Western Times News

Gujarati News

પ્રાથમિક સ્કૂલોમાં ગુજરાતી વિષય ફરજિયાત ન કરતાં કોર્ટની નોટિસ

અમદાવાદ, પ્રાથમિક શાળાઓમાં ગુજરાતીને ફરજિયાત વિષય તરીકે સામેલ કરવાની પોલિસી શા માટે લાગુ નથી કરી તે અંગેની સ્પષ્ટતા મંગળવારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસેથી માગી હતી. જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ નિશા ઠાકોરની ખંડપીઠે માતૃભાષા અભિયાન માટે વકીલ અમર ભટ્ટ અને અર્ચિત જાની દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલના જવાબમાં નોટિસ જાહેર કરી હતી.

અરજદારોએ ૧૩ એપ્રિલ, ૨૦૧૮ના રોજ પસાર થયેલા સરકારી ઠરાવને ઠાંક્યો હતો, જેમાં રાજ્યની તમામ શાળાઓ માટે ઓછામાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ના બીજા સત્રથી પ્રાથમિક વિભાગમાં ગુજરાતી ભાષા શીખવવાનું ફરજિયાત બનાવ્યું હતું. અરજદારોએ ફરિયાદ કરી હતી કે, સરકારે પોલિસી અપનાવી હોવા છતાં તેનો અમલ હજી સુધી થયો નથી.

અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપતી શાળાઓની સંખ્યા વધતા અને ગુજરાતી માધ્યમની શાળાઓની સંખ્યા ઘટવાના કારણે ગુજરાતી વિષય પર પ્રતિકૂળ અસર પડી છે. વકીલોએ રજૂઆત કરી હતી કે, તેલંગાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોએ માત્ર સ્થાનિક ભાષાના ફરિજયાત શિક્ષણ માટે પોલિસી જ નથી બનાવી પરંતુ કાયદો પણ પસાર કર્યો છે, જે બંધારણની કલમ ૨૯ હેઠળ આવે છે.

તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, સરકારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, ઈન્ડિયન સર્ટિફિકેટ ફોર સેકન્ડરી એજ્યુકેશન અને ઈન્ટરનેશનલ બેકલોરેટ સાથે સંકળાયેલી શાળાઓમાં નીતિને અમલમાં મૂકવાના પ્રયાસો કરાયા નથી.

સુનાવણી દરમિયાન, વકીલોએ કોઠારી કમિશનની ભલામણો, ૨૦૨૦ની નવી શિક્ષણ નીતિ અને ત્રિભાષી ફોર્મ્યુલાના આગ્રહ પર પ્રકાશ પાડ્યો હતો, આ સાથે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાતમાં અમલીકરણ એક સમસ્યા છે.

રાજ્ય સરકારે આગ્રહ કર્યો હતો કે CBSE, ICSE અને IB પણ હાઈકોર્ટ દ્વારા પ્રશ્ન કરવામાં આવે કે તેઓએ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી શીખવવા અંગેના સરકારી આદેશનો અમલ કેમ કર્યો નથી.

જાે કે, જજે કહ્યું હતું કે, સરકાર એ નીતિ બનાવનાર અને તેના અમલકર્તા છે અને તેથી બોર્ડને પક્ષના પ્રતિવાદી તરીકે દાખલ કરવાની જરૂર નથી. કોર્ટે સરકાર પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું હતું કે, તેમને કેમ લાગે છે કે ગુજરાતી ભાષા શીખવવી તે બોર્ડ પર દયા સમાન છે. આ મામલે આગામી સુનાવણી ૧૮ ઓક્ટોબરે થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.