Western Times News

Gujarati News

CBI સક્રિય થતાં ઈન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવતાં ગઠિયાઓ અંડરગ્રાઉન્ડ

પ્રતિકાત્મક

વિદેશી એજન્સીઓએ ઈન્ટરપોલની મદદ લઈને કોલ સેન્ટરના ગોરખધંધાને રોકવા માસ્ટર પ્લાન બનાવ્યોઃ સીબીઆઈએ ચીટર ટોળકીનું લિસ્ટ તૈયાર કર્યુ

અમદાવાદ, શહેરમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા ઈન્ટરનેશનલ કોલ સેન્ટરના ગોરખધંધામાં પોલીસની ધોંસ વધી હતી, જેના કારણે હવે વિદેશી નાગરિકોને ઠગવા માટે ચીટર ટોળકીએ ગુજરાત બહાર દોટ મૂકી છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગોવા સહિતનાં રાજ્યોમાં અમદાવાદના ચીટરોએ ઈન્ટરનેશનલ કોલ સેન્ટર શરૂ કરી દીધાં છે,

જાેકે સેન્ટ્ર્‌લ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનની સ્પેશ્યલ ટીમો કોલ સેન્ટર કૌભાંડને બંધ કરાવવા માટે સક્રિય થતાં ચીટરો અંડરગ્રાઉન્ડ થઇ ગયા છે. અન્ય રાજ્યોમાં કોલ સેન્ટર ચલાવતા હજારો યુવકો સીબીઆઈના ડરથી પરત અમદાવાદ તેમના ઘરે આવી ગયા છે, જ્યારે કેટલાક લોકોએ તો પોતાનો ધંધો પણ બંધ કરી દીધો છે.

છેલ્લાં ઘણાં વર્ષાેથી વિદેશી નાગરિકો સાથે ઠગાઈ કરતું ઈન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલી રહ્યું છે. વિદેશી નાગરિકો સાથે અલગ અલગ સ્કીમો બતાવીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી લેવામાં આવે છે, જેનો પર્દાફાશ અનેક વખત પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ કરે છે.

અમદાવાદના કોલ સેન્ટરની દુનિયાનું હબ કહેવામાં આવતું હતું, પરંતુ પોલીસ સક્રિય થતાં ચીટર ટોળકીઓએ પોતાનો બેઝ ગુજરાત બહાર બનાવી દીધો હતો. ઈન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવવા માટે ગઠિયાઓએ પહેલેથી પોતાનું નેટવર્ક સેટ કરી દીધું છે. વિદેશથી નાગરિકોના ડેટા અમદાવાદ સહિત ગુજરાત અને આખા દેશમાં પહોંચે છે, ત્યારબાદ ચીંટિંગનો ખેલ શરૂ થાય છે.

વિદેશી નાગરિકોના કરોડો રૂપિયા ગઠિયાઓ પાસે પહોંચી જતા વિદેશની સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઇ છે અને તેમણે ઈન્ટરપોલની મદદ માગી હતી. વિદેશી એજન્સીઓએ ઈન્ટરપોલની મદદ લઇને કોલ સેન્ટરના ગોરખધંધાને રોકવા માટેનો માસ્ટર પ્લાન બનાવ્યો છે, જેમાં સીબીઆઈએ ચીટર ટોળકીઓનું લિસ્ટ તૈયાર કર્યું છે.

દેશમાં ચાલી રહેલા કોલ સેન્ટર કૌભાંડ પર રોક આવી જાય તે માટે ઈન્ટરપોલે સીબીઆઈ પાસે મદદ માગી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કોલ સેન્ટર કૌભાંડ ચલાવતા ચીટરો સામે સીબીઆઈએ લાલ આંખ કરી છે. બાતમીના આધારે સીબીઆઈએ ઠેરઠેર સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, જેના કારણે કોલ સેન્ટર ચલાવતા કૌભાંડીઓ અંડરગ્રાઉન્ડ થઇ ગયા છે.

કેટલાંક આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર કૌભાંડીઓ પોતાનો ધંધો બંધ કરીને પરત તેમના ઘરે આવી ગયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદી યુવકો છે. જ્યાં સુધી સીબીઆઈનો મામલો શાંત પડે નહીં ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ કોલ સેન્ટર શરૂ નહીં થાય તેવું ચીટરોનું માનવું છે.

હાલ છેલ્લા વીસ દિવસથી કોલ સેન્ટરના ગોરખધંધા પર સીબીઆઈએ લાલ આંખ કરી છે, અમદાવાદનો એક યુવક જે કોલ સેન્ટર કૌભાંડ ચલાવે છે તેનું કહેવું છે કે હવે ટેકનિકલ સર્વલન્સના આધારે સીબીઆઈ ઠેરઠેર સર્ચ કરી રહી છે, જેની જાણ વિદેશી એજન્સીઓને છે.

આજે ૫૦ ટકા કોલ સેન્ટરો એકાએક બંધ થઈ ગયાં છે, જ્યારે કેટલાંક કોલ સેન્ટર ચોરીછૂપે ચાલી રહ્યાં છે. પોલીસ અધિકારીઓનું માનવું છે કે સીબીઆઈ કોલ સેન્ટરની ચેઈન તોડવા માટે સક્રિય થઇ છે, જેના કારણે ઠેર ઠેર કાર્યવાહી પણ થઇ રહી છે. આવનારા દિવસોમાં કોલ સેન્ટર કૌભાંડ મામલે સીબીઆઈ મોટો ઘટસ્ફોટ કરે તેવી પણ શક્યતાઓ નકારી શકાતી નથી. સીબીઆઈએ શરૂ કરેલા સર્ચ બાદ આવનારા દિવસોમાં કોલ સેન્ટર કૌભાંડમાં બ્રેક વાગે તેવી શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.