Western Times News

Gujarati News

રેલ્વે મંત્રી દ્વારા સાબરમતી અને અમદાવાદમાં હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશનોનું નિરીક્ષણ

માનનીય કેન્દ્રીય રેલ્વે, સંચાર અને ઈલેક્ટ્રોનિક્સ તથા માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે 13મી સપ્ટેમ્બર, 2022ના રોજ સાબરમતી અને અમદાવાદ હાઈ સ્પીડ રેલ (HSR) સ્ટેશનોની સાઇટ્સની મુલાકાત લીધી હતી અને મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડની પ્રગતિની સમીક્ષા કરી હતી.

શ્રી વૈષ્ણવે ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી અને સ્ટેશન પરની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. માનનીય રેલ્વે મંત્રી શ્રી ની સાથે પશ્ચિમ રેલ્વે ના જનરલ મેનેજર (ઇન્ચાર્જ) શ્રી પ્રકાશ બુટાની, શ્રી તરૂણ જૈન, મંડળ રેલ પ્રબંધક અમદાવાદ મંડળ, વિભાગોના વડાઓ તેમજ પશ્ચિમ રેલ્વે અને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) ના વરિષ્ઠ અધિકારીઓ સાથે હતા.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરની પ્રેસ રિલીઝ મુજબ માનનીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સવારે ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા હતા અને સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓના વિવિધ પાસાઓનું નિરીક્ષણ કર્યું હતું.

ત્યાર બાદ માનનીય રેલ્વે મંત્રીએ ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી સાબરમતી સ્ટેશન સુધી ઈન્સ્પેક્શન કાર (SPIC)માં મુસાફરી કરીને ટ્રેકનું નિરીક્ષણ કર્યું હતું. રેલ્વે મંત્રીએ સાબરમતી સ્ટેશન પર વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને “વન સ્ટેશન વન પ્રોડક્ટ” સ્ટોલની પણ મુલાકાત લીધી હતી.

આ પછી શ્રી વૈષ્ણવ સાબરમતી હાઈસ્પીડ રેલ સ્ટેશનના નિર્માણ સ્થળ પર પહોંચ્યા હતા અને કામની પ્રગતિની સમીક્ષા કરી હતી. શ્રી વૈષ્ણવે પૂર્ણ થયેલ અને ચાલી રહેલા માળખાકીય કાર્યોનું નિરીક્ષણ કર્યું અને ભવિષ્યના સાબરમતી HSR સ્ટેશનનું લઘુચિત્ર મોડેલ પણ જોયું.

NHSRCL ના અધિકારીઓ દ્વારા તેમને પ્રોજેક્ટમાં થયેલા વિવિધ વિકાસ અને પ્રગતિ વિશે માહિતગાર કર્યા હતા. માનનીય રેલ્વે મંત્રીએ કામદારો સાથે વાર્તાલાપ કર્યો અને રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં તેમના પ્રયાસોની પ્રશંસા કરીને તેમનું મનોબળ વધાર્યું. બાદમાં, તેઓ ઑનવર્ડ ઇન્સ્પેક્શન કાર (SPIC)માં અમદાવાદ ગયા અને રસ્તામાં સાબરમતી અને અમદાવાદ સ્ટેશનો વચ્ચે ટ્રેકનું નિરીક્ષણ કર્યું.

અમદાવાદથી શ્રી વૈષ્ણવ અમદાવાદ હાઈ સ્પીડ રેલ (HSR) સ્ટેશનના નિર્માણ સ્થળ પર પહોંચ્યા અને ત્યાં થઈ રહેલા પાઈલીંગ કામનું નિરીક્ષણ કર્યું. શ્રી વૈષ્ણવે અમદાવાદમાં ઝૂલતા મિનારા ની પણ મુલાકાત લીધી હતી અને સ્ટ્રક્ચરની ટોચ પર જઈને વિગતવાર નિરીક્ષણ કર્યું હતું તેમજ મિનારા વચ્ચેના પુલનું નિરીક્ષણ કર્યું હતું. આ હેરિટેજ સ્ટ્રક્ચરની પુનઃસ્થાપનાનું આયોજન IIT રૂરકીના સહયોગથી અને અન્ય નિષ્ણાત એજન્સીઓના સંકલનમાં કરવામાં આવી રહ્યું છે.

શ્રી ઠાકુરે વધુમાં માહિતી આપી હતી કે શ્રી વૈષ્ણવે મીડિયાના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી અને તેમને બુલેટ ટ્રેન અને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સ્થિતિ વિશે માહિતગાર કર્યા. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે માહિતી આપતા માનનીય રેલ્વે મંત્રીએ જણાવ્યું કે, 80 કિમીથી વધુ પિયર્સ બનાવવામાં આવ્યા છે.

ડેક, વાયડક્ટ, ટ્રેક અને ઓવરહેડ સાધનોની સ્થાપનાનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. આ સાથે સ્ટેશન બનાવવાનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે સાબરમતી ટર્મિનલને મલ્ટિ-મોડલ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે  જે રેલવે, હાઇ સ્પીડ રેલવે (એચએસઆર) મેટ્રો અને બસ રેપિડ ટ્રાન્ઝિટ રૂટ (બીઆરટી)ને એકીકૃત કરશે.

તેમણે એમ પણ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનના કામ માટે રાજ્ય સરકાર તરફથી તમામ મંજૂરીઓ મળી ગઈ છે. વધુમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે અદ્યતન સુવિધાઓ સાથે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસની ટ્રાયલ રન પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં મુંબઈ અને ગાંધીનગર સ્ટેશનો વચ્ચે શરૂ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.