Western Times News

Gujarati News

ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેને કેસરિયો ધારણ કર્યો

૧૬ ગામોના ૩૦૦થી વધુ આગેવાનો અને કાર્યકરો પણ ભાજપમાં જાેડાયા

(પ્રતિનિધિ)ભરૂચ, આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કાંગરા ખરવાની શરૂઆત થઈ ચૂકી હતી.ભરૂચ જિલ્લામાં પૂર્વપટ્ટીના મજબૂત આગેવાન મહેશ પરમાર અને વાગરાના યાકુબ ગુરુજી સહિત આગલી હરોળના અનેક આગેવાનોએ કોંગ્રેસને બાય બાય કરી દેતા કોંગ્રેસનો કિલ્લો ધ્વસ્ત થવાની શરૂઆત થઈ હતી.

આ આઘાતની કળ વડે તે પહેલા જ કોંગ્રેસના વધુ એક કદાવર નેતા અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજે ૨૦ થી વધુ ગામોના આગેવાનો અને કાર્યકરો સાથે કોંગ્રેસને છોડી ભાજપનો કેસરિયો ધારણ કરતા કોંગ્રેસ ચૂંટણી પહેલા જ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. જ્યારે વાગરા વિધાનસભા બેઠક પર ભાજપની પકડ વધુ મજબૂત બની રહી છે.

વાગરા તાલુકાના સાયખા ખાતે ભરૂચ જિલ્લા ભાજપનું જન સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની હાજરીમાં કોંગ્રેસના કદાવર આગેવાન અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજ,સાયખાના સરપંચ જયરાજસિંહ રાજ, દુધધારા ડેરીના પૂર્વ વાઈસ ચેરમેન હેમંતસિંહ રાજ, વાગરા તાલુકા પંચાયતના સભ્ય મુબારક પઠાણ અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન યુનુસભાઈ સરપંચ સહિત ૧૬ ગામોના આશરે ૩૦૦થી વધુ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જાેડાયા હતા.

જેમને કેસરી ખેસ પહેરાવી ધારાસભ્ય અરુણસિંહ રણા અને જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ કેસરી ખેસ પહેરાવી આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી હવે સાવ નજીકમાં છે.એક તરફ રાજકીય પક્ષો અને સરકાર પણ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ચુક્યા છે. ચૂંટણીલક્ષી રાજકારણ ધીરે ધીરે જામી રહ્યું છે. તેવા સંજાેગોમાં કોંગ્રેસના મહેલના એક પછી એક કાંગરા ખરી રહ્યા છે.

ભરૂચ જિલ્લામાં આગલી હરોળના કોંગ્રેસના અડીખમ આગેવાનો કોંગ્રેસથી છેડો ફાડી રહ્યા છે.તેવા સંજાેગોમાં કોંગ્રેસ ડેમેજ કન્ટ્રોલ કરવા એડી ચોટીનું જાેર લગાવી રહી છે. આમ છતાં કોંગ્રેસ સંગઠન તાર તાર થઈ રહ્યું છે. થિંગડા મારવાના લાખ પ્રયાસો છતાં ભરૂચ જિલ્લામાં અને તેમાં પણ ખાસ કરીને વાગરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ચૂંટણી પહેલા જ હાંસિયામાં ધકેલાઈ ચૂક્યું છે.જેની સીધી અસર આવનારી વિધાનસભા ચૂંટણીમાં જાેવા મળે તો નવાઈ નહીં.

આઝાદી પછી ગાંધીજી કોંગ્રેસને તાળુ મારવાનું કહેતા હતા.કોંગ્રેસ બંધ કરવા માંગતા હતા. ગાંધી જયંતીના દિવસે જ મહેન્દ્રસિંહ રાજે મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે કોંગ્રેસને છોડી ભાજપમાં જાેડાઈને ગાંધીજીના વિચારને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે.વાગરા તાલુકામાં કોંગ્રેસ નામશેષ થવાના આરે છે તેમ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ જણાવ્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.