Western Times News

Gujarati News

ત્રણ વર્ષમાં ૨૦ હજાર યુવાનોને ડ્રોન બનાવવા -ઉડાવવા સહિતની તાલીમ અપાશેઃ ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીએ ૧.૪૯ લાખ યુવાનોને એપ્રેન્ટિસશીપ કરાર પત્રો અર્પણ કર્યા

(એજન્સી)ગાંધીનગર, રાજ્યમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી બેરોજગારીનો મુદ્દો મહત્વનો બની શકે છે. આ પહેલા આજે પ્રથમ નોરતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧.૪૯ લાખ યુવાનોને રોજગાર નિમણુંક પત્રો અને એપ્રેન્ટિસશીપ કરાર પત્રો અર્પણ કર્યા હતા. રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે ૧.૪૯ લાખ યુવાઓને રોજગાર અવસર આપવાની આ ઐતિહાસિક ગૌરવ ઘટના છે એમ તેમણે ઉમેર્યુ હતું.

ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પ્રતિકરૂપે ૧૭ જેટલા યુવાઓને પત્રો આપ્યા હતા. સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લા અને ૭ મહાનગરપાલિકાઓમાં આયોજિત રોજગાર પત્ર વિતરણ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં રોપેલા વિકાસના મજબૂત પાયાના પરિણામે જ આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. યુવાનોની પ્રતિભા થકી દેશનો વિકાસ કરવા ટેલેન્ટ પૂલ અતિમહત્વનું છે

તેના માટે રાજ્ય સરકાર અને ખાનગી સંસ્થાઓના સહયોગથી રાજ્યમાં કાર્યરત ૬૦૦ જેટલી આઇ.ટી.આઇ.માં ૨.૧૭ લાખ વિદ્યાર્થીઓને ૧૨૫ જેટલા કોર્સના અભ્યાસથી સ્કીલ્ડ વર્કફોર્સ બનાવવામાં આવી રહ્યા છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ચાર વર્ષમાં એક લાખથી વધુ યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટી અને ગુજરાત એપેક્ષ ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ દ્વારા યુવાનોની પ્રતિભાને ઉજાગર કરવામાં આવી રહી છે તેની ભૂમિકા તેમણે આપી હતી.

રાજ્ય સરકારે ગ્રીન ઝોન, ઇલેક્ટ્રોનીક્સ, ડ્રોન, લોજીસ્ટીક્સ જેવા ૫૧ ન્યુ એજ કોર્ષ શરૂ કરીને યુવાનોને સ્કીલ બનાવવાની દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે. કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીમાં ડ્રોન કોષ શરૂ કરીને ત્રણ વર્ષમાં વીસ હજાર જેટલા યુવાનોને ડ્રોન બનાવવા, ડ્રોન રીપેર કરવા અને ડ્રોન ઉડાવવાની તાલીમ આપવામાં આવશે તેનો પણ મુખ્યમંત્રીએ વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

ગુજરાત નરેન્દ્રભાઇના દિશાદર્શનમાં દરેક ક્ષેત્રે મજબૂત વિકાસનો પર્યાય બન્યું છે. ગુજરાતે બે દાયકામાં વિકાસના દરેક ક્ષેત્રમાં, દરેક એકમોમાં હરણફાળ ભરી છે, એમ તેમણે રાજ્યની સર્વગ્રાહી વિકાસની છણાવટ કરતા કહ્યું હતું. તેમણે ઉમેર્યુ કે, બે દાયકા પહેલાં રાજ્યમાં ઉર્જા ક્ષેત્રે ૯૯ મેગા વોટ રીન્યુએબલ એનર્જીનું ઉત્પાદન થતું હતું જે આજે ૧૬,૫૮૮ મેગાવોટે પહોંચ્યું છે તેમજ ૮૭૫૦ મેગાવોટ વીજ ઉત્પાદન આજે ૪૦,૧૩૮ મેગાવોટ પર પહોંચ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.