લિંગની કામગીરી ૧૯૮૩ થી  એલાંગ-સોસિયામાં શરૂ થઈ છે. ૧૦ કિ.મી. તટવર્તી દરિયા કિનારા પર ૧૫૩ પ્લોટ પર દર વર્ષે ૨૦૦ થી વધુ જહાજોનું રિસાયક્લિંગ કરીને દર વર્ષે ૩.૫ મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કુદરતી સંસાધનોને નુકસાન કર્યા વગર કરે છે. શિપ રિસાયક્લિંગ ઉદ્યોગ આશરે ૧૫૦૦૦ વ્યક્તિઓને સીધા અને લગભગ ૧.૫ લાખ વ્યક્તિઓને રોજગારી આપે છે. યાર્ડની ક્ષમતાને બમણી કરવાની સૂચિત વિસ્તરણ યોજના સાથે, રોજગારની તકો પણ બમણી થઈ જશે, જે સમગ્ર પ્રદેશમાં વધુ આર્થિક સમૃદ્ધિ લાવશે.

તેમણે ઉમેર્યું કે, શિપીંગ ક્ષેત્રના સર્વાગી વિકાસ માટેની રાજય સરકારની હકારાત્મક નીતિઓને પરિણામે ગુજરાતમાં એક પ્રાદેશિક ટ્રાંસપ્શીપમેન્ટ ટર્મિનલ પણ વિકસિત થઈ શકે છે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. હબ અને સ્પૉક મોડેલને સેવા આપવા માટે પ્રાદેશિક દેશોના સહકાર સાથે આ વિકાસ થઈ શકે છે.

તેમણે ઉમેર્યું કે, ચબહર બંદર પડોશમાં ભારતના દરિયાઇ સહકારને દર્શાવવા માટે એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે. ભારતના ખાનગી ક્ષેત્રે મેરિટાઇમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેની ક્ષમતા દર્શાવી છે, જે અન્ય દેશોમાં આ ક્ષેત્રમાં રોકાણની સુવિધા દ્વારા વધુને દૂર કરી શકાય છે.

શિપિંગના ડાયરેકટર જનરલ શ્રી અમિતાભકુમારે કહ્યુ હતું કે, જો શિપિંગ નહીં હોય તો અડધું વિશ્વ ફ્રીઝ થઈ જશે. ગ્લોબલ સપ્લાય ચેઇનને મેઇન્ટટેઇન કરવા માટે વિશ્વને શિપ્સની જરૂર છે. ભારતમાં પણ લગભગ ૯૫ ટકા જેટલો વ્યાપાર શિપિંગ (વહાણો) દ્વારા થતો હોય છે. દરિયાના મોજાઓ ક્યારેય થાકતા નથી, તે સતત વહાણો પર અથડાયા કરતા હોય છે, અને તેનો અર્થ એ છે કે આ વહાણોને સતત રાઉન્ડ ધ ક્લોક જાણવણી અને નિયમિત રિપેરિંગની જરૂર પડે છે એટલે જ જરૂરી છે કે વહાણોનું સમયસર એસેસમેન્ટ કરવામાં આવે છે અને દરિયાના મોજાથી તેની મજબૂતીને થતા નુકસાનનું સમયાંતરે એનાલિસિસ કરવામાં આવે, કારણકે, દરરોજની મુસાફરી ખેડતા વહાણોને થયેલા નુકસાનની આકારણીની ન થાય તો એવા વહાણોમાં ભવિષ્યની દરિયાઇ સફર કરવી સુરક્ષિત નથી.

તેમણે કહ્યું હતુ કે, ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન, જે યુનાઇટેડ નેશન્સની સ્પેશિયલાઇઝ્ડ ઇન્ટરનેશનલ રેગ્યુલેટરી એજન્સી છે, તેણે વહાણોને રેગ્યુલેટ કરવા માટે વહાણોના નિર્માણથી માંડીને તેમના ડિસ્ટ્રક્શન સુધીના સ્ટેજ માટે પર્યાવરણીય રીતે સસ્ટેનેબલ હોય તેવા મલ્ટિપલ કન્વેસન્શન્સ ડેવલપ કર્યા છે. IMO કન્વેન્શન્સના સખ્ત અમલીકરણ માટેનો ભારતનો ઘણો લાંબો ઇતિહાસ રહ્યો છે. એ વાતમાં કોઈ નવાઇ નથી કે ૨૮ નવેમ્બર,૨૦૧૯ના રોજ હોંગકોંગ કન્વેન્શનને બહાલી આપવા માટે ભારત સૌથી મોટો શિપ રિસાયકલિંગ દેશ બન્યો અને ૧૩ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ રિસાયકલિંગ ઑફ શિપ્સ ઍક્ટ લાગુ કર્યો. હોંગકોંગ કન્વેન્શન હેઠળની એક્ઝમ્પ્ટેડ કેટેગરી અંતર્ગત આવતા વહાણોને ભારતીય કાયદાના દાયરામાં પણ રાખવામાં આવ્યા છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે આ વહાણો સુરક્ષિત છે અને તેનું રિસાયકલિંગ પર્યાવરણને અનુકૂળ છે.

તેમણે કહ્યું કે, હોંગકોંગ સંમેલનના નિયમનકારી માળખાની સ્થાપના એ પોતાનામાં એક પડકાર છે કારણ કે તેને દેશની વિવિધ નિયમનકારી એજન્સીઓ વચ્ચે સંકલનની જરૂર છે. યુરોપિયન યુનિયન દ્વારા નિર્ધારિત વધુ પ્રિસ્ક્રિપ્ટિવ ધોરણો અને બિન OECD દેશો માટે ૨૦૧૯ બેઝલ બેન એમેન્ડમેન્ટ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે આ પડકાર આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ જટિલ બન્યો છે. ભારતે સકારાત્મક અભિગમ અપનાવ્યો છે અને તેના રાષ્ટ્રીય કાયદામાં EUSSR ૧૨૫૭ની જરૂરિયાતને અપનાવી છે જેથી ભારતના શિપ રિસાયકલર્સને EU ની શિપ મંજૂર રિસાયક્લિનિંગ સુવિધાઓની સૂચિ હેઠળ સૂચિબદ્ધ કરવામાં સક્ષમ બનાવવામાં આવે. ભારત યુરોપિયન માલિકીના જહાજોમાં શિપ રિસાયક્લિંગમાં ઊંડો રસ વ્યક્ત કર્યો છે. આજના આ અવસરે આપણે સૌએ આ સમસ્યાને ઉકેલવા માટે આગેવાની લેવાની જરૂર છે તેમ તેમણે ઉમેર્યું હતું.

બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસે કોન્ફરન્સ વિશે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત એ ભારતના વિકાસનું ગ્રોથ એન્જિન છે. છેલ્લાં દસ વર્ષથી ગુજરાતનો જીડીપી ૭.૫ થી ૮.૫ ટકા વચ્ચે રહ્યો છે તે રાજ્યનો સર્વાંગી વિકાસ દર્શાવે છે. ભારતને પાંચ ટ્રિલીયન ડોલરની ઇકોનોમી બનાવવાના વડાપ્રધાનશ્રીના સ્વપ્નને પૂર્ણ કરવામાં ગુજરાત ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ અને નિકાસમાં અગ્રેસર છે. ભારતમાં સૌથી વધુ ૧૬૦૦ કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે જે સમગ્ર દેશનો ૨૧ ટકા થાય છે.

તેમણે કહ્યું હતું કે ગુજરાત વર્ષોથી વિશ્વના દેશો સાથે દરિયાઈ વેપાર કરતું આવ્યું છે. સુરતનો ચૌર્યાંશી તાલુકો જે વિશ્વના ૮૪ દેશો સાથે સમુદ્રી વેપારના માધ્યમથી જોડાયેલો હતો જે તેનું ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતમાં અત્યારે ૪૮ નાના અને ૧ મોટું બંદર કાર્યરત છે.

આગામી સમયમાં છારા અને જાફરાબાદને ગ્રીનફિલ્ડ બંદરો તરીકે વિકસાવવામાં આવશે. ભારતમાં સૌપ્રથમ વર્ષ ૧૯૮૨માં સ્વાયત મેરી ટાઈમ બોર્ડની સ્થાપના ગુજરાતમાં કરવામાં આવી હતી. ગુજરાતમાં આજે કેમિકલ પોર્ટ, કન્ટેનર પોર્ટ, અલંગ રિસાયક્લિંગ પોર્ટ જ્યારે આગામી સમયમાં પ્રથમ સીએનજી પોર્ટ પણ બનવા જઈ રહ્યું છે.

શ્રી દાસે જણાવ્યું હતું કે વર્ષ ૧૯૮૩માં ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં માત્ર ૧૦ પ્લોટ હતા જ્યારે અત્યારે ૧૩૧ પ્લોટ કાર્યરત છે. અલંગ ખાતે અત્યારે વિશ્વકક્ષાના માપદંડ અને પર્યાવરણને ધ્યાને રાખીને જહાજ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આગામી વર્ષોમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડનો બે તબક્કામાં વિકાસ કરાશે તેની વિગતો રજૂ કરી હતી. અલંગ ખાતે વૈશ્વિકકક્ષાની ગ્રીન શિપ રિસાયક્લિંગ એન્ડ વ્હીકલ્સ સ્ક્રેપિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વિશ્વમાં શિપ બ્રેકિંગનો ૩૦ ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે ત્યારે, આ ગ્રીન શિપ રિસાયકલિંગ એન્ડ વ્હિકલ સ્ક્રેપિંગ કોન્ફરન્સના આયોજનથી ગુજરાતનું અલંગ આ ક્ષેત્રે હબ બનશે એમ પણ ઉમેર્યું હતું.

ફિક્કી ગુજરાતના ચેરપર્સન શ્રી ગીતા ગોરડીયાએ સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે, ભારત એ વિશ્વના પાંચ મુખ્ય શિપ રિસાયક્લિંગ રાષ્ટ્રોમાંનું એક છે. ભારત વિશ્વની સૌથી મોટી શિપ-બ્રેકિંગ સુવિધાઓનું ઘર છે.  ભારત ૧૦ કિલોમીટરના પટમાં ૧૫૦ યાર્ડ્સ સાથે દર વર્ષે લગભગ ૬.૨ મિલિયન ગ્રોસ ટન સ્ક્રેપ – જે વૈશ્વિક સ્તરે કુલ સ્ક્રેપેજ ટનના ૩૩ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. ભારતે ૨૦૧૮ માં લગભગ પાંચ મિલિયન ગ્રોસ ટનનું સંચાલન કર્યું છે. જે આશરે એક ક્વાર્ટર જેટલો હિસ્સો છે.

શ્રી ગોરડિયાએ જણાવ્યું કે, વિશ્વનો જહાજ રિસાયક્લિંગ ઉદ્યોગ મોટાભાગે દક્ષિણ એશિયામાં કેન્દ્રિત છે. ભારત શિપ-રિસાયક્લિંગ માટે અગ્રણી બજાર છે.  અત્રે નોંધવું યોગ્ય છે કે ગુજરાતમાં અલંગ-સોસિયા શિપબ્રેકિંગ યાર્ડ દર વર્ષે ૪૫૦ થી વધુ જહાજોને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે.

ભારત હવે હોંગકોંગ સંમેલન પર હસ્તાક્ષર કરનાર રાષ્ટ્ર બનવાની સાથે, અલંગ-સોસિયામાં ૧૫૩ યાર્ડ્સમાંથી ૧૧૪ યાર્ડ HKC અનુરૂપ બની ગયા છે. દેશ હવે સુરક્ષિત, ગ્રીન અને પર્યાવરણને અનુકૂળ શિપ રિસાયક્લિંગ માટે વૈશ્વિક ધોરણોને અનુસરવા માટે તૈયાર છે.

વૈશ્વિક અગ્રણી કંપનીઓ હવે ભારતને જહાજ રિસાયક્લિંગના મુખ્ય સ્થળોમાંના એક તરીકે જોઈ રહી છે. હજુ અહીં વધુ વિકાસ સાધી રિસાયક્લિંગ ઉદ્યોગમાં એક જબરદસ્ત વૃદ્ધિની કલ્પના કરી છે. ઉપરાંત દેશની જીડીપીમાં નોંધપાત્ર યોગદાન આપી રહેલા વ્યવસાયના વિકાસને જોઈએ છીએ જે ચોક્કસપણે ૨૦૨૫ સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા અને યુવાનો માટે રોજગારની તકો ઊભી કરવા માટે ભવિષ્યનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની કલ્પના છે.

ગૌણ સ્ટીલ બજાર એ જહાજ રિસાયક્લિંગ ઉદ્યોગના અન્ય સકારાત્મક લાભાર્થી છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે,  દેશની ગૌણ સ્ટીલની લગભગ ૧૦ ટકા જરૂરિયાતો હવે ઇકો-ફ્રેન્ડલી રીતે પૂરી કરવામાં આવશે. જેના લીધે રિ-રોલિંગ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન મળશે, જે બદલામાં ફર્નિચર વ્યવસાય અને અન્ય ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગોને મદદ કરશે. પરિણામે  પરોક્ષ રોજગારને પણ વેગ મળશે અને આશરે ૧.૫ લાખ થી ૨ લાખ નોકરીઓનું સર્જન થશે.

તેમણે ઉમેર્યું કે,  ૨૦૨૪ સુધીમાં ભારતની જહાજ રિસાયક્લિંગ ક્ષમતા વધીને નવ મિલિયન ગ્રોસ ટન થી પણ વધુ થશે.  ઘણા શિપ રિસાયક્લિંગ યાર્ડ્સે EU સૂચિમાં સમાવેશ માટે અરજી કરી છે. ભારતીય યાર્ડની આ ગતિશીલ ક્રિયાઓ રિસાયક્લિંગ ઉદ્યોગમાં માર્કેટ લીડર તરીકે ભારતની સ્થિતિને વધુ મજબૂત કરવામાં ફાળો આપશે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, ૧૩મી ઓગસ્ટ ૨૦૨૧ના રોજ વડાપ્રધાનશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વૈચ્છિક ફ્લીટ આધુનિકીકરણ કાર્યક્રમ અને તેના અમલીકરણ માટે ગુજરાતને મોડેલ રાજ્ય તરીકે પસંદ કરવાથી ગુજરાત વ્હીકલ સ્ક્રેપિંગ હબ બનવા તરફ આગળ વધશે. આ કોન્ફરન્સ ગુજરાત માટે વાહન સ્ક્રેપિંગમાં પણ અગ્રેસર થવાનો માર્ગ મોકળો કરશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીના સચિવ અને ગુજરાત મેરિટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન એન્ડ CEO શ્રી અવંતિકા સિંઘ ઔલખે આભારવિધિ કરતાં જણાવ્યું હતું કે, ગ્રીન શિપ રીસાયક્લિંગ એન્ડ વ્હિકલ સ્ક્રેપિંગ અંગેની આ બેદિવસીય ઈન્ટરનેશનલ કોન્ફરન્સ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

આ કોન્ફરન્સમાં શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, બંદરો, વહાણવટા અને જળમાર્ગ મંત્રાલયના અધિક સચિવ શ્રી રાજેશકુમાર સિંહા, સંયુક્ત સચિવ શ્રી વિક્રમસિંઘ, દૂતાવાસના અધિકારીશ્રીઓ, શિપબ્રેકિંગ સાથે જોડાયેલાં ઉદ્યોગ સાહસિકો, ગુજરાત-કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ, પર્યાવરણવિદો ઉપસ્થિત રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.