Western Times News

Gujarati News

રાજ્યમાં કુલ ૪૦ નવા સ્થાયી પશુ દવાખાનાની સ્થાપના કરાશે

Files Photo

રાજ્યમાં સામાન્ય, આદિજાતિ અને અનુસુચિત જાતિ વિસ્તારમાં અનુક્રમે ૨૦, ૧૦ અને ૧૦ એમ કુલ ૪૦ નવા સ્થાયી પશુ દવાખાનાની સ્થાપના કરાશે

કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે રાજયમાં પશુઓને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ નિરંતર મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવતાં કહ્યું કે, રાજ્યમાં સામાન્ય, આદિજાતિ અને અનુસુચિત જાતિ વિસ્તારમાં અનુક્રમે ૨૦, ૧૦ અને ૧૦ એમ કુલ ૪૦ નવા સ્થાયી પશુ દવાખાનાની સ્થાપના કરાશે. જેમાં પશુચિકિત્સા અધિકારી તેમજ એટેન્ડેન્ટ અને પટાવાળાની જગ્યાઓ પણ મંજુર કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં પશુપાલનને ખેતીના પૂરક વ્યવસાય તરીકે નહિ પરંતુ એક આગવા વ્યવસાય તરીકે અપનાવવામાં આવ્યો છે. તેને કારણે પશુપાલકો પરંપરાગત પશુપાલનને બદલે સારી ઓલાદના અને વધુ દૂધ ઉત્પાદન આપતા પશુઓ રાખીને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરતા થયા છે. આ સંજોગોમાં રાજયના પશુપાલકોના પશુઓને ગુણવત્તાસભર પશુઆરોગ્ય સેવાઓ નિરંતર મળતી રહે તે અતિ આવશ્યક છે. રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૨-૨૩માં રૂપિયા ૨૪૦ લાખની બજેટ જોગવાઈ સાથે સમગ્ર રાજ્યમાં વધુ ૪૦ નવા સ્થાયી પશુદવાખાનાની સ્થાપના કરવા મંજુરી આપી છે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, હાલ રાજ્યમાં ૭૦૨ પશુ દવાખાના અને ૩૪ વેટરીનરી પોલીક્લિનીક એમ કુલ ૭૩૬ સ્થાયી પશુ સારવાર સંસ્થા કાર્યરત છે. આ ઉપરાંત રાજ્ય સરકાર સંચાલિત ૪૫ અને GVK-EMRI મારફતે પી.પી.પી. ધોરણે કાર્યરત ૪૬૦ ફરતાં પશુ દવાખાનાની સેવાઓ પણ ઉપલબ્ધ છે. તેમાં આ નવા ૪૦ સ્થાયી પશુદવાખાનાનો ઉમેરો થતાં રાજ્યના પશુપાલકોને પોતાના નજીકના સ્થળે પશુસારવાર અને સંલગ્ન તમામ સેવાઓ મળી રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.