Western Times News

Gujarati News

મણિનગર ગાદી સંસ્થાનમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ યોજાશે

સપ્તાહ દરમિયાન વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાનુભાવોની હાજરી રહેશે

અમદાવાદ: સર્વાવાતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજી બાપાશ્રી, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના પાંચમા વારસદાર અને પ્રેરણામૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય આશીર્વાદથી પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં તા. 19 થી તા. 25 સપ્ટેમ્બર 2022 દરમિયાન

“શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું છે. સનાતન ધર્મસમ્રાટ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ૬૧ દિવસ ધ્યાન કર્યું. તે સમયે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનના આદેશથી યુગદ્રષ્ટા શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ આજથી ૫૦ વર્ષ પૂર્વે શ્રી સ્વામિનારાયણ ગાદીને મૂર્ત સ્વરૂપ આપ્યું હતું. સનાતન વૈદિક ધર્મના ઉત્કર્ષ માટે એક સપ્તાહ ચાલનારા આ મહોત્સવમાં અનેક વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા થશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર દ્વારા એક સપ્તાહનાં શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદથી વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડ – લંડન, બોલ્ટન, કેન્યા, અમેરિકા તથા ભારતની ઉપસ્થિતિ નગરયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ મહોત્સવમાં  વ્યસનમુક્તિ શિબિર, પર્યાવરણ રક્ષણ શિબિર, સંત – વિદ્વત્સંમેલન, સંસ્કાર શિક્ષણ શિબિર વગેરે જેવા કાર્યક્રમો પણ યોજાશે.

તા. 19 સપ્ટેમ્બરથી શરૂ થનારા શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહેશે. તા. 19 સપ્ટેમ્બરના રોજ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં વિવિધ સદ્ગ્રંથોની પારાયણોથી મહોત્સવનો પ્રારંભ થશે તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પોથીયાત્રા યોજાશે. આ ઉપરાંત મહિલા ઉત્કર્ષ શિબિર અને રાત્રે સંતો-ભક્તોના ભક્તિ સંગીતના કાર્યક્રમો પણ યોજાશે.

તા. 20 સપ્ટેમ્બરના રોજ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા શ્રી અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણોનું વાચન થશે અને સાંજે મહિલા ઉત્કર્ષ શિબિર તથા રાત્રે સંતો અને ગુજરાતનાં નામાંકિત કલાકારો દ્વારા ભક્તિ રાસ જેવા કાર્યક્રમો યોજાશે

મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવમાં તા. 21 સપ્ટેમ્બરનાં રોજ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા શ્રી અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણોનું વાંચન તેમજ સાંજે મહિલા ઉત્કર્ષ શિબિર અને રાત્રે ભક્તિ નૃત્યનાં કાર્યક્રમો યોજાશે.

તા. 22 સપ્ટેમ્બર 2022નાં રોજ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા શ્રી અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણોનું વાંચન,  સાંજે મહિલા ઉત્કર્ષ શિબિર અને રાત્રે શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ એપિસોડ નાટક યોજાશે.

મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ દરમિયાન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ સંબોધન કરે તેવી ધારણા છે. તા. 23 સપ્ટેમ્બર 2022ના રોજ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા શ્રી અબજી બાપાશ્રીની વાતોનું સમૂહ પારાયણનું વાચન થશે. આ દિવસે સાંજે મહિલા ઉત્કર્ષ શિબિર અને રાત્રે ભક્તિ સંગીત કાર્યક્રમમાં શ્રી સ્વામિનારાયણ ગાદી મહિમાનાં કીર્તનોનું ગાન સંતો અને નામાંકિત કલાકારો કરશે.

તા. 24 સપ્ટેમ્બરના રોજ શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવમાં શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર પાટોત્સવ, શ્રી સ્વામિનારાય ગાદી ગ્રંથ તથા શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણોનું વાંચન થશે. સાંજે કાંકરિયાથી ભવ્યાતિભવ્ય નગરયાત્રાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવમાં યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતનાં વિવિધ ભાગોમાંથી હરિભક્તોનો વિશાળ સમૂહ પણ ઉપસ્થિત રહેશે. તા. 25 સપ્ટેમ્બરનાં રોજ મહોત્સવનાં સમાપન દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. 25 સપ્ટેમ્બરનાં રોજ શ્રી સદ્ગુરૂ દિન, પૂજન, અર્ચન, ગુરૂદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની તુલાવિધિ, આરતી, જીવનપ્રાણ સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદ અને શ્રી સ્વામિનારાયણ ગાદીનાં પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામી મહારાજના આશીર્વાદનાં કાર્યક્રમો યોજાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.