Western Times News

Gujarati News

ગુરુકુળ કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ મોડેલથી પ્રભાવિત થતા મુખ્યમંત્રી

CM Bhupendra Patel Haryana

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને જન-જન સુધી પહોંચાડવા ગુરુકુળ કુરુક્ષેત્ર ખાતે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના  સાંનિધ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને હરિયાણાના  મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરે કર્યો વિચાર-વિમર્શ

પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેડૂતો અને કૃષિ સમૃદ્ધ થશેઃ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાતના પ્રતિનિધિ મંડળે  ગુરુકુળ કુરુક્ષેત્રની મુલાકાત લઇ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે વસ્તૃત જાણકારી મેળવી

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ગુરુકુળ કુરુક્ષેત્રની ૨૦૦ એકર ભૂમિમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સફળ પ્રયોગો દ્વારા ઉત્કૃષ્ટ પરિણામો મેળવ્યા છે. ગુરુકુળ કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મના પ્રત્યક્ષ નિદર્શન માટેના રાજ્યપાલશ્રીના નિમંત્રણ પર ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રતિનિધિ મંડળે ફાર્મની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાકૃતિક કૃષિને જન-જન સુધી પહોંચાડવા ગુરુકુળ કુરુક્ષેત્ર ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના સાંનિધ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને હરિયાણના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરે વિચાર વિમર્શ કર્યો હતો. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે આ અવસરે જણાવ્યુ હતુ કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેડૂતો અને કૃષિ સમૃદ્ધ બનશે.

તેમણે રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવા પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને મજબૂત વિકલ્પ તરીકે ગણાવી હતી અને જણાવ્યુ હતુ કે, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતના ખેડૂતો સમગ્ર દેશના ખેડૂતો માટે પ્રેરણાસ્રોત બનશે. રાજ્યપાલશ્રીએ ખેડૂતો અને કૃષિની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક કૃષિને આવશ્યક ગણાવી હતી.

આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રતિનિધિ મંડળે ગુરુકુળ કુરુક્ષેત્ર ખાતે ૨૦૦ એકર ભૂમિમાં પથરાયેલા પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં ફરીને અહીં થઇ રહેલી પ્રાકૃતિક કૃષિને પ્રત્યક્ષ નિહાળી હતી.

રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત મહાનુભાવોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઓછા કૃષિ ખર્ચમાં પૂરતું ઉત્પાદન મેળવી શકાય છે. ગુરુકુળ કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ મોડેલથી મુખ્યમંત્રીશ્રી અને પ્રતિનિધિ મંડળના મહાનુભાવો પ્રભાવિત થયા હતા.

રાજ્યપાલશ્રીના નિમંત્રણ પર મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુરુકુળ કુરુક્ષેત્રની મુલાકાતે ગયેલા પ્રતિનિધિ મંડળમાં રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર તેમજ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરી પણ જોડાયા હતા. આ પ્રસંગે હરિયાણા રાજ્યના કૃષિ મંત્રી શ્રી જે. પી. દલાલ તેમજ ઊર્જા મંત્રી શ્રીરણજીતસિંહ ચોટાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.