Western Times News

Gujarati News

કચ્છ-બનાસકાંઠા જિલ્લાના વિવિધ સરહદી વિસ્તારોના સ્થળોએ યોજાશે સાહસિક પ્રવાસ

આપણી સરહદ ઓળખો પ્રવાસ કાર્યક્રમ-૨૦૨૨-૨૩-રાજ્યના ૧૫-૩૫ વર્ષની વય ધરાવતા યુવક- યુવતીઓ માટે આપણી સરહદ ઓળખો અંતર્ગત પ્રવાસ કાર્યક્રમનું આયોજન

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, હેઠળની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા આપણી સરહદ ઓળખો અંતર્ગત પ્રવાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાતના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક- યુવતીઓને રાજ્યના સરહદી વિસ્તારો,

ત્યાંનું લોકજીવન, ઐતિહાસિક તેમજ પુરાતત્વીય સ્થળો, સાગરકાંઠો, રણ વિસ્તાર, વગેરેનો પ્રત્યક્ષ પરિચય થાય તેમજ ત્યાંની મુશ્કેલીઓ, હાડમારીઓ વચ્ચે સરહદોનું રક્ષણ કરતાં આપણા જવાનો વિશે માહિતી મેળવી શકે તે હેતુથી દર વર્ષે કચ્છ-બનાસકાંઠા જિલ્લાના વિવિધ સરહદી વિસ્તારોના સ્થળો ખાતે આ સાહસીક પ્રવાસ યોજાય છે.

આ વર્ષે ૧૦ દિવસ માટે આ કાર્યક્રમ યોજાશે. જેમાં રાજ્યભરમાંથી આવેલી અરજીઓમાંથી શિબિરાર્થીઓની પસંદગી કરી આ સાહસિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક અપાશે. તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૨ના સુધી ૧૫-૩૫ વર્ષની વય ધરાવતા ઇચ્છુક યુવક-યુવતીઓએ પોતાના જિલ્લાના જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરીમાંથી ફોર્મ મેળવી,

સંપૂર્ણ વિગતો ભરી આધાર પુરાવા સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, રૂમ નં-૪૧૧, ત્રીજો માળ, બહુમાળી ભવન-ભૂજ, જિ.કચ્છ, પીન-૩૭૦૦૦૧ ને તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી મોકલવાનું રહેશે.

આ કાર્યક્રમમાં જોડાવા માટે NCC કેડેટ્સ NSS મેમ્બર રાષ્ટ્રીય પરેડ નવી-દિલ્હી-૧૫ ઓગસ્ટ અને ૨૬-જાન્યુઆરી તાલુકા જિલ્લા રાજ્યકક્ષાના રમતોત્સવ માન્ય રમતોમાં પ્રથમ, દ્વિતિય, તૃતિય ક્રમાંક વિજેતા/વિશિષ્ટ બહાદુરી વિરતા શૌર્ય માટેનો એવોર્ડ મેળ્યો હોય,

પર્વતારોહણ બેઝીક તાલીમ લીધેલી હોય અને કોઇ ખાસ અભિયાન કરેલ હોવુ જોઈએ. જેમ કે, સાયકલ રેલી, બાઇક રેલી  અને આ વિગતો અંગેના પ્રમાણપત્રો સામેલ રાખવામાં આવશે. જે વિગતોને અરજી પસંદગી સમયે પ્રાધાન્ય અપાશે.

આ કાર્યક્રમમાં પસંદ થનાર યુવક-યુવતીઓની પસંદગી બાબતે ટેલિફોનિક જાણ કરવામાં આવશે. પસંદ થનાર યુવક યુવતીઓએ પોતાના રહેઠાણથી ભૂજ તથા ભૂજથી પરત પોતાના રહેઠાણ ખાતે સ્વખર્ચે આવવા-જવાનું રહેશે. કાર્યક્રમ દરમ્યાન ભોજન, નિવાસ, તેમજ અન્ય આનુષાંગિક સુવિધાઓ રાજ્ય સરકારશ્રી દ્વારા આપવામાં આવશે,

તેમજ ભાગ લેવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવશે તેમ સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશ્નરશ્રીની યાદીમાં જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.